Abtak Media Google News

68 બેઠકોની તોતિંગ બહુમતી છતાં કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભાજપને હવે ભાજપના જ લોકો નડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વોર્ડ નંબર 17 માં ભાજપના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે ચાલતી લડાઈ હવે ચરમ સીમાએ પહોંચી જવા પામી છે.આજે વોર્ડની કિરણ સોસાયટીમાં કોર્પોરેટર રાવજીભાઈ મકવાણાની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત કરવાનું હતું જેના ફોન શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાના કાર્યલયથી કરવામાં આવતા વોર્ડના પ્રમુખ સહિતના હોદ્દેદારો વિફર્યા હતા.છેલ્લી ઘડીએ કામ ખાતમુહુર્ત કર્યા વિના જ શરૂ કરી નાખવાની  ફરજ પડી હતી.

કિરણ સોસાયટીમાં કોર્પોરેટર રવજીભાઈ મકવાણા ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાનું કામ ખાતમુહુર્ત વિના શરૂ  કરવું પડ્યું:  વિનુભાઈ ઘવાની ઓફિસેથી ફોન જતા સંગઠનના હોદ્દેદારો વિફર્યા

શહેરના વોર્ડ નંબર 17 અને 18 માં ભાજપના કોર્પોરેટરો વચ્ચે અને સંગઠનના હોદ્દેદાર અથવા કોર્પોરેટર-કોર્પોરેટર વચ્ચે છેલ્લા ઘણા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે.બંને એકબીજાને નીચા દેખાડવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.જેનાથી પાર્ટીને પારાવાર નુકસાની જઈ રહી છે.વોર્ડ નંબર 17માં આવેલી કિરણ સોસાયટીમાં કોર્પોરેટર રવજીભાઈ મકવાણાની ગ્રાન્ટમાંથી બે લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાનું કામ મંજૂર થયું હતું. જેનું આજે સવારે ખાતમુહૂર્ત કરવાનું હતું. સામાન્ય રીતે કોઈપણ વોર્ડમાં વિકાસ કામોના ખાતમુહુર્ત માટે વોર્ડના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોને હાજરી આપવા માટેનું આમંત્રણ વોર્ડ પ્રમુખ કે સંગઠનના વોર્ડના હોદ્દેદારો દ્વારા આપવામાં આવતું હોય છે

પરંતુ વોર્ડ નંબર 17 માં પેવિંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત જે રવજીભાઈ મકવાણાની ગ્રાન્ટમાંથી મંજૂર થયું હતું. તેના ખાતમુહુર્તનું આમંત્રણ શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ઘવાની ઓફિસેથી આપવાનું શરૂ કરો દેવામાં આવ્યુ હતું.ફોન ધુમાવવામાં આવતા વોર્ડના પ્રમુખ ઈન્દુભા જાડેજા સહિતના હોદ્દેદારો આ ઘટનાથી  નારાજ થઈ ગયા હતા. તેઓએ ખાતમુહુર્તમાં ન જવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન કામ અટકે નહીં તે માટે ખાતમુહુર્ત વિના જ પેવિંગ બ્લોક નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

કોર્પોરેટર રવજીભાઈ મકવાણાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે વોર્ડની ટીમ અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતી નિમિત્તે પક્ષ દ્વારા આયોજિત કરાયેલા અલગ અલગ કાર્યક્રમોમાં સંગઠનના હોદેદારો અને કોર્પોરેટરો વ્યસ્ત હોવાના કારણે કિરણ સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવાના કામનું પ્રારંભ ખાતમુહુર્ત કર્યા વિનાજ કરી દેવામાં આવ્યો છે.બોર્ડમાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે કોઈ જ વિવાદ નથી અમે સંપીને વિકાસના કામો આગળ ધપાવી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.