Abtak Media Google News

જો બન્ને મહિલા ધારાસભ્યો કોર્પોરેશન પદ છોડશે તો આગામી ત્રણ થી ચાર માસમાં મહાપાલિકાની ચાર બેઠકો માટે પેટા ચૂંટણી

ધારાસભ્ય તરીકે ચુંટાયેલા વોર્ડ નં. 2 ના કોર્પોરેટર ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ અને વોર્ડ નં. 1 ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા આગામી દિવસોમાં નગર સેવીકા પદેથી રાજીનામા આપી દે તેવી સંભાવના વધુ પ્રબળ બની રહી છે. આગામી ત્રણથી ચાર મહિનાઓમાં શહેરના અલગ અલગ ત્રણ વોર્ડની ચાર બેઠકો મો પેટા ચુંટણી યોજાઇ તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ દ્વારા આ વખતે રાજકોટમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના નગર સેવીકા તરીકેની જવાબદારી નિભાવતા ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ અને ભાનુબેન બાબરીયા જનાદેશ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. અને ધારાસભ્ય તરીકે તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે.

રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ડો. દર્શીતાબેન શાહ રેકોર્ડ બ્રેક 1,05,975 મતોથી વિજેતા બન્યા છે. તેઓને નવી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શકયતા હાલ જણાય રહી છે. જો તેઓને મંત્રી બનાવવામાં આવે તો તે ડેપ્યુટી મેયર અને મંત્રી એમ બન્ને જવાબદારી એક સાથે જ નિભાવી શકે. તેવું બની શકી આ સંભાવનાને ઘ્યાનમાં રાખી તેઓને પ્રદેશ હાઇકમાન્ડ કોર્પોરેટર પદ છોડવા માટે આદેશ આપી શકે છે.

બીજી તરફ જો સીનીયરોરીટીને ઘ્યાનમાં રાખી મંત્રીપદ  આપવાનો નિર્ણય લેવામાં આવે તો ભાનુબેન બાબરીયાને મંત્રી પર મળવાના ચાન્સીસ વધી જાય છે. શહેરમાં બે મહિલાઓને ટિકીટ આપવામાં આવી છે. બન્ને વિજેતા બન્યા છે. બે માંથી કોઇ એક મહિલાને મંત્રી બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો આવું થશે તો બન્ને ને નગર સેવીકા પદથી રાજીનામું લઇ લેવામાં આવશે.

જો હાઇકમાન્ડ દ્વારા ઉદયભાઇ કાનગડ પર મંત્રી પદની પસંદગીનું કળશ ઢોળશે તો ડો. દર્શીતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાને નગર સેવિકા પદથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે 2017 વિધાનસભાની ચુંટણીમાં રાજકોટ પૂર્વ બેઠક પર અરવિંદભાઇ રૈયાણી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા ત્યારે તેઓને કોર્પોરેટર પદે ચાલુ રાખવામાં આવ્યા હતા. તેઓએ ત્રણ વર્ષ સુધી બન્ને હોદાઓ ભોગવ્યા હતા. જો કે ત્યારે સમીકરણો અલગ હતા. માત્ર કોર્પોરેટર પદે ચાલુ રાખ્યા એટલું જ નહીં. શાસન પક્ષના નેતા તરીકે પણ ચાલુ રાખવામાં આવ્યા હતા. નવા બે ચહેરાને પક મળી રહીે તે માટે ડો. દર્શીતાબેન શાહ અને ભાનુબેન બાબરીયા પાસેથી કોર્પોરેટર પદેથી રાજીનામું લઇ લેવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.