Abtak Media Google News

Table of Contents

મહેસાણાના વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયની ઉત્તરવહી હોવાનું આવ્યું સામે: ગોંડલના પાટીદળ ગામ નજીક પણ ત્રણ થેલા ઉત્તરવહી મળી: હાઈબોન્ડ સિમેન્ટ કંપનીના ડ્રાઈવરે ૩ થેલા ધ્યાને આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે નજીકની સ્કૂલને જાણ કરી: તપાસનો ધમધમાટ શરૂ

એક વર્ષથી મહેનત કરતા વિદ્યાર્થીઓનો શું વાંક?  વિદ્યાર્થીઓની મહેનત પર કોણે પાણી ફેરવી દીધું? જવાબદારો સામે ક્યારે પગલા લેવાશે?  કોઈનું કાવતરું કે, પરિવહન દરમિયાન ઉત્તરવહી પડી ગઈ? સહિતના સળગતા સવાલો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હજુ તો ગઈકાલે ધો.૧૦ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે આજે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ગોંડલ અને વીરપુર પાસેથી આજે સવારે બોર્ડના પેપરોની ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં મળી આવ્યાની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઉત્તરવહીઓ મહેસાણાના વિદ્યાર્થીઓની હોય તેવું સામે આવ્યું છે. હજુ ગઈકાલે જ બોર્ડ પરીક્ષા પૂર્ણ થયેલ અને વિદ્યાર્થીઓ હળવાશે અનુભવે તે પહેલા તંત્રની ઘોર બેદરકારી સામે આવતા ચકચાર મચ્યો છે. વિરપુર નજીક અને ગોંડલના પાટીદળ ગામ નજીક સંતોષી માના મંદિર પાસે ધો.૧૦ના વિજ્ઞાન વિષયની કુલ વિષયની કુલ ૭૫૦ ઉત્તરવહી જે કોથળામાં મળી આવી હતી. જ્યારે ૧૬ ઉત્તરવહીઓ રઝળતી મળી આવી હતી. છતાં તંત્રના ધ્યાને આવ્યું ન હતું. પરંતુ આ સમયે રાજકોટથી ગોંડલ કર્મચારીઓને લઈ હાઈબોન્ડ સિમેન્ટ કંપનીની કર્મચારીની બસમાંથી કોઈ કર્મચારીને આ બિનવારસી હાલતમાં થેલા નજરે પડ્યા હતા. આથી તેઓએ બસને થંભાવી કર્મચારીએ જોતા જાણ થઈ કે આ થેલામાં બોર્ડના પેપરોની ઉત્તરવહીઓ રખડતી હાલતમાં જોવા મળતા તેઓ પણ આશ્ર્ચર્ય પામ્યા હતા અને તે જોતા જ તેઓએ નજીકની સરકારી સ્કૂલમાં આ તમામ ઉત્તરવહીઓ જમા કરાવી દીધી હતી અને સ્કૂલના કર્મચારીઓએ શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટને જાણ કરી હતી. પ્રિયવદન કોરાટે બોર્ડ ચેરમેનને જાણ કરી હતી અને બોર્ડ ચેરમેને ડીઈઓને જાણ કરતા તમામ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓની એક વર્ષની મહેનતનો શું વાંક ?, કાવતરું કે, પરિવહન દ્વારા ઉત્તરવહી પડી ગઈ ? સહિતના સવાલો હાલમાં ઉઠી
રહ્યાં છે.

Advertisement

3. Wednesday 1

મળતી માહિતી મુજબ આજે સવારે હાઈબોન્ડ સિમેન્ટના કર્મચારીએ રાજકોટથી ગોંડલ જતી વખતે હાઈવે પર રખડતી ઉત્તરવહીઓ જોતા તપાસ કરી હતી તો માલુમ પડ્યું કે, આ ઉત્તરવહી ધો.૧૦ના વિદ્યાર્થીઓની છે. તુરંત તેમણે નજીકના સ્કૂલમાં જાણ કરી હતી અને સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. આખું વર્ષ દિવસ-રાત ઉજાગરા કરી વિદ્યાર્થીઓ પોતાના ભાવીનું ઘડતર કરતા હોય છે. એસએસસી બોર્ડની પરીક્ષાના પેપર આવી રીતે ગોંડલ નેશનલ હાઈવે પર રઝળતા મળી આવ્યા હતા. અંદાજે ૭૬૬ જેટલી ઉત્તરવહીઓ મળી આવી હતી. બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ તંત્ર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે આજે બનેલ  ઘટનાથી આ જાહેરાતનો ફિયાસ્કો થયો હતો. શિક્ષણ તંત્ર દ્વારા ઘોર બેદરકારી સામે આવી છે. શિક્ષણ વિભાગો આમ તો મોટી-મોટી વાતો કરતો હોય છે. બોર્ડના ઉત્તરવહીઓની આવન-જાવનના વાહનમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરેલ હોય છે. તો આજે અહીં એ સવાલ ઉભો થાય છે કે, બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ આવી રીતે રસ્તા પર કેમ રઝળી ? આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું કે, પરિવહન દરમિયાન પડી ગઈ છે. જેને તપાસવા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ડીઈઓ સહિતના ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીની જે તે સ્થળે પહોંચાડવાની કામગીરીનો કોન્ટ્રાકટ ખાનજી એજન્સીને સોંપેલ છે. ખાનગી એજન્સી દ્વારા રાજયભરના વિવિધ સ્થળો પર ઉત્તરવહીઓ પહોંચાડવામાં આવતી હોય છે. આ સમગ્ર મામલે વાત કરીએ તો ગઈકાલે સુરત ટ્રાવેલ્સની ખાનગી બસમાં ધો.૧૦ના વિજ્ઞાન વિષયના પેપર વિરપુર ખાતે અને ગુજરાતીના પેપર કેશોદ ખાતે પહોંચાડવાના હતા. જો કે, આજે સવારે આ ખાનગી બસ વિરપુર ખાતે પહોંચી જ નહોતી અને સીધી જ કેશોદ જવા માટે રવાના થઈ હતી. ઉત્તરવહી તપાસણી માટે જે તે સ્થળે પહોંચાડવાની કામગીરીમાં એક વર્ગ-૩ અધિકારી અથવા તો પ્રાથમિક શિક્ષક, હેડ માસ્ટર સહિત પુરતા પોલીસ બંદોબસ્ત સાથે તમામ કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ અહીં વિરપુર ખાતે પેપર આવવાને બદલે વિરપુર પહેલા જ ધો.૧૦ની વિજ્ઞાનની ઉત્તરવહીઓ રઝળી પડી હતી. બોર્ડની આ મહાબેદરકારી સામે આવતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, બારી ખુલી રહી જતા ઉત્તરવહીઓ પડી ગઈ હશે. જો કે હજુ ઉત્તરવહી પરિવહનની બસ કેશોદથી રિટર્ન પાછી આવી નથી. બસ પાછી આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે અને સમગ્ર મામલો બહાર આવશે.

દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે: શિક્ષણમંત્રી

Bhupendrasinh Chudasama 1

ગોંડલના વિરપુર ઓવરબ્રિજ નજીક ધો.૧૦ની ગુજરાતી ભાષાની ઉત્તરવહી મળવાની ઘટનાને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે તેઓએ વધુ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરીને જે દોષીતો છે તેમના વિરુધ્ધ વધુ કડક પગલા ભરવામાં આવશે અને બોર્ડની સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં અને શારી રીતે લેવામાં આવી છે ત્યારે આવા પ્રકારની ઘટનામાં કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

ઉત્તરવહી નહીં મળે તેવા વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય: ડો.પ્રિયવદન કોરાટ

Photo 2

રાજકોટ-ગોંડલ હાઈવે પર વિરપુર નજીક આજે ધો.૧૦ની વિજ્ઞાન વિષયની ૭૬૬ રઝળતી ઉત્તરવહી મળી આવતા શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે બાળકની ઉત્તરવહી નહીં મળે તેવા વિદ્યાર્થીને અન્યાય નહીં થાય. શિક્ષણ બોર્ડના નીયમ મુજબ તેને મળતા તમામ લાભો આપવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીની ઉત્તરવહી નહીં મળે તેને માર્ક ગુણાંકર કરી આવામાં આવશે. એટલે આ મુદ્દે વાલીઓ કે વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી.

મોબાઈલ ટ્રેકિંગ એપ્લીકેશનની વાતો માત્ર કાગળ પર જ

આ વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા સમયે કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જેમાં મોબાઈલ ટ્રેકિંગ દ્વારા તમામ શાળાનું લાઈવ મોનીટરીંગ ચાલી રહ્યું હતું. તેમ છતાં આજે સવારે હાઈવે પરથી ઉત્તરવહી રઝળતી મળી આવતા તંત્રની સામે અનેક સવાલો ઉભા થયા છે. એવા પણ સવાલો થઈ રહ્યાં છે કે આ ઘોર બેદરકારી સમયે મોબાઈલ ટ્રેક એપ્લીકેશન અને જીપીએસ સીસ્ટમ બંધ હતી કે શું ?

અમારી જવાબદારી માત્ર પરીક્ષા કેન્દ્ર સુધીની જ: મહેસાણા ડીઈઓ સ્મિતા પટેલ

આ અંગે મહેસાણા જિલ્લાનાં ઈન્ચાર્જ શિક્ષણાધિકારી સ્મિતા પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ધો.૧૦ માટે પરીક્ષા કેન્દ્ર નંદાસણ છે. જયારે ધો.૧૨ માટે પરીક્ષા કેન્દ્ર ગાંધીનગર છે. અમારી જવાબદારી પરીક્ષા કેન્દ્ર સુધી ઉતરવહીઓ પહોંચાડવાની હોય છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્ર સુધી સેમ ડે આન્સર સીટ પહોંચાડી દીધી છે. પરીક્ષા કેન્દ્રથી આન્સર સીટ ઝોનમાં જાય છે અને ઝોનની મધ્યસ્થથી મુલ્યાંકન કેન્દ્ર ઉપર જાય છે હવે આ ઉતરવહીઓ કેવી રીતે ત્યાં પહોંચી તેની અમને કોઈ જાણ નથી અમારી જવાબદારી ફકત પરીક્ષા કેન્દ્ર સુધીની જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.