Abtak Media Google News

સુરત પોલીસ કમિશ્નર પદ માટેની રેસમાં અનુપમસિંહ ગેહલોત સૌથી આગળ

આઈપીએસ અધિકારીઓની બદલી માટેનું ગૂંચવાયેલું કોકડું હવે અંતે ઉકેલાઈ ગયું હોય તેવા અહેવાલો વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે એડિશનલ ચીફ સેક્રેટરીની ફેરવેલ પાર્ટીમાં આ કોકડું ઉકેલી લેવામાં આવ્યું હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે પરિણામે હવે ગણતરીની કલાકોમાં લિસ્ટ જાહેર કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. બદલીમાં અતિ મહત્વની ગણાતી સુરત પોલીસ કમિશ્નરની પોસ્ટ માટે અનુપમસિંહ ગેહલોતનું નામ સૌથી આગળ હોય તેવા અહેવાલ પણ પ્રાપ્ત થઇ રહ્યા છે.

આઇએએસ લેવલે ડીડીઓ, કલેક્ટર લેવલે મહત્વના બદલીના 50 જેટલા હુકમો કરી ચૂંટણી પંચની ડેડલાઇન જાળવી લેવામાં આવી પરંતુ પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ પોલીસ અધિકારીઓની બદલી સાથે બઢતી અને ખાસ કરી આઇપીએસ લેવલે સિનિયર અધિકારીઓની બદલી કરી તેમને પોસ્ટીંગ આપવાંની બાબતે કોકડું ગુચવાયું હોવાથી 31મી સુધી આઈપીએસની બદલીનો ઘાણવો નહીં ઉતરતા જાતજાતની ચર્ચાઓ થઇ રહી હતી પરંતુ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોકડું હવે ઉકેલાઈ ગયું હોય અને ટૂંક સમયમાં જ બદલીનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

એક જ શહેર, જિલ્લામાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર ટોપ ટુ બોટમ પોલીસ અધિકારીઓની બદલીઓ કર્યા અંગેનું સર્ટીફીકેટ આપવાની ચૂંટણી પંચની ડેડ લાઇન પૂર્ણ થયાં બાદ પણ બદલીનું લિસ્ટ જાહેર નહિ કરવામાં આવતા કોકડું ગૂંચવાઈ ગ્યાના અહેવાલો સામે આવ્યા હતા. તેમાં પણ લોકસભા ચૂંટણી માથે હોય ત્યારે સુરત શહેર પોલીસ કમિશ્નર, સુરત રેન્જ આઈજી, બોર્ડર રેન્જ આઈજી, એસીબી વડા સહિતના મહત્વના સ્થાનો પર નિર્ણય લેવામાં ભારે અસમંજસની સ્થિતિ ઉભી થયાની ચર્ચા સામે આવી હતી.

વિધાનસભાની ચૂંટણી સમયે જ થોકબંધ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાથી કોઈ લાંબા ફેરફારો કરવાના નથી તેમ છતાં એક જ જિલ્લા- શહેરમાં ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓની બદલી કરવાની છે.

સુરત શહેર પોલીસ કમિશનરનું પદ ખૂબ મહત્વનું છે, આ સ્થાન પર ફરજ બજાવવાની સિનિયર અધિકારીઓની મનોમન ખૂબ ઈચ્છા હોય છે. રાજયકક્ષાના ગૃહમંત્રીનાં હોમ ટાઉન હોવા સાથે ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગ સાથે મહત્વના ધંધા છે. આ બધી બાબતો ધ્યાને રાખી પસંદગીમાં ખૂબ કાળજી લેવી પડતી હોય છે. ત્યારે આ પદ માટે અગાઉ રાજકોટ પોલીસ કમિશ્નર અને હાલ વડોદરા પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતનું નામ સૌથી મોખરે છે. આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નરના પદ માટે રાજકુમાર પાંડિયન, નર્સિંમ્હા કોમાર, રાજુ ભાર્ગવ, અભય ચુડાસમા અને શમશેરસિંઘના નામની પણ ચર્ચા છે.

ત્રણ જિલ્લાના પોલીસ વડાની જગ્યાઓ ખાલી

હાલ પોલીસબેડાના 6 અધિકારીઓને દિલ્હી ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે જેમાંથી ત્રણ અધિકારીઓ જિલ્લા પોલીસના વડા તરીકે ફરજ હતા. અમદાવાદ જિલ્લા એસપી અમિત વસાવા, આણંદ એસપી પ્રવીણ કુમાર મીણા અને મહેસાણા એસપી અચલ ત્યાગીને ઓકટોબર 2023 માં કેન્દ્રમાં લઈ જવાતા જગ્યાઓ ખાલી છે. તે પોસ્ટ પર હવે નવી નિમણુંક થનારી છે. આ ઉપરાંત અન્ય ચાર અધિકારીઓ જેમકે સુરત રેન્જ આઇજી વી.ચંદ્રશેખરની બદલી હોવાથી આઇજીની પોસ્ટ પણ ખાલી છે, અમદાવાદ સાયબર સેલના ડીસીપી અમિત રંજન, એટીએસ એસપી સુનીલ જોશી, અમદાવાદ સેન્ટ્રલ જેલ એસપી શ્વેતા શ્રીમાલીની પણ બદલી થતાં હાલ પોસ્ટ ખાલી છે જે હવે નવા ઓર્ડરમાં નિમણુંકો આવશે.
સુરત પોલીસ કમિશ્નર-રેન્જ આઈજી, એસીબી વડા, બોર્ડર રેન્જ આઇજી સહીતની પોસ્ટ પર સૌની નજર

લોકસભા ચૂંટણી માથે હોય ત્યારે સુરત શહેર પોલીસ કમિશ્નર, સુરત રેન્જ આઈજી, બોર્ડર રેન્જ આઈજી, એસીબી વડા સહિતના મહત્વના સ્થાનો પર નિર્ણય લેવામાં ભારે અસમંજસની સ્થિતિ ઉભી થયાની ચર્ચા સામે આવી હતી. હાલ આ પોસ્ટ પર કોની નિમણુંક કરવામાં આવશે તે બાબત પર સૌની મીટ મંડાઈ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.