Abtak Media Google News

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત

પરમ જીવરક્ષા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મહત્વનો સ્ત્રોત: આચાર્ય  દેવવ્રતજી

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પરમજીવ રક્ષા માટે પ્રાકૃતિક ખેતી મહત્વનો સ્ત્રોત છે, તેનાથી ન માત્ર જીવરક્ષા; પરંતુ જીવસંવર્ધન પણ સંભવ છે. પ્રાકૃતિક ખેતી માટે ગાય અનિવાર્ય છે એટલે પાંજરાપોળને બદલે કિસાનોના ઘરમાં જ ગાયોનું બહેતર પાલન થશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમણે જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ પ્રાથ્ર્યા હતા.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “હું આવા રાજનેતાને પહેલીવાર મળી રહ્યો છું, જે આટલા ઉચ્ચ હોદ્દા પર રહીને પણ આદર્શ જીવનમૂલ્યોનું પાલન કરતાં કરતાં સમાજ ઉપયોગી કાર્યોમાં પ્રવૃત્ત છે. વિષયના અભ્યાસુ છે અને પોતાના સિદ્ધાંતો સાથે કોઈ જ બાંધછોડ નથી કરતા. હું કોઈ રાજનેતાના મુખેથી આવી વાતો પહેલીવાર સાંભળું છું.”

Screenshot 11 2 1

પ્રાકૃતિક કૃષિ ઉપરાંત સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, યોગ શિક્ષણ અને ગૌમાતા સંરક્ષણ માટે સામાજિક ચેતના પ્રગટાવવા સતત પ્રયત્નશીલ રાજ્યપાલ   આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે,   નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને જનઆંદોલનમાં બદલવા માંગે છે, જેનાથી ખેડૂતોની આવક બમણી થશે અને પર્યાવરણનું રક્ષણ પણ થશે. ગુજરાતમાં અઢી લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ માટે રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં પોણા બે લાખ કિસાનોને તેમની દેશી ગાયના પાલન માટે ગુજરાત સરકાર પ્રતિમાસ ₹900 ની આર્થિક સહાય આપે છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી આપણી ગાયોને પાંજરાપોળમાં નહીં લઈ જવી પડે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનમાં રહેલા એવા સૂક્ષ્મ જીવાણુઓ મરી જાય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં ઘણા ઉપયોગી થાય છે. રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન ઓછું થાય છે. ભારત સરકારે પ્રતિ વર્ષ ₹ 2.5 લાખ કરોડના રાસાયણિક ખાતરો વિદેશથી આયાત કરવા પડે છે. એટલું જ નહીં, પેસ્ટીસાઈડ્સના વધારે પડતા ઉપયોગથી મનુષ્યમાં રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. આ બધી સમસ્યાઓનો હલ પ્રાકૃતિક ખેતીમાં છે.

પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું ગોબર અને ગૌમુત્ર અનિવાર્ય હોવાથી ગૌમાતાનું રક્ષણ થશે, પર્યાવરણ, પાણી, અને ખેડૂત પણ બચશે. તેમણે કહ્યું કે, જૈન સમાજ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખે છે અને પ્રાકૃતિક ખેતી જેવી દયાભાવના બીજી કોઈ નહીં. તેમણે એમ પણ કહ્યું કે, જૈન સમાજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાની પહેલ કરે તો પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રોત્સાહન મળશે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની વધુ માંગ ઉભી થશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.