Abtak Media Google News

૧૮મીએ ગાંધીજી સાથે ચર્ચા કરી, ૧૯મીએ સભા સંબોધી

ડો. બાબા સાહેબ આંબેડકર ૧૮ એપ્રિલ ૧૯૩૯ના રોજ ‘રાજકોટ સત્યાગ્રહ’ માટે ગાંધીજી સાથે ચર્ચા કરવા રાજકોટ આવ્યા હતા. બીજા દિવસે ડો. આંબેડકરે સોરઠીયા પ્લોટમાં દલીતોની સભા સંબોધી હતા. જેમાં તેમણે કહ્યું કે તમે જાગો, તમારો ઉઘ્ધાર તમારી જાતે જ કરો.

Advertisement

અસ્પૃશ્યોના પ્રતિનિધિત્વ બાબતે રાજના કહેવાથી રાજકોટના દલિત આગેવાન વાલાભાઈ રામાભાઈ સરવૈયા, લાખાભાઈ અમરાભાઈ સાગઠિયા,રાણા ભાઈ માંડાભાઈ પરમાર સહિતના આગેવાનોને પ્રયત્નોથી બાબાસાહેબને રાજકોટ પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું.

બાબાસાહેબ, દીવાન વિરાવાળા અને ગાંધીજી વચ્ચે તાર થયા. પરંતુ સંતોષ ન થતાં ગાંધીજી સાથે રૂબરૂ ચર્ચા કરવા બાબાસાહેબ ૧૮ એપ્રિલ,૧૯૩૯નાં રોજ વિમાન માર્ગે રાજકોટ આવ્યા’તા.

એરપોર્ટ પર દલિતો અને ગિરસદારોએ બાબાસાહેબનું ભવ્ય સ્વાગત કર્યું. બાબાસાહેબ રાજના મહેમાન બન્યાં હતાં. હાલની રાજશ્રી ટોકીઝ પાસેના રાજ્યના મબરૂક બિલ્ડીંગ (સ્ટેટનો ઉતારો)માં તેમને ઉતારો અપાયો. રાત્રે બાબાસાહેબે જીલ્લા ગાર્ડન સામે આવેલા સોરઠીયા પ્લોટમાં સભા સંબોધી દલિતોને કહેલું કે, ’તમે જાગો, તમારો ઉદ્ધાર તમારી જાતે કરો.’બીજા દિવસે ૧૯મી એપ્રિલે સવારે ૧૧:૩૦ વાગ્યે ઉછંગરાય ઢેબરના નિવાસસ્થાને ’ગાંધી-આંબેડકર’ વચ્ચે ૪૫ મિનિટ મુલાકાત થઈ. પરંતુ ગાંધીજીને અચાનક સખ્ત તાવ આવ્યો. મુલાકાત અધૂરી રહી. બાબાસાહેબે ગાંધીજીને કહ્યું કે, ’કાનૂની રીતે તમારો પરાજય થશે.’ પછી તો સર મોરીસ ગ્વાયરનો ચૂકાદો આવ્યો અને ગાંધીજી હાર માની રાજકોટ છોડી ચાલ્યા ગયા. અને પછી તેમણે ક્યારેય કાઠિયાવાડની ધરતી પર પગ મુક્યો નહોતો. બાબાસાહેબના રાજકોટ આગમનનો ઈતિહાસ આ લખનારે જ્યારે ૨૦૧૪માં રાજકોટના તત્કાલીન મ્યુ. કમિશ્નર અજય ભાદૂને કહ્યો અને આ ઘટનાની યાદમાં રાજકોટમાં બાબાસાહેબનું સ્મારક બનાવવાનું સૂચન કર્યું અને જિલ્લા ગાર્ડનમાં ભાદુએ મુલાકાત લઇ સ્વીકાર્યું હતું.કામ શરૂ થયું. સ્મારક બનાવવા એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિએ માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, મુંબઈની ચૈત્યભૂમિ, નાગપુરની દિક્ષાભૂમિ વગેરે સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ સ્મારકની ડિઝાઇન નક્કી કરી રિપોર્ટ આપ્યો. અને એમ સ્મારકનું કામ શરૂ થયું.આજે રાજકોટના જિલ્લા ગાર્ડનમાં લગભગ ૨.૫૦ કરોડના ખર્ચે એ ડો બાબાસાહેબનું સ્મારક પૂર્ણતાના આરે છે. બાબાસાહેબના સ્મારકમાં કેટલુંક કામ જોકે હજુ બાકી છે.પરંતુ ધીમે ધીમે પુરું થશે.આજે રાજીપો એ વાતનો છે કે ડો બાબાસાહેબની આ ઐતિહાસિક રાજકોટ મુલાકાતને આજે આપણે આ સ્મારકના માધ્યમથી ચીરસ્મરણીય બનાવી શક્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.