Abtak Media Google News

બંને સિરિયલોનાં પ્રતિ દિવસ બે એપિસોડ દેખાડવા કરાઈ માંગ

વિશ્ર્વ આખામાં કોરોના વાયરસને કહેર જે રીતે વ્યાપી ઉઠયો છે તેનાથી લોકોમાં ડરનો માહોલ પણ સ્થાપિત થયો છે. કોરોના વાયરસથી બચવા માટે સરકાર દ્વારા જે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી સ્થાનિકોમાં ઘણાખરા અંશે રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણકે સતત ૨૧ દિવસ સુધી લોકડાઉન હોવાથી જે કાર્ય કરવું જોઈએ તે થઈ શકતું નથી. જેના પરીણામ સ્વરૂપે લોકોમાં માનસિક તણાવ પણ એટલા જ અંશે વધુ જોવા મળે છે. આ તકે પ્રસાર ભારતી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે આગામી દિવસોમાં તણાવ મુકત કરવા માટે લોકોને રામાયણ તથા મહાભારતની સીરીયલ ફરીથી ચાલુ કરવામાં આવશે જેથી લોકો તેને નિહાળી શકે અને માનસિક તણાવથી દુર રહે. હાલ આ મામલે સિરિયલનાં રાઈટ અંગે ચર્ચા વિચારણા પણ થઈ રહી છે. ૨૧ દિવસનાં લોકડાઉન સમય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનાં કહેરથી લોકોને કઈ રીતે બહાર લાવી શકાય તે માટેના અનેકવિધ પ્રશ્ર્નો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

આ પૂર્વે દુરદર્શન પર રામાયણ અને મહાભારતની સીરીયલો દેખાડવામાં આવતી હતી ત્યારે ફરીથી લોકડાઉનનાં સમયમાં આ બંને સીરીયલ ફરી ટેલીકાસ્ટ કરવા માટેની વાતો સામે આવી રહી છે. રામાનંદ સાગર નિર્મિત રામાયણ અને બી.આર.ચોપડા દ્વારા નિર્મિત મહાભારતની સીરીયલનાં પ્રતિ દિવસ બે-બે એપીસોડ દેખાડવા માટેની વાતચીત ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ બંને ધાર્મિક સીરીયલ હોવાનાં કારણે લોકોમાં તણાવનો માહોલ ન રહે તે હેતુસર પ્રસાર ભારતી દ્વારા આ અંગે વાતચીત કરવામાં આવી રહી છે. સિરિયલ આવતાની સાથે જ લોકોમાં જે તણાવને દુર કરવા માટે પોતાના પરીવાર સાથે યોગ્ય સમય ફાળવવા માટે આ બંને સિરિયલો અત્યંત ઉપયોગી બનશે. રામાયણ સીરીયલ ૨૫ જાન્યુઆરી ૧૯૮૭થી ૩૧ જુલાઈ ૧૯૮૮ સુધી ચાલી હતી જયારે બી.આર.ચોપડા નિર્મિત મહાભારત ૨ ઓકટોબર ૧૯૮૮ થી ૨૪ જુન ૧૯૯૦ સુધી ચાલી હતી ત્યારે આ સમય દરમિયાન આ બંને સિરિયલોને ફરીથી ચાલુ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસમાં જીત્યા ’તા ત્યારે કોરોનાનું યુદ્ધ૨૧ દિવસમાં જીતાશે : વડાપ્રધાન મોદીનો આશાવાદ

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને આહવાન કરતા જણાવ્યું હતું કે, પૌરાણિક કાળમાં મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું અને પાંડવોએ ૧૮માં દિવસે યુદ્ધને જીત્યું હતું પરંતુ ૨૧ સદીમાં કોરોના નામક યુદ્ધને જીતવા માટે ૨૧ દિવસનો સમય લાગશે જેથી તમામ લોકોએ દેશને અને સરકારને તેમનો યથાયોગ્ય સહકાર આપવો અત્યંત જરૂરી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની માહિતી વારાણસીનાં સ્થાનિકો માટે વિડીયો કોન્ફરસીંગ મારફતે આપી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ ભારત દેશે ૨૧ દિવસમાં જ જીતવાની છે. આ તકે વડાપ્રધાન મોદીએ લોકોનો આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે, લોકડાઉનનાં સમયમાં પણ દેશવાસીઓએ જે રીતે સમય કાઢી તેમના વ્યાખ્યાનને સાંભળવા ઉપસ્થિત થયા છે તે ખરાઅર્થમાં સરાહનીય છે. ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ર્માં શૈલપુત્રી દેશવાસીઓને તાકાત આપે અને કોરોના જેવા રોગ સામે લડવા માટેની શકિત પણ આપશે. તેઓએ જણાવ્યું હતું કે, વારાણસીનાં સાંસદ હોવા છતાં તેઓની જવાબદારી દેશનાં વડાપ્રધાન તરીકે દેશ સાચવવા માટેની છે પરંતુ તેઓએ દરેક ક્ષણે વારાણસીની ચિંતા કરી છે અને વારાણસીનાં લોકોને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તંત્રને પણ તાકિદ કરવામાં આવી છે. તેઓએ લોકોને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, ભારતવાસીઓએ અફવાઓ ઉપર નહીં પરંતુ હકિકત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અંતમાં તેઓએ કોરોના વાયરસથી બચવા માટે લોકોને એકબીજા વચ્ચે જરૂરી અંતર રાખવા માટે પણ સુચવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.