Abtak Media Google News
  • પી.આઈ. બી.ટી.ગોહિલના નેતૃત્ત્વમાં સિટી પોલીસે ટી-20 ફોર્મેટમાં અને કુલદીપસિંહ ગોહિલના નેતૃત્વમાં રેન્જની ટીમે પ્રથમવાર વન ડેમાં કપ જીત્યો

પોલીસબેડામાં અતિ પ્રતિષ્ઠા ભરેલી ટુર્નામેન્ટ ગણવામાં આવતી ડીજીપી કપમાં રાજકોટ સીટી પોલીસ અને રાજકોટ રેન્જનો દબદબો જોવા મળ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટના ટી-20 ફોર્મેટમાં પીઆઈ બી ટી ગોહિલના નેતૃત્વમાં રાજકોટ સીટી પોલીસની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની છે જયારે મેટોડા પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલના નેતૃત્વમાં રાજકોટ રેન્જની ટીમે પહેલીવાર વન ડે ફોર્મેટમાં કપ જીતી ઇતિહાસ રચ્યો છે.

ડીજીપી કપ 2024માં કુલ 18 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ટી-20 ફોર્મેટનો ફાઇનલ મેચ ગત તા. 6 એપ્રિલના રોજ અમદાવાદના એસજીવીપી ગુરુકુળના મેદાનમાં યોજાયો હતો. ફાઇનલ મેચ એસઆરપી ગ્રુપ 2023 અને રાજકોટ સીટી પોલીસ વચ્ચે રમાયો હતો. જેમાં એસઆરપીની ટીમે પ્રથમ દાવ લેતા 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 163 રનનો સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં રાજકોટ સીટી પોલીસની ટીમે ફકત 18.5 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 167 રન ફટકારી જિત હાંસલ કરી હતી. રાજકોટ સીટી પોલીસ વતી 42 બોલમાં 70 રન ફટકારી તોફાની ઇનિંગ રમનાર અજયભાઇ ડાભી મેન ઓફ ધ મેચ બન્યા હતા.

જયારે વન ડે ફોર્મેટની જો વાત કરવામાં આવે તો વન ડે મેચ ગત તા. 7 એપ્રિલના રોજ રમાયો હતો. ફાઇનલ મેચ રાજકોટ રેન્જ અને આઈજીપી વેસ્ટર્ન રેલવે વચ્ચે રમાયો હતો. જેમાં પ્રથમ દાવ લેતા રાજકોટ રેન્જના વડા અશોક યાદવના માર્ગદર્શન હેઠળ ટીમે કેપ્ટન કુલદીપસિંહ ગોહિલના નેતૃત્વમાં 47.3 ઓવરમાં 253 રન બનાવ્યા હતા જેના જવાબમાં સામેની ટીમ 165 રનમાં જ ઓલ આઉટ થઇ જતાં રાજકોટ રેન્જની ટીમ 88 રનથી વિજેતા બની હતી. ઉલ્લેખનીય બાબત છે કે, રાજકોટ રેંજની ટીમ વન ડેમાં પ્રથમવાર વિજેતા બની છે. રાજકોટ રેન્જ ટીમના અતુલભાઈ ડાભીએ 89 બોલમાં 92 રન ફટકારતા તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.  ડીજીપી કપમાં વિજેતા થયેલી બંને ટીમોને ડીજીપી વિકાસ સહાયના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ મેચ જીત્યા બાદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ટીમને શુભેચ્છા પાઠવી ઉજવણી કરી હતી.

ટી-20 કપ જીતનાર રાજકોટ સિટી પોલીસની ટીમ

બી ટી ગોહિલ (કેપ્ટન), અજયભાઇ ડાભી, કુશલભાઈ જોશી, મેસૂરભાઈ આહીર, શૌકતભાઈ ખોરામ, રાજવીરભાઈ, કિશનભાઇ કુગશિયા, શુભાષભાઈ ઘોઘારી, પ્રદ્યુમ્નસિંહ ઝાલા, નિર્મળસિંહ ઝાલા, કેતનભાઈ પરમાર 30મી વાર રમાયેલી વન ડે ટુર્નામેન્ટમાં રાજકોટ સિટી પોલીસની ટીમ 13 વાર વિજેતા બની ચુકી છે

હાલ સુધી ડીજીપી કપમાં કુલ 30 વાર વન ડે ટુર્નામેન્ટ યોજાઈ ચુક્યો છે. જેમાં 13 વાર રાજકોટ સીટી પોલીસની ટીમ વિજેતા બની ચુકી છે. જયારે 17 વાર રમાયેલી ટી-20 ફોર્મેટમાં બી ટી ગોહિલના નેતૃત્વમાં રાજકોટ સીટી પોલીસ પ્રથમવાર કપ લાવી છે.

વન-ડે ફોર્મેટમાં પ્રથમવાર કપ હાંસલ કરનાર રાજકોટ રેન્જની ટીમ

કુલદીપસિંહ ગોહિલ (કેપ્ટન), યશપાલસિંહ પરમાર, અતુલભાઈ ડાભી, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ ઝાલા, નિકુલસિંહ, રણજિતભાઈ રબારી, યોગરાજસિંહ, હરેશભાઇ ખવડ, નિકુલસિંહ ઝાલા, મૈથીલ ગોસાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.