Abtak Media Google News

પાંચ વર્ષ બાદ આઇપીએલ ફેન પાર્ક યોજાતો હોય ક્રિકેટરસીકોમાં ભારે ઉત્સાહ

વિશ્ર્વની સૌથી મોટી ક્રિકેટ લીગ અર્થાત્ આઇપીએલનો ઉત્સાહ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. 10 ટીમો એકાબીજાને જોરદાર ટક્કર આપી રહી છે. દરમિયાન જે શહેરોમાં આઇપીએલની મેચો રમાતી નથી ત્યાં બીસીસીઆઇ દ્વારા આઇપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવે છે. આગામી શનિવાર અને રવિવારે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આઇપીએલ ફેન પાર્ક યોજાશે. પાંચ વર્ષ આ જલસો યોજાઇ રહ્યો હોય ક્રિકેટરસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે વધુમાં જણાવ્યું હતું કે એસસીએના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇપીએલના 10 મેચો અગાઉ રમાઇ ચુક્યા છે. દરમિયાન 2018માં સાત અને આઠ એપ્રિલ એમ સતત બે દિવસ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આઇપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પાંચ વર્ષ બાદ ફરી રાજકોટમાં આઇપીએલ ફેન પાર્ક યોજાશે. જેમાં 15 એપ્રિલ અને 16 એપ્રિલે ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ અને રવિવારે અલગ-અલગ બબ્બે મેચ હોય છે. જેમાં શનિવારે લખનઉં અને પંજાબ વચ્ચેના રમાનારા મેચ અને રવિવારે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાનારા મેચ દરમિયાન રેસકોર્સમાં ફેન પાર્ક યોજાશે. જેમાં મોટી સ્ક્રિન પર મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ અંગે વિસ્તૃત માહિતી આપવા આવતીકાલે એસસીએ દ્વારા એક પત્રકાર પરિષદ પણ બોલાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.