Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

કલેકટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યોએ આપી હાજરી

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા કોવીડ સંક્રમણ-19 દરમ્યાન જે બાળકોએ માતા તથા પિતા બંન્ને ગુમાવેલ છે તેવા પરીવારના બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડીને તેઓ ઉત્તમ નાગરીક બની શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી સુઝથી “પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ” અમલમાં મુકવામાં આવી હતી, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી “પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ” હેઠળ સમાવેશ થયેલા બાળકોને લાભો તથા સર્વિસીસ રીલીઝ કરવાનો કાર્યક્રમ  કલેકટર કચેરી ખાતે  જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ તરફથી યોજાયો હતો.

Advertisement

આ યોજના હેઠળ સમાવિષ્ટ બાળકોને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા માસિક રૂ. 2000ની સહાય તથા ગુજરાત સરકાર દ્વારા 21 વર્ષ સુધી માસિક રૂ. 4000ની સહાય ચુકવવામાં આવી રહી છે તેમજ આ બાળકો 23 વર્ષના થાય ત્યારે રૂ. 10 લાખની સહાય ચૂકવવામાં આવશે. આ બાળકોને આયુષ્માન ભારત યોજના અન્વયે આરોગ્ય વિમો પણ અપાશે. એક્સ ગ્રેસીયા સહાય અન્વયે રૂ.50 હજાર ચૂકવવામાં આવ્યા છે.

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, હું તમારી સાથે પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું.  હું જાણું છું કે જે લોકોએ કોરોનાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના જીવનમાં આ પરિવર્તન કેટલું મુશ્કેલ છે.  આપણી પાસે જે ગયું છે તેની થોડીક જ યાદો છે, પરંતુ જે બાકી છે તે પડકારોની ભરમારનો સામનો કરવાનો છે.

વડાપ્રધાને કહ્યું, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક નાનકડો પ્રયાસ છે.  દરેક દેશવાસી અત્યંત સંવેદનશીલતા સાથે તમારી સાથે છે એ હકીકતનું પણ પ્રતિબિંબ છે.  બાળકોના સારા શિક્ષણ માટે તેઓને તેમના ઘરની નજીકની સરકારી કે ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે.  જો કોઈને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે, ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનની જરૂર હોય, તો પીએમ કેર્સ તેમાં પણ મદદ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અન્ય યોજનાઓ દ્વારા આવા બાળકો માટે અન્ય દૈનિક જરૂરિયાતો માટે દર મહિને રૂ. 4000ની જોગવાઈ પણ કરવામાં આવી છે.  જ્યારે આવા બાળકો તેમનું શાળાકીય અભ્યાસ પૂર્ણ કરશે, ત્યારે ભવિષ્ય માટે વધુ પૈસાની જરૂર પડશે.  આ માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે અને જ્યારે તમે 23 વર્ષના થશો તો તમને એકસાથે 10 લાખ રૂપિયા મળશે.

પીએમ મોદીએ કહ્યું, જો બાળક બીમાર પડે તો તેને સારવાર માટે પૈસાની જરૂર પડે છે.  જેથી બાળકોએ ચિંતા કરવાની જરૂર નથી.  આયુષ્માન હેલ્થ કાર્ડ તમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન દ્વારા આપવામાં આવી રહ્યું છે, તે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા આપશે

આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કલેકટર  અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર દ્વારા  રાજકોટ જિલ્લાના 54 બાળકોને લાભો એનાયત કરાયા હતા.કાર્યક્રમનું સંચાલન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસે કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન ટોળીયા અને સભ્ય અરુણભાઈ નિર્મલ તથા ભીમજીભાઈ પરસાણા સહિતના પદાધિકારી – અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોને કેવા લાભ મળશે?

* કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષ સુધી માસિક રૂ. 2000ની સહાય

* ગુજરાત સરકાર દ્વારા 21 વર્ષ સુધી માસિક રૂ. 4000ની સહાય

* બાળકો 23 વર્ષના થાય ત્યારે રૂ. 10 લાખની સહાય

* એક્સ ગ્રેસીય અન્વયે રૂ.50 હજારની સહાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.