Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વેની ભાજપના કોર્પોરેટરની સંકલન બેઠકમાં ટીપી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓના બેફામ વર્તન અંગે ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ અવાજ ઉઠાવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવશે જો જરૂર જણાશે તો તપાસ સમિતિની પણ રચના કરવામાં કવશે તેવી  ખાતરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા નગરસેવકોને આપવામાં આવી હતી.

 ટીપીઓ અને એટીપી ફરિયાદો સાંભળતા ન હોવાની શિકાયત ખુદ ભાજપના 10 કોર્પોરેટરએ સ્ટે.ચેરમેન સમક્ષ કરી

10 કોર્પોરેટરોએ એક સાથે ટીપી શાખા સામે બાંયો ચડાવતા કોર્પોરેશનમાં ખળભળાટ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે ભાજપના તમામ કોર્પોરેટરોની એક બેઠક મળતી હોય છે.આ સંકલન બેઠકમાં સ્ટેન્ડિંગની દરખાસ્તો મંજૂર કરવી કે ના મંજૂર તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે.આજે સ્ટેન્ડિંગ પૂર્વે મળેલી સંકલન બેઠકમાં ખુદ શાસકપક્ષ ભાજપના 10 જેટલા કોર્પોરેટરોએ ટીપી શાખાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.ટીપીઓ અને એટીપી ગેરકાયદે બાંધકામો સહિતની કોર્પોરેટરોની જ ફરિયાદો ધ્યાનમાં લેતા ન હોવાની ફરિયાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પાંચેય પદાધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના કારણે પ્રજાના કામો અને ફરિયાદ આવતી હોય ત્યારે તમામ શાખાના અધિકારીઓને કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવે છે.

ટીપી શાખાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટાયેલા જનસેવકોની ફરિયાદો કાને ધરતા નથી અને એકપણ ફરિયાદોનું નિકાલ કરવામાં આવતો નથી.ગેરકાયદે બાંધકામો અંગેની ફરિયાદોને પણ ઉલાળિયો કરી દેવામાં આવતો હોવાનો અવાજ એક સાથે ભાજપના 10 કોર્પોરેટરોએ ઉઠાવ્યો હતો. ટીપીઓ અને ત્રણેય ઝોનના એટીપીને જાણે ઉપરથી જ આદેશ આપવામાં આવ્યા હોય તેવુ બેહુદુ વર્તન નગરસેવકો સાથે કરવામાં આવે છે. જો એક જ ફરિયાદ વારંવાર કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને આગળ ધરી દેવામાં આવે છે અને ટીપીના અધિકારીઓ એવા બહાના આપે છે કે આ કામ કરવાની મ્યુનિસિપલ કમિશનરે ના પાડી હોવાના કારણે આવા કામ થઈ શકે તેમ નથી.

વિવાદો અને વહીવટ માટે પંકાયેલી ટીપી શાખા સામે ભાજપના 10 જેટલા કોર્પોરેટરો લએ એક સાથે ફરિયાદનો મારો ચલાવતા કોર્પોરેશનમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરાશે, જરૂર પડે તપાસ સમિતિ રચાશે: ચેરમેન

સંકલન બેઠકમાં ભાજપના 10 જેટલા કોર્પોરેટરોએ ટીપી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે અવાજ ઉઠાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે તમામને એવું આશ્વાસન આપ્યું હતું કે, આ અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલનું ધ્યાન દોરવામાં આવશે તેમ છતાં જો ટીપી શાખાની કામગીરી અને વર્તનમાં કોઈ ફેરફાર નહીં આવે તો તપાસ સમિતિની પણ રચના કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના કારણે લોકો કોર્પોરેટર સમક્ષ ફરિયાદ કરતા હોય છે ત્યારે કોર્પોરેશનના અધિકારી તમામ શાખાના અધિકારીઓએ કોર્પોરેટરોની ફરિયાદોને ગંભીરતાથી લેવી જોઈએ. ટીપી શાખા સામે આજે જે રીતે દસ કોર્પોરેટરોએ એક સાથે અવાજ ઉઠાવ્યો છે તેના આગામી દિવસોમાં ઘેરા પડઘા  પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.