Abtak Media Google News

ધોલેરા સર પ્રોજેકટની કામગીરી 85 ટકા પૂર્ણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી માહિતી

ધોલેરા  ખાતે સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝન (સર)નું કાર્ય 85 ટકા જેટલું પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટૂંકમાં બાકીનું કામ પણ પૂર્ણ થઈ જશે અને ધોલેરા સર રોકાણકારો માટે સંપૂર્ણ તૈયાર થઈ જશે. સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝનને વિકસીત કરવું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકી એક છે જે પૂર્ણતાના આરે આવીને ઉભુ છે તેવું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા સત્ર દરમિયાન જણાવ્યું હતું. સરનું કાર્ય પૂર્ણ થવા પર છે પરંતુ રોકાણકારો હવે ક્યારે આવશે તેની રાહ પણ જોવાઈ રહી છે. ધોલેરા સર પ્રોજેકટ અને રોકાણકારો પરસ્પર એકબીજાના અભિન્ન અંગ છે. બન્નેમાંથી જો એક ન હોય તો પ્રોજેકટ અધુરો રહી જાય તેમ છે. ત્યારે સરનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજુ સુધી રોકાણકારોની કોઈ ખોજ ખબર નથી ત્યારે શું ધોલેરા સર પ્રોજેકટ રોકાણકારોની રાહ જોતુ રહી જશે ? તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે રીતે સત્તાવાર જણાવ્યું છે કે, ધોલેરા પ્રોજેકટ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં પ્રોજેકટને લગતા તમામ કામો પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારે રોકાણકારો આવશે કે કેમ ? તે સવાલ તો ઉદ્ભવ્યો છે પરંતુ સાથો સાથ સવાલ એ પણ છે કે, આટલા મોટા પ્રોજેકટમાં હજુ સુધી શા માટે રોકાણકારોએ રસ દાખવ્યો નથી. ત્યારે ધોલેરા પાસે આવેલ કલ્પસર યોજના જે રીતે હજુ સુધી અધ્ધરતાલ છે અને જેના પરિણામે પાણીની સમસ્યા ઉદભવવાની ભીતિ છે તેના પરિણામે રોકાણકારો સરમાં રસ

દાખવતા નથી તેવું પણ હાલના તબક્કે લાગી રહ્યું છે. જૂની કહેવત છે કે, પાણી વિના સમૃધ્ધી આવતી નથી… ત્યારે રાજ્યમાં મીઠા પાણીની સમસ્યાને પહોંચી વળવા અમલી બનાવવામાં આવેલ યોજના ફક્ત કાગળ પર જ અમલી બની અને જે સમૃધ્ધીની વાત કરવામાં આવી તે સમૃધ્ધી પણ ફક્ત કાગળ પર જ રહી ગઈ અને તેની અસર સરમાં પણ દેખાય તેવી શકયતાઓ પ્રબળ બની છે.

ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા લેખીતમાં પુછવામાં આવેલ સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જવાબ આપતા કહ્યું હતું કે, પ્લાન મુજબ હાલ સુધીમાં ધોલેરા સર પ્રોજેકટ 85.79 ટકા જેટલું કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને બાકી રહેતું કામ ટૂંક સમયમાં કરી લેવામાં આવશે. આ પ્રોજેકટના બાકીના કામો પૂર્ણ ઝડપથી કરવા રેગ્યુલર મીટીંગોનો ધમધમાટ કરવામાં આવે છે અને જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ ટૂંક સમયમાં આ પ્રોજેકટ પૂર્ણ થઈ જનાર છે. નોંધનીય બાબત છે કે અગાઉ પ્રોજેકટ પૂર્ણ કરી લેવાની તારીખ સપ્ટેમ્બર 2019 રાખવામાં આવી હતી પરંતુ ત્યારે કાર્ય પૂર્ણ થઈ શક્યું ન હતું પરંતુ હવે ટૂંક સમયમાં ધોલેરા સર તૈયાર થઈ જાય તેવું લાગી રહ્યું છે.

એડિશ્નલ ચિફ સેક્રેટરી મનોજ દાસના જણાવ્યાનુસાર ધોલેરા સર એક્ટિવેશન પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. ત્યારે અમે પ્રોજેકટનું માર્કેટીંગ પુરજોશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કરી રહ્યાં છીએ. રોકાણકારોને આકર્ષવા માટે તમામ પગલાઓ લેવાઈ રહ્યાં છે. રૂા.2800 કરોડથી વધુનું ભંડોળ ધોલેરા સર પ્રોજેકટને વિકસીત કરવા માટે વાપરવામાં આવ્યું છે. ધોલેરા ખાતેના રોડ-રસ્તા, ઈન્ફાસ્ટ્રકચર, પ્લોટીંગ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના કાર્યો પૂર્ણ થવા પર છે. અમે રોકાણકારોને તમામ પ્રકારની સવલત આપવા માટે તૈયાર છીએ પણ તેવું પણ મનોજ દાસે ઉમેર્યું હતું.

મનોજ દાસે વધુમાં ઉમેર્યું હતું કે, સર પ્રોજેકટને લગતા અન્ય પ્રોજેકટ તેમ કે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ, ધોલેરા-અમદાવાદ એકસ્પ્રેસ-વે અને ધોલેરા-અમદાવાદ મોનો રેલ પ્રોજેકટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે જે રોકાણકારોને આગામી દિવસોમાં આકર્ષવા મહત્વપૂર્ણ ભાગ ભજવશે. અમને રોકાણકારોની અનેકવિધ દરખાસ્તો પણ મળી છે.

કલ્પસર વિના ધોલેરા અધુરૂ?

રાજ્યમાં પીવાના પાણીથી માંડીને સિંચાઈ સુધીના મીઠા પાણીની જરૂરીયાતને પહોંચી વળવા કલ્પસર યોજના શરૂ કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. કલ્પસર યોજના ધોલેરાથી ખુબ નજીક આવેલું છે. જેના થકી ધોલેરા ખાતે પાણીની સંપૂર્ણ જરૂરીયાતને પહોંચી શકાય તેમ છે પરંતુ દુર્ભાગ્યવશ ધોલેરા પ્રોજેકટ પૂર્ણતાના આરે છે પરંતુ કલ્પસર યોજના હજુ પણ અધ્ધરતાલ છે ત્યારે પાણી વીના સમૃધ્ધી આવશે કે કેમ તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે. જો કલ્પસર યોજના અમલી નહીં બને તો કદાચ ધોલેરા પ્રોજેકટ નિષ્ફળ નિવડે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.