Abtak Media Google News

આઈ.પી.મિશન ગર્લ્સ હાઈસ્કુલ પાસે ૬૦૦ એમ.એમ.ની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા વોર્ડ નં.૨,૩ અને ૭ના અનેક વિસ્તારોમાં વિતરણ ૫ કલાક મોડુ

શહેરના હોસ્પિટલ ચોક ખાતે મહાપાલિકા દ્વારા ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. ડિઝાઈન ફાઈનલ કરાયા બાદ આજે સવારે બ્રિજના નિર્માણ પૂર્વે સોઈલ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે વેળાએ ડિસ્ટીબ્યુશનની મેઈન ૬૦૦ એમ.એમ. ડાયા મીટરની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાના કારણે ત્રણ વોર્ડમાં પાણી વિતરણ ખોરવાયું હતું.

આ અંગે મહાપાલિકાના ઈજનેરો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વહેલી સવારે શહેરના કુવાડવા રોડ પર આઈ.પી.મિશન ગર્લ્સ હાઈસ્કુલ નજીક હોસ્પિટલ ચોક ખાતે નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજ માટે સોઈલ ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે ૬૦૦ એમ.એમ.ની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાર્યું હતું જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી.

સોઈલ ટેસ્ટીંગ વેળાએ જયારે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું અને બહાર પાણીના ફુવારા ઉડવા લાગ્યા ત્યારે ઈજનેરોને પ્રથમ તબકકે એવું લાગ્યું હતું કે, અહીં આજી નદી નજીક હોવાના કારણે ભુતળનું પાણી નિકળ્યું છે. જયારે ઈજનેરે પોતાના વોર્ડમાં રાઉન્ડ લગાવ્યો ત્યારે માલુમ પડયું કે, વાસ્તવમાં પાઈપલાઈન તુટી હોવાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે.

પાઈપલાઈન તુટવાના કારણે વોર્ડ નં.૨,૩ અને ૭ના અનેક વિસ્તારો જેવા કે ગાયકવાડી, જંકશન પ્લોટ, રેલનગર, બેડીનાકા વિસ્તાર, મોચી બજાર, ધરમસિનેમા કવાર્ટરમાં નિર્ધારીત સમય કરતા ૫ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.