ગરવા ગિરનારની ગોદમાં મહા શિવરાત્રીના  મેળામાં  ભકિત, ભજન અને ભોજનની જમાવટ

મેળાના બીજા દિવસે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટયા: ભારે ભકિતમય માહોલ,શિવ ભક્તિમાં લીન થતા ભકતો

અબતક,દર્શન જોશી,જૂનાગઢ

ગરવા ગિરનારની ગોદમાં, ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા  મહા શિવરાત્રી મેળાનો ગઈકાલે મહા વદ નોમથી સંતો, મહંતો, આગેવાનો, ભાવિકોની ઉપસ્થિતિમાં  ભવનાથ મંદિરે વિધિવત પૂજા, ધ્વજારોહણ બાદ  પ્રારંભ થતા, હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ  સાથે ગિરનાર તળેટી ગૂંજી ઉઠી હતી. અને પ્રથમ દિવસથી જ ભક્તિ, ભોજન અને ભજનનો મેળો ભારે જામવા લાગ્યો હતો.કોરોનાના કારણે શિવરાત્રી મેળો છેલ્લા બે વર્ષ થી યોજોયો ન હતો.

અને આ વખતે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા પ દિવસીય  શિવરાત્રી મેળાને છેલ્લી ઘડીએ સરકારે મંજૂરી આપી હતી. પરંતુ ભાવિકો બે વર્ષ બાદ યોજાયેલા ભવનાથના આ મેળાને મન ભરીને માણી શકે તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે  જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર, કોર્પોરેશન સહિતના વિવિધ વિભાગ દ્રારા સાફ-સફાઈ, પાણી પીવાની વ્યવસ્થા, બસ સેવા, લાઈટ, આરોગ્ય લક્ષી સુવિધા માટે યુદ્ધના ધોરણે તડામાર રાત દિવસ કામગીરી હાથ ધરી હતી અને સલામતી માટે પોલીસ બંદોબસ્ત સહિતનું સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન ગઈકાલે મેળાના પ્રારંભ પ્રસંગે અખાડા પરિષદના મહામંત્રી અને ભવનાથ મંદિરના મહંત હરીગીરીબાપુ દ્વારા વહેલી સવારે ભવનાથ મહાદેવને જલા ભિષેક કરીને પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભવનાથ મંદિરના મહંત હરીગીરીબાપુ,  રૂદ્રેશ્વર આશ્રમના મહંત  ઇન્દ્રભારતીબાપુ, ભારતી આશ્રમના મહંત હરીહરાનંદબાપુ, તથા સંતો મહંતોની સાથે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જૂનાગઢ મનપા મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, ઇન્ચાર્જ કલેક્ટર મીરાંત પરીખ, કમિશનર રાજેશ તન્ના, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, અધિક કલેકટર એલ.બી. બાંભણિયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, શૈલેષભાઇ દવે, કીરીટભાઇ ભીંભા, એભાભાઇ કટારા સહિતના અગ્રણીઓ,  કોર્પોરેટરો,  શ્રધ્ધાળુઓ ઉપસ્થિતમાં ભવનાથ મહાદેવ મંદિરના 80 ફુટ ઊંચા શિખર પર ધ્વજા રોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવનાથમાં આવેલા અગ્નિ અખાડા, જૂના અખાડા અને આહવાન અખાડામાં પણ ધજા રોહણ કરવામાં આવ્યું હતું અને આ સાથે મેળાનો વિધિવત પ્રારંભ  આવ્યો હતો. તો બીજી બાજુ ભવનાથના મેળામાં પધારેલા તપસ્વી, યોગીઓ અને નાગા સાધુઓ દ્વારા અલખના ધૂણા પ્રજવલીત કરવામાં આવ્યા હતા અને આવા સંતો મહંતો શિવની આરાધનામાં ગઇકાલથી જ લીન બન્યા હતા.

આ સાથે ઉતારા મંડળ દ્વારા સુદર્શન તળાવ ખાતે જળથી સૂર્યદેવને અંજલી આપીને ભવનાથ મંદિરે દર્શન કરી તથા સંતોના આશીર્વાદ મેળવી, અઢીસોથી વધુ અન્નક્ષેત્રનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને ભવનાથ ક્ષેત્રમાં પધારતા ભાવિકો માટે ગઈકાલ સવારથી જ ભોજન અને રહેવા તથા આરામ માટેની વ્યવસ્થા ઉતારા મંડળ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.ગઈકાલે મેળાનો પ્રથમ દિવસ હતો અને છેલ્લા બે વર્ષથી ભવનાથનો શિવરાત્રિનો મેળો યોજાયો ન હતો. ત્યારે સાંજ સુધી મેળામાં અંદાજે 50 હજાર કરતા વધુ લોકો પહોંચી ગયા હતા અને જેમાં રાત પડવા લાગી હતી તેમાં ભાવિકોનો ઘસારો ભવનાથ તરફ વધવા લાગ્યો હતો અને ગઈકાલે પ્રથમ દિવસે જ લગભગ 1 લાખ જેટલા અંદાજિત લોકોએ આ મેળાને મનભરી માણ્યો હતો. પ્રથમ દિવસે જ લોક સમુદાય ઊમટી પડતાં ભવનાથમાં ભારે પીડા જામી હતી અને અને ભવનાથ શ્રેત્ર ભાવિકોની ઉભરાયું હતું.

ગઈકાલે પ્રથમ દિવસે જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતાંની સાથે વિવિધ અન્નક્ષેત્રોમાં પ્રથમ દિવસે જ લગભગ 60થી 70 હજાર લોકોએ ભોજનનો લાભ લીધો હતો, આ સાથે ભવનાથના વિવિધ આશ્રમો અને ઉતારા મંડળોમાં સંતવાણી અને ભજનના કાર્યક્રમો યોજાયા હતા જ્યાં ભજન રસિયાઓએ મનભરી ભજનની મોજ માણી હતી તો બાળકો અને યુવાનોએ ભારતી આશ્રમ પાસે ગોઠવાયેલા ચકડોળ અને મોટી રાઈડો માં બેસી, ચિચિયારીઓ સાથે એન્જોય કર્યું હતું.

આજથી  ત્રણ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમની વણઝાર

ભગવાન શિવના આરાધના પર્વ મહા શિવરાત્રી નિમિત્તે ભવનાથનાં મેળામાં જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ત્રણ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.તા. 26, 27 અને 28 ફેબ્રુઆરીના રોજ સાંજના 6.30 કલાકથી રાત્રીના 10.00 કલાક સુધી લોકડાયરો, ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે.જાણીતા કલાકારો દ્વારા લોકસાહિત્યની રમઝટ સાથે ભજન અને સંતવાણી સહિતના કાર્યક્રમો ત્રણ દિવસ યોજાશે. જાહેર જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જણાવાયુ છે.

ભવનાથના રસ્તા સેનેટાઈઝ કરાયા

 

ભવનાથમાં શહેર શરૂ થયેલા શિવરાત્રી મેળાના પ્રારંભ પૂર્વે ગત રાત્રીના જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર એભાભાઈ કટારાના માર્ગદર્શન હેઠળ આખી રાત ભવનાથ વિસ્તારના તમામ રોડને સેનેટાઈઝર કરી પાણી વડે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરીને સાધુ-સંતો દ્વારા વખાણવામાં આવી હતી.

જુનાગઢ વોર્ડ નંબર 9 ના ધાર્મિક અને સેવાભાવી કોર્પોરેટર એભા ભાઈ કટારા દ્વારા ગઇકાલે રાત્રીના મનપાના ફાયર ફાઈટર અને સફાઇ કામદારોને સાથે રાખી ભવનાથ વિસ્તારના જાહેર રોડને શેનીટાઈઝ કરવામાં આવ્યા હતા અને તમામ રસ્તાઓને પાણીથી ધોવામાં આવ્યા હતા, જેથી અહીં આવતા યાત્રાળુઓને કોરોનાના સમયમાં કોઈ આરોગ્ય લક્ષી તકલીફ ઊભી ના થાય.

મેળા પ્રારંભની પૂર્વ રાત્રિએ આખી રાત દરમિયાન ચાલેલ ભવનાથ ક્ષેત્રના રસ્તાઓની સફાઈ કામગીરીમાં એભા ભાઈ કટારા એ જાતે પાણીના ફુવારાને પકડી આ સફાઈ કામગીરી કરી હતી જેને વરિષ્ઠ સંત હરીગીરી મહારાજ સહિતના સંતોએ વખાણી અને આશિર્વચન પાઠવ્યા હતા.