Abtak Media Google News

ત્રણ ખેડૂતો  સામે કાર્યવાહી

તંત્રનો મોટો છબરડો

30 જેટલા ખેડૂતો પાસેથી ઉપજની ખરીદી કર્યા બાદ બે-બે વખત નાણાં ખાતામાં જમા કરાવી દીધા, 27 ખેડૂતોએ પ્રામાણિકતા દાખવી સરકારને નાણાં પરત આપી દીધા

ટેકાના ભાવનું ભૂલથી ડબલ ચુકવણું થઈ ગયા બાદ પૈસા પરત ન આપતા ત્રણ ખેડૂતો સામે તંત્રએ કાર્યવાહી કરી છે. જેમાં આ ત્રણ ખેડૂતોની જમીન ઉપર બોજા નોંધ દાખલ કરવામાં આવી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ડીએસઓ બેઠક મળી હતી. જેમાં 30 મુદ્દાઓ ઉપર વિવિધ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 2 મુદા રાજકોટ જિલ્લાને સ્પર્શતા હતા. પ્રથમ મુદ્દો એ હતો કે સસ્તા અનાજની દુકાનોમાં તપાસની કામગીરી ઓછી થઈ રહી છે. આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બીજો મુદ્દો એ હતો કે રાજકોટ જિલ્લાના ત્રણ ખેડૂતોની જમીન ઉપર કાર્યવાહીના રૂપે બોજા નોંધ દાખલ કરવામાં આવી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર વર્ષ 2018-19માં ટેકાના ભાવે ઉપજની ખરીદીના પાયલોટ પ્રોજેક્ટમાં તંત્રથી મોટો છબરડો થઈ ગયો હતો. આ સમયે 30 ખેડૂતોને તેની જણસીના વેચાણ બદલ બે બે વખત ચુકવણું કરી દેવામાં આવ્યું હતું. જો કે 27 ખેડૂતો એવા હતા કે તેઓએ પ્રામાણિકતાથી વધારાની રકમ સરકારને પરત કરી દીધી હતી.

જો કે ત્રણ ખેડૂતોએ આ વધારાની રકમ પાછી આપી ન હતી. ગોંડલના મહેતા ખંભાળિયા ગામના વશરામભાઈ માધવભાઈ ગોધાણીને વધારાની રકમ રૂ. 1.24 લાખ, બેટાવડ ગામના વજુભા તખુભા જાડેજાને રૂ. 91,500 અને ગોંડલના મસીતાબા મચ્છીતાળા ગામના દિલીપસિંહ સમરસિંહ જાડેજાને રૂ. 1.24 લાખ પરત કરવા તંત્રએ અનેક વખત જાણ કરી હતી. પણ આ ખેડૂતોએ રકમ પરત કરી ન હતી.

ત્યારબાદ તંત્ર દ્વારા આ ત્રણ ખેડૂતોની જમીન ઉપર બોજાનોંધ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ચર્ચા ડીએસઓ બેઠકમાં કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો રિપોર્ટ બેઠકમાં રજૂ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.