રાજકોટ શહેરના ભાગોળે આવેલા ઘંટેશ્વર 25 વારિયા પાસે દારૂના નશામા પતિની નજર સામે પત્નીનું બાવડું પકડતા શખ્સનું ઢીમ ઢાળી દીધાની ઘટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં દારૂ પીધા બાદ જુગાર રમતા મિત્રો વચ્ચે ઝઘડો થતા યુવાનને માથામાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત આપી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇ કાલે બપોરના સુમારે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સોહિલ રજાકભાઈ મેમણ નામના 25 વર્ષના યુવાનને તેના ઘર પાસે જ રહેતા પ્રકાશ ઉર્ફે બકુલ નથુ સોલંકી નામના શખ્સે ઝઘડો કરી માથામાં પથ્થરના ઘા ઝીંકતા સોહિલ મેમણને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવારમાં જ સોહિલે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
દારૂ પીધા બાદ જુગાર રમતા મિત્રો વચ્ચે થયેલા ઝઘડાના કારણે પથ્થરના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકને જાણ થતાં પીઆઈ એસ.એસ.રાણે સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકીને દબોચી લીધો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ ઉર્ફે બકૂલે જણાવ્યું હતું કે નશાની હાલતમાં સોહિલે આરોપી પ્રકાશની પત્નીનો હાથ પકડી લીધો હતો. ત્યાર બાદ દારૂની મહેફિલ બાદ જુગાર રમવા બેઠેલા બંને મિત્રો વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા પ્રકાશ ઉર્ફે બકુલે સોહિલ મેમણને આડેધડ પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સોહિલ મેમણના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે.