Abtak Media Google News

રાજકોટ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આગામી શુક્રવારે અર્થાત ધનતેરસના દિવસે તમામ જણસીની છેલ્લી ઉતરાયછે. કાળી ચૌદશથી લાભપાંચમ સુધી યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે. વેકેશન પૂર્વ યાર્ડમાં મગફળી, કપાસ, લસણ અને સોયાબીનની ચિક્કાર આવક થઇ રહી છે.

18મીએ લાભ પાંચમના દિવસ મુહુર્તના સોદા: દિવાળી વેકેશન પૂર્વ યાર્ડમાં જણસીની ચિક્કાર આવક

રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા અને ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરિયાના જણાવ્યાનુસાર રાજકોટ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આગામી 11 નવેમ્બરથી 17 નવેમ્બર એટલે કે કાળી ચૌદશથી કારતક સુદ-4 સુધી દિવાળી વેકેશન રહેશે. લાભ પાંચમે 18મી નવેમ્બરે મુહુર્તના સોદા માટે યાર્ડ ખોલવામાં આવશે. યાર્ડ 20મી નવેમ્બર એટલે કે સોમવારથી ફરી નિયમિત થશે. ધનતેરસે છેલ્લી ઉતરાય સ્વીકારવામાં આવશે. જેની હરરાજી પૂર્ણ થયા બાદ કાળી ચૌદશથી યાર્ડમાં દિવાળી વેકેશન પૂર્ણ થઇ જશે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક સપ્તાહ સુધી દિવાળી વેકેશન હોય અંતિમ દિવસોમાં તમામ જણસીની આવકમાં માતબર વધારો થયો છે. આજે યાર્ડમાં 55 હજાર મણ મગફળીની આવક થવા પામી હતી. ભાવ 1150 થી 1350 રૂપિયા આસપાસ રહ્યા હતા. 32 હજાર મણ કપાસની આવક થવા પામી હતી. ભાવ 1400થી 1525 રૂપીયા બોલાયો હતો. 2000 મણ લસણની આવક થવા પામી હતી.

ભાવ રૂા.1800 થી 2800 જેવા રહ્યા હતા. આ ઉપરાંત સોયાબીનની 20 થી 25 હજાર મણ આવક થઇ છે અને ઘઉં તથા જુવારની પણ સારી એવી આવક થવા પામી હતી. યાર્ડમાં દિવાળી વેકેશનના અંતિમ દિવસોમાં માતબર આવક થઇ રહી છે. યાર્ડ નવ દિવસ સુધી બંધ રહેશે. વચ્ચે એક દિવસ લાભપાંચમે માત્ર મુહુર્તના સોદા માટે યાર્ડ થોડીવાર ખૂલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.