Abtak Media Google News

કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને દિલીપ આસવાણીએ અલગ-અલગ વિસ્તારોમાં રૂબરૂ ચેકિંગ કરી કોર્પોરેશનનો ભાંડો ફોડયો

રાજકોટ વાસીઓએ કાળઝાળ ઉનાળામાં પાણીની હાડમારી વેઠવી ન પડે અને ચોમાસા સુધી શહેરીજનોને દૈનિક ૨૦ મિનિટ પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ શહેરની જળજરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

જોકે મહાપાલિકાની અયોગ્ય વિતરણ વ્યવસ્થાનાં કારણે લોકોને પુરું ૨૦ મિનિટ પાણી મળતું નથી. શહેરનાં વોર્ડ નં.૩નાં અનેક વિસ્તારોમાં ૨૦ મિનિટનાં બદલે ૧૭ મિનિટ જ પાણી આપવામાં આવતું હોવાનો ભાંડો કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને દિલીપભાઈ આસવાણીએ ફોડયો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૩માં પોપટપરા, રઘુનંદન, કૃષ્ણનગર, મિયાણાવાસ, રેલનગર સહિતનાં વિસ્તારોમાં પુરતા ફોર્સથી પાણી મળતું ન હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે અને વિસ્તારમાંથી આ અંગે લોકોએ અનેકવાર રજુઆત કરી હોવા છતાં મહાપાલિકા તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. વોર્ડનાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને દિલીપભાઈ આસવાણીએ અલગ-અલગ વિસ્તારોમાં રૂબરૂ ચેકિંગ કર્યું હતું.

જેમાં એવું માલુમ પડયું હતું કે, અનેક વિસ્તારોમાં મહાપાલિકા દ્વારા દૈનિક ૨૦ મિનિટનાં બદલે માત્ર ૧૭ મિનિટ જ પાણી આપવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઉપરાંત ઘણા વિસ્તારમાં નળનાં પાણીમાં ભુગર્ભ ગટરનું પાણી ભળી ગયું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે જો ટુંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી કોંગી કોર્પોરેટરે ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.