Abtak Media Google News

Meet Kakkad 1 મિહિર જોશી, ભદ્રેશ રાજુ અને મીત કાકડિયા દલીલો કરે છે માત્ર I-Pad પર

યુવા વકીલ મીત કાકડિયા કહે છે કે ઇ-ફાઇલીંગથી રીસર્ચ બન્યું છે સરળ, દલીલો બની છે વધુ અસરકારક

એક જમાનો હતો કે વકીલોની ઓફિસે જાવ ત્યારે સેંકડો દળદાર પુસ્તકોની ભરમાર જોવા મળે. જજોની ચેમ્બરમાં પણ રેફરલ બુક્સનો ભંડાર હોય. હવે જો તમે સર્વોચ્ચ અદાલત કે હાઈકોર્ટમાં જશો તો લાગશે કે ન્યાયયંત્રમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ હરીશ સાલ્વે, કપિલ સિબ્બલ વગેરે હળવાફૂલ નજરે પડે છે. કોમ્પ્યુટરના આવિષ્કાર અને મિનિએચર ટેકનોલોજીના કારણે હવે દળદાર પુસ્તકો 50 ગ્રામથી પણ ઓછા વજનની પેનડ્રાઈવમાં સમાઈ જાય છે.

Advertisement

રાજ્યોની વડી અદાલતો જ નહીં પરંતુ સર્વોચ્ચ અદાલતની સંબંધિત કચેરીઓમાં દસ્તાવેજોનું મોટાપાયે ડિજિટાઈજેશન ચાલી રહ્યું છે. ડીજીટલ ઈન્ડિયાના મિશનને સાકાર કરવામાં અગ્રેસર દેશનાં ન્યાયતંત્રમાં શીર્ષ કચેરી સીજેઆઇની અદાલતમાં જો કોઈ કાગળની ફાઈલો લઈને જાય તો ન્યાયમૂર્તિઓ તરફથી સીધો કે આડકતરો ઠપકો સહન કરવો પડે છે. દેશ-વિદેશની અદાલતોના અઢળક રીપોર્ટેડ જજમેન્ટસ હવે ડિજીટલ સ્વરૂપે ઉપલબ્ધ હોવાના કારણે કોમ્પ્યુટર સેવી યુવા વકીલો જૂની પેઢીના જામી ગયેલા વકીલોને ટેકનોલોજીની બાબતમાં સ્પર્ધા આપતા થઈ ગયા છે. ન્યાયતંત્રમાં પેપરલેસ સીસ્ટમમાં ફ્યુચર કેવું હશે? તે અંગે અમારા સંવાદદાતાએ આઈઆઈટી મુંબઈના ગ્રેજ્યુએટ યુવા ધારાશાસ્ત્રી મીત કાકડિયા સાથે રસપ્રદ વાતો કરી હતી. એડવોકેટ મીત કાકડિયાએ કહ્યું કે જીવનના તમામ ક્ષેત્રોમાં ઈ-બિઝનેસ સર્વત્ર વ્યાપી ગયો હોય, કરન્સી અને પેમેન્ટ હવે પેપરલેસ બની ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે ન્યાયતંત્રમાં પણ ડિજિટાઈજેશનથી નૂતન ક્રાંતિ ચાલુ થઈ જાય! ભાષા અને શબ્દોના પુજારી એવા વકીલો તથા જજોને હવે આંગળીના ટેરવે રીસર્ચ ડાટા ઉપલબ્ધ થતો હોવાને કારણે ન્યાયતંત્ર વધુ પારદર્શક, અસરકારક અને ત્વરાપૂર્ણ બન્યું છે.

એડવોકેટ મીત કાકડીયા સાથેની ખાસ વાતચીતના કેટલાક અંશો : –

પ્રશ્ન : સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતમાં ‘પેપરલેસ પ્લીડીંગ’ કેટલી હદ સુધી સ્વીકૃતથયું છે ?

મીત કાકડીયા : સર્વોચ્ચ અદાલતમાં તો મહદ્અંશે ન્યાયમૂર્તિઓ વકીલો પાસેથી જ પેપરલેસ પ્લીડીંગની જ અપેક્ષા રાખે છે. ખાસ કરીને મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ તો ડીજીટલ પ્લીડીંગના આગ્રહી છે. દેશના વિખ્યાત ધારાશાસ્ત્રીઓ પણ ફાઈલોના અંબારને બદલે I-Pad પર ડ્રાફ્ટીંગ પ્લીડીંગ, રીસર્ચ કરતા નજરે ચડતા હોય છે. સંપૂર્ણ રીતે I-Pad ના માધ્યમથી લિટિગેશન ચલાવતા થયા છે. મેં પણ કાગળને તિલાંજલિ આપી ઈ-પ્લીડીંગ ચાલુ કરી દીધું છે.

પ્રશ્ન: રૂઢિગત ફાઈલ બીઝનેસ કરતા  ડિજિટલ પ્લીડિંગનાં કયા કયા ફાયદાઓ તમે ગણાવી શકો?

મીત કાકડીયા : વકીલો માટે ન્યાયતંત્રમાં પેપરલેસ થવાના ખૂબ ફાયદાઓ છે. પરંતુ ઊડીને આંખે વળગે તેવા ફાયદાઓ ગણાવું તો…(1) કાગળો બચે, પરોક્ષ રીતે વૃક્ષોનું અને તે દ્વારા પર્યાવરણનું સંરક્ષણ થાય. (2) સમય બચે, વકીલ, જજ, અસીલ તમામ માટે ઈ-માધ્યમથી ડેટા ટ્રાન્સફર, રીસર્સ, સમરાઈઝેશન, ક્ધસેપ્ચ્યુલાઈઝેશન વગેરેમાં ચોકસાઈ પણ વધારે આવે અને સમયનો પણ ખૂબ બચાવ થાય છે. વળી હવે તો એવા અદ્યતન સોફ્ટવેર ઉપલબ્ધ છે કે વોઈસ ડ્રાફ્ટીંગ પીટીશન, એડીટીંગ વગેરે અત્યંત સરળતાથી થઈ શકે છે. જજો ડીજીટલ માધ્યમની મદદથી વધારે સંખ્યામાં અને વધુ ચોક્સાઈપૂર્વક કેસોનો નિકાલ કરતા થયા છે. (3) ફાઈલ સ્ટોરેજ બચે, વકીલોને ખૂબ મોટી ઓફિસની જરૂર પડતી હતી અને પુસ્તકોના ઢગલા તથા ફાઈલોનો અંબાર તે એમની ઓળખ હતા તે હવે બદલીને ચોખ્ખીચણાકઓફિસો તેમજ ડસ્ટલેસ ડેટા ટ્રાન્જેક્શન વાસ્તવિક રીતે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પ્રશ્ન : આપને પેપરલેસ પ્લીડીંગની પ્રેરણા ક્યાંથી મળી?

મીત કાકડીયા : યુ-ટ્યુબના માધ્યમથી સુપ્રીમની કાર્યવાહી જોતા ખબર પડી કે સર્વોચ્ચ અદાલતમાં ઘણા વકીલો અને જજો સંપૂર્ણ રીતે પેપરલેસ થયેલા છે. મારું તો ટેકનીકલ બેકગ્રાઉન્ડ છે. IIT Bombay નો હું એન્જિનિયર છું, એટલે ટેકનોલોજી સાથેનો નાતો મારો સ્વાભાવિક રસનો વિષય છે. વર્ચ્યુઅલ માધ્યમથી ચાલતી કાર્યવાહી જોઈને ઘણા વકીલો પેપરલેસ થઈ ગયા છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી મિહિર જોષીને મેં પેપરલેસ પ્લીડીંગ કરતા જોયા તો મને પણ થયું કે કારકીર્દીની શરૂઆતમાં જ આ ટેવ પાડું તો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ પડશે. એટલે મેં પણ તે અપનાવી લીધી. હવે હું 100 ટકા પેપરલેસ વકીલાત જ કરૂં છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.