Abtak Media Google News

૪ ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ થતા રૂ‚ડાનાં કોન્ટ્રાકટરોએ હાથ ઉંચા કરી દીધા

માધાપર, મોટા મવા, મુંજકા અને ઘંટેશ્ર્વરનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતાની સાથે જ ગામ લોકોને હાલાકી શરૂ  થઈ જવા પામી છે. માધાપરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરતા રૂડાનાં કોન્ટ્રાકટરે હાથ ઉંચા કરી કામગીરી બંધ કરી દેતા આજે કોર્પોરેશને તાબડતોબ ચારેય ગામોમાં ટીપરવાન દોડાવવાની ફરજ પડી હતી.

Advertisement

ચાર ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ થતાની સાથે જ અહીં સફાઈ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરતા કોન્ટ્રાકટરોએ હાથ ઉંચા કરી દેવાનું શરૂ કર્યું છે. ૧લી જુલાઈ સુધી કામગીરી ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું પરંતુ માધાપરમાં આજે કોન્ટ્રાકટરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી બંધ કરી દીધી હતી અને જેના કારણે કોર્પોરેશન દ્વારા આજથી માધાપર, મુંજકા, મોટામવા અને ઘંટેશ્ર્વરમાં ટીપરવાન દોડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે માધાપરમાં ૩, મુંજકામાં ૨, મોટામવામાં ૨ અને ઘંટેશ્ર્વરમાં ૩ ટીપરવાન દોડાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાની હદમાં ભળેલા ગામોનાં લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહાપાલિકા દ્વારા કામચલાઉ ધોરણે મોટામવાનો વોર્ડ નં.૧૦માં, મુંજકાનો વોર્ડ નં.૯માં, ઘંટેશ્ર્વરનો વોર્ડ નં.૧માં અને માધાપરનો વોર્ડ નં.૨માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચારેય ગામોની મિલકત તથા અન્ય રેકોર્ડ કબજે કરવાની કામગીરી હાલ પૂર્ણ થઈ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.