જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદેથી  ડોલરભાઈ કોટેચાનું  રાજીનામું: હવે ચૂંટણી થશે

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા એ ભાજપના એક વ્યક્તિ એક હોદ્દાના સિદ્ધાંતને લઈને રાજીનામું આપી દીધું છે, ત્યારે દિવાળી બાદ હવે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નવા ચેરમેનની વરણી માટે ચૂંટણી થશે.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સીઇઓ કિશોર પટેલના જણાવ્યા અનુસાર ગત તા. 15 જુન 2020 થી જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડના ચેરમેન પદનું સુકાન સંભાળનાર  ડોલરભાઈ કોટેચા એ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે, અને આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નવા ચેરમેનની વરણી થશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતના સહકારી ક્ષેત્રના ધરખમ અગ્રણીમાં જેમની ગણના થાય છે તેવા ડોલરભાઈ કોટેચા ખેતી બેંક અમદાવાદના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે, સાથોસાથ નાસ્કોબા ના ડાયરેક્ટર તરીકે પણ બિનહરીફ ચૂંટાયા છે, આ ઉપરાંત ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ અમદાવાદના સિનિયર ડિરેક્ટર તરીકે પણ વર્ષોથી સેવા આપી રહ્યા છે, અને જૂનાગઢની કો.કો. બેંક ને સમૃધ  અને સર્વગ્રાહી બનાવવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહેવા પામ્યો છે. ત્યારે તાજેતરમાં જ તેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. પરંતુ ભાજપના એક વ્યક્તિ એક હોદ્દાના સિદ્ધાંતને લઈને તેમણે આ રાજીનામું આપ્યું છે.