Abtak Media Google News

અખિલ હિન્દ મહિલા પરીષદ રાજકોટ ખાતે નિર્ધાર

મહિલા સંગમ કાર્યક્રમમાં મહિલા કલ્યાણ પ્રકલ્પોની જાહેરાત 

સહિયારું મંથન, નૂતન અભિગમ અને મકકમ મનોબળના ત્રિવિધ સુત્રથી મહિલા સશકિતકરણની સંકલ્પના સાકાર કરવાનો મકકમ નિર્ધાર આજે અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ ખાતે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ કર્યો હતો.

અખિલ હિન્દ મહિલા પરીષદના મધ્યસ્થ સંકુલ ખાતે અખિલ હિન્દ મહિલા પરીષદના પ્રમુખ અને સંયુકત રાષ્ટ્રસંઘ ખાતે નિમંત્રિત ડો.ભાવનાબેન જોશીપુરાના પ્રમુખ સ્થાને આયોજીત સર્વક્ષેત્રિય મહિલા સંગમમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલા અધિકારીઓ, મહિલા ઉધોગ સાહસિકો, મહિલા સાહસિકો, શિક્ષણવિદો તેમજ સાહિત્ય કલાસંગીત તેમજ મહિલા રમત-ગમત ક્ષેત્રની તેજસ્વી મહિલાઓની ઉપસ્થિતિમાં આયોજિત વિશાળ કાર્યક્રમમાં સમગ્ર વર્ષભરના જાગૃતિ પ્રેરક કાર્યક્રમો તેમજ મહિલા કલ્યાણના પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી.

મદદનીશ લેબર કમિશનર સુરભીબેન ભપલ, રોજગારી અધિકારી ચેતનાબેન મારડીયા, રોટરી કલબના ડો.બાનુબેન ધકાણ, કેનેડાથી ખાસ પધારેલ આદ્યસંસ્થાપક હરગંગાબેન દેસાઈ પરિવારના ભારતી દેસાઈ ત્રિવેદી, સમગ્ર દેશમાં મોટર સાયકલ ઉપર પ્રવાસ કરનાર કચ્છના હોનહાર મહિલા જયોતિબેન ભટ્ટ, મોરબીના નિહારીકાબેન ગોહિલ, જાણીતા કવયિત્રી ઉષાબા જાડેજા, ૧૮૧ હેલ્પલાઈનના કાજલબેન કોરડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ડો.ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, સમૃદ્ધિ, સ્વનિર્ભરતા, સ્વશકિતના ત્રિવિધ મંત્ર દ્વારા ધીમી પણ મકકમ ગતિએ મહિલા સશકિતકરણની પ્રક્રિયા આગળ વધી રહી છે, રાજનૈતિક ક્ષેત્રમાં ઘણી બધી મહિલાઓએ આગવી સુઝ અને કાળજીના પરિપાક રૂપે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, દેશનું સૌભાગ્ય છે કે વિદેશ સંરક્ષણ જેવા મંત્રાલયોમાં વૈશ્વિ કક્ષાએ આપણા મહિલા મંત્રીઓએ નામના પ્રસ્થાપિત કરી છે અને લોકસભાનું સરળ સંચાલન પણ મહિલા અધ્યક્ષ સુચારુ રૂપથી પાર પાડી રહેલ છે. સંસદથી લઈ પંચાયત સુધી રાજનૈતિક સશકિતકરણમાં સારી એવી સફળતા મળી છે.

૨૦૧૯ માર્ચથી ૨૦૨૦ માર્ચ એક વર્ષ દરમિયાન જાગૃતિ પ્રેરક કાર્યક્રમો અને મહિલા કલ્યાણના પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના વિવિધ આર્થિક પછાત વિસ્તારોમાં વર્ષભર સ્વનિર્ભર, કૌશલ્યવર્ધન તાલીમ વર્ગો તેમજ સાક્ષરતા પ્રકલ્પ અંતર્ગત એક હજાર જેટલા મહિલાઓને વ્યવસાયગત સજતા પ્રાપ્ત કરવા પ્રશિક્ષણ, શહેરના વિવિધ આર્થિક પછાત વીસ્તારોમાં ૫૧ જેટલી કાનુની પ્રશિક્ષણ શિબિરો વિવિધ વિસ્તારમાં આરોગ્યસંભાળ અને બાળકલ્યાણ કાર્યક્રમો તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે વ્યાપક અભિયાન સહિતની જાહેરાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.