Abtak Media Google News

72 દિવસના જેલવાસ બાદ રાજકોટમાં છ માસ સુધી પ્રવેશબંધીના શરતે હાઇકોર્ટે જામીન મંજુર કર્યા

સવેશ્વર ચોકમાં જુની અદાવતમાં લોક સાહિત્યકારે બે સાગ્રીતો સાથે મારમાર્યો ‘તો

શહેરના ધમધમતા સેવા યાજ્ઞીક રોડ નજીક ધોળા દિવસે જુની અદાવતમાં ગરાસીયા બિલ્ડર પર હુમલો કરવાના ગુનામાં લાંબા સમયથી જેલ હવાલે રહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટ પ્રવેશ બંધીની શરતે હાઇકોર્ટે જામીન પર છોડી મુકવાનો હુકમ કર્યો છે.

શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન  પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કર્યાની મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કાનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી અદાલતે નામંજુર કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતો પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા.

જેલ હવાલે રહેલા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતે જામીન મેળવવા રાજકોટ સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી રદ થતા સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈ દેવાયત ખવડ અને કાર ડ્રાઇવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયાએ જેલ મુક્ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે લંબાણપૂર્વકની દલીલો બાદ જામીન ન આપવાનું રુખ અપનાવતા અંતે દેવાયત ખવડ અને તેના સાગરીત કિશન કુંભારવાડિયાએ જામીન મુક્ત થવા કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી. જે ગુનામાં તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા દેવાયત ખવડ અને તેના બંને સાગરીતોએ રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી પણ રદ થતા દેવાયત ખવડે હાઇકોર્ટમાં જામીન મુક્ત થવા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા હાઇકોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દેવાયત ખવડને ખૂની હુમલાના ગુનામાં 72 દિવસના જેલવાસ બાદ 6 માસ સુધી રાજકોટમાં નહિ પ્રવેશવાની શરતે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.

આ કેસમાં દેવાયત ખવડના બચાવ પક્ષે  હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શરદભાઈ શાહ, રાજકોટના એડવોકેટ અજયભાઈ કે. જોષી, સ્તવનભાઈ મહેતા અને બ્રિજેશ ચૌહાણ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.