Abtak Media Google News

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી: આજે છેલ્લો મેચ રમશે

ઈંગ્લેન્ડના ધુરંધર ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સે વન-ડે ઈન્ટરનેશનમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયામાં બેન સ્ટોક્સે એક પોસ્ટ શેર કરીને પોતાના નિવૃતિની જાહેરાત કરી હતી. જેમાં બેન સ્ટોક્સે વન-ડેમાંથી નિવૃત થવા અંગેનું કારણ આપતાં જણાવ્યું હતું કે, હવે ત્રણેય ફોર્મેટમાં રમવું મારા માટે શક્ય નથી અને હવે મારું શરીર પણ સાથ આપી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે, બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે અને ટી20માં પણ તે રમવાનું ચાલુ રાખશે. બેન સ્ટોક્સ આજે સાઉથ આફ્રિકા સામે છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે.

સોશિયલ મીડિયામાં નિવૃતિની જાહેરાત કરતાં બેન સ્ટોક્સે લખ્યું હતું કે, હું આજે ડરહમમાં ઈંગ્લેન્ડ માટે અંતિમ વન-ડે ક્રિકેટ રમીશ. મેં નક્કી કર્યું છે કે, હું આ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લઈશ. આ નિર્ણય કરવો મારા માટે ખુબ જ ટફ હતો. ઈંગ્લેન્ડ માટે મારા સાથીઓ સાથે રમવાની દરેક મિનિટની મેં મજા માણી છે. અને રસ્તામાં અમારી ખુબ જ શાનદાર મુસાફરી રહી છે. આ નિર્ણય કરવો અઘરો હતો, પણ એ હકીકતને નકારી શકાતી નથી કે, હું આ ફોર્મેટમાં મારા સાથીઓને મારું 100 ટકા આપી શકતો નથી. ઈંગ્લેન્ડનો શર્ટ જે પહેરે છે તેની પાસેથી 100 ટકાથી ઓછાની અપેક્ષા ન હોઈ શકે.

આ ઉપરાંત બેન સ્ટોક્સે લખ્યું કે, ત્રણેય ફોર્મેટમાં રમવું હવે મારા માટે શક્ય નથી. હું એવું અનુભવું છું કે, મારું શરીર સાથ આપતું નથી, પણ તેની સાથે શિડ્યુલ અને અમારી પાસેથી જે આશા રાખવામાં આવે છે, પણ સાથે સાથે હું એક અન્ય પ્લેયરની જગ્યા લઈ રહ્યો છું, જે જોસ અને ટીમને તેનું સંપુર્ણ આપી શકે છે. હવે એક ક્રિકેટર તરીકે બીજાને આગળ આવવાનો સમય છે અને છેલ્લા 11 વર્ષથી મેં જેવી યાદગાર ક્ષણો બનાવી છે, તેવી ક્ષણો બનાવશે.

હું ટેસ્ટ ક્રિકેટને મારું સંપુર્ણ આપીશ, અને હવે આ નિર્ણય સાથે હું એવું પણ અનુભવું છું કે, હું ટી20 ક્રિકેટમાં પણ મારું સંપુર્ણ આપી શકીશ. હું જોસ બટલર, મેથ્યૂ મોટ, પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફને તમામ સફળતા મળે તેવી ઈચ્છા રાખું છું. છેલ્લા સાત વર્ષમાં અમે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ઘણી મહાન સફળતા મેળવી છે અને ભવિષ્ય પણ ઉજળું રહેશે. અત્યાર સુધી રમેલી તમામ 104 મેચોનો મેં આનંદ માણ્યો છે. અને મારી પાસે વધુ એક મેચ છે અને ડરહમમાં છેલ્લી મેચ રમવાની લાગણી અદભૂત હશે. ઈંગ્લેન્ડના ફેન્સ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.