Abtak Media Google News

લોભિયાના ધન ધુતારા ખાય….

દરોડામાં કાનપુર અને કન્નૌજમાં વેપારીના ઘરેથી ૧૯૪.૪૫ કરોડ રૂપિયાથી વધુની રોકડ, ૨૩ કિલો સોનું, ૬૦૦ કિલો ચંદનનું લાકડું મળી આવ્યું

કન્નૌજમાં પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈનના ઘરેથી આઠ બોરી ભરીને રોકડ મળી આવી છે. એના ઠેકાણામાંથી ૨૫૭ કરોડની રોકડ મળી ચૂકી છે. અંદાજ છે કે કુલ રોકડ રૂ. ૨૯૦ કરોડની આસપાસ હોઈ શકે છે. પીયૂષ પાસે કરોડોની રોકડ ક્યાંથી આવી? તપાસ એજન્સીઓ તેની તપાસમાં લાગેલી છે. જો સૂત્રોનું માનીએ તો મોટા ઉદ્યોગપતિઓની સ્પર્ધામાં પીયૂષના વેપારની પોલ ખૂલી છે. ખરેખર પીયૂષ પાન મસાલાના મોટા વેપારીઓ સાથે સીધો સંપર્ક વધારવામાં વ્યસ્ત હતો, જેને કારણે તે નીચે પટકાયો છે. સૂત્રોનો દાવો છે કે પીયૂષનાં ઠેકાણાંમાંથી જે ખજાનો મળી આવ્યો છે એ પાન મસાલાના મોટા વેપારીનો છે.

પિયુષ જૈનની અબજોની સંપત્તિ ડીજીજીઆઈએ જપ્ત કરી છે ત્યારે જૈન બંધુઓ વિશે જાણવા જેવી રસપ્રદ બાબત એ છે કે, અબજોની સંપત્તિ હોવા છતાં પિયુષ જૈન બજાજ સુપ્રિયા સ્કૂટર પર આવ-જા કરતો હતો. તેની પાસે કારના નામે જુના મોડલની કવાલીસ કાર  અને મારુતિ એમ ફક્ત બે જ ગાડીઓ હતી. બંને ભાઈઓ પાસે અઢળક સંપત્તિ હોવા છતાં ચીકણાવેળા કરનારા ભાઈઓની સંપત્તિ હવે જપ્ત કરી લેવાતાં જૈન બંધુઓ માટે લોભિયાના ધન ધુતારા ખાય તેવો ઘાટ ઘડાયો છે.

પીયૂષ અને તેનો ભાઈ અમરીશ જૈન કન્નૌજમાં કમ્પાઉન્ડ કિંગ તરીકે ઓળખાય છે. તેઓ કમ્પાઉન્ડ (પાન મસાલા અને અત્તરમાં ફ્લેવરનું મિશ્રણ)નો વારસાગત વ્યવસાય ધરાવે છે. તેના પિતા પણ આ જ કામ કરતા હતા, પરંતુ ખૂબ જ મર્યાદિત સ્તરે. છેલ્લાં ૧૫ વર્ષથી બંને ભાઈ કામ સંભાળી રહ્યા છે, પરંતુ તેમનું ટર્નઓવર વધારે નથી. કન્નૌજના ટોપ વેપારીઓની યાદીમાં પણ તેમની ગણતરી થતી નથી.

સૂત્રોનું કહેવું છે કે તેમનો બિઝનેસ ગુજરાત, મુંબઈ અને કાનપુર સુધી જ છે. કન્નૌજમાં આ પ્રકારનું કામ મોટા પાયે થાય છે. નાના-નાના વેપારીઓ પાન મસાલાના મોટા વેપારીઓને કમ્પાઉન્ડ સપ્લાય કરે છે. પીયૂષ જૈનની શુક્રવારે મોડી રાત્રે લગભગ ૨ વાગ્યે ડિરેક્ટોરેટ જનરલ જીએસટી ઈન્ટેલિજન્સ અમદાવાદની ટીમ દ્વારા આનંદપુરીમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, કન્નૌજમાં પર્ફ્યૂમ અને કમ્પાઉન્ડના વેપારમાં કેટલાંક વર્ષોથી રાજકીય વગ ધરાવતા ઉદ્યોગપતિના ઈજારા સમાન છે. સ્થાનિક વેપારીઓ પાસેથી પર્ફ્યૂમ અને કમ્પાઉન્ડ ખરીદીને તેના પર પોતાનું લેબલ લગાવીને મોટી કંપનીઓ સાથે ડીલ કરે છે. એમાં મોટો નફો મળે છે. આની સાથે પીયૂષ અને અમરીષની સારી ઓળખ થવાની સાથે સાથે વ્યાપારિક ડીલ પણ વધી. થોડા સમય પહેલાં જ જૈન ભાઈઓએ મોટા વેપારીઓને પાછળ ધકેલીને દેશની ત્રણ મોટી પાન-મસાલા કંપનીઓની સાથે જ સીધી જ ડીલ શરૂ કરી દીધી હતી.

૨૨ ડિસેમ્બરે ડીજીજીઆઈ (જીએસટી ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ) એ શિખર પાન મસાલાના માલિકના ઘરે પણ દરોડા પાડ્યા હતા. સૂત્રો દાવો કરે છે કે જૈન ભાઈઓના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ઉદ્યોગપતિએ ડીજીજીઆઈને સમગ્ર સાઠગાંઠ વિશેની જાણ કરી હતી. એ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદી અથવા તપાસ એજન્સીના અધિકારીઓને પણ આશા નહોતી કે પીયૂષનાં ઠેકાણાંથી આટલો મોટો ખજાનો સામે આવશે.

કરોડોની રોકડ મળ્યા બાદ રુપિયાની પણ તપાસ કરવામાં આવી રહી છે, એટલે કે કયા વર્ષે બહાર પડી, કઈ સિરીઝની નોટો છે, શું એક જ સિરીઝ છે? આ મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આનંદપુરીમાં પીયૂષના ઘરેથી મળી આવેલી નોટોના બંડલ બહુ જૂના નથી. સામે આવ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક પાન મસાલાના વેપારીની કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પોલિયેસ્ટર ફિલ્મ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેમાં કરોડોના નુકસાનની વાત સામે આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આમાં પણ પ્લાન ઘડાયો હતો. પ્લાન્ટ અને મશીનરી વેચી નાખ્યા બાદ જાણીજોઈને આગ લગાડવામાં આવી હતી. એમાં મશીનોના વેચાણથી મળેલા રૂપિયા ઉપરાંત કરોડો રૂપિયાનો ક્લેમ પણ લેવામાં આવ્યો હતો. આ રકમ પીયૂષના ઘરમાં રાખવામાં આવી હતી.

સૂત્રોનો દાવો છે કે પીયૂષે અન્ય ઘણી કંપનીઓના બેનામી પૈસા પણ પોતાની પાસે રાખ્યા હતા. ૨૨ ડિસેમ્બરે ડિજીજીઆઈ અમદાવાદની ટીમ સાથે મળીને શિખર પાન મસાલા, ટ્રાન્સપોર્ટર પ્રવીણ જૈન અને પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈનના સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓ ફેક્ટરીમાં આગની ઘટનાની પણ તપાસ કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.