Abtak Media Google News

29મી ઓક્ટોબરે વર્લ્ડ સ્ટ્રોક ડેની ઉજવણી થવાની છે. જેમાં સ્ટ્રોકની ગંભીરતા વિશે લોકોને વાકેફ કરાશે. ભારતમાં અત્યારે દર વર્ષે સ્ટ્રોકના 18 લાખ જેટલા દર્દી નોંધાઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં વર્ષે એક લાખ જેટલા કેસ આવી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે સ્ટ્રોકના દર્દીઓમાં મૃત્યુ દર 20% છે. એટલું જ નહીં પરંતુ 50% દર્દીઓ જીવનભર નાની મોટી વિકલાંગતાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં સ્ટ્રોકના કેસોની સંખ્યા લગભગ બમણી થઈ છે.

સ્ટ્રોકના 20% દર્દીઓ 40 વર્ષથી નીચેની ઉંમરના યુવાનો!!

અગાઉ મોટા ભાગના કેસ જૈફ વયના લોકોમાં જોવા મળતા હતા. પણ અત્યારે સ્થિતિ એવી થઈ છે કે, 15થી 20% દદી 40 વર્ષથી ઓછી ઉંમરના જોવા મળે છે. હૃદય રોગ સહિતના વિવિધ રોગ જેવી જાગૃતિ કમનસીબે સ્ટ્રોકના કેસમાં નથી તેવું ઈન્ડિયન સ્ટ્રોક એસોસિયેશન સાથે સંકળાયેલા તબીબોએ જણાવ્યું હતું.

તબીબોએ કહ્યું કે, સ્ટ્રોક આવે ત્યારે તેને ગંભીરતાથી લેવાતું નથી, પેરાલિસિસ જેવું લાગી રહ્યું છે. અત્યારે સારું થઈ જશે તેવા કારણ ધરીને તાત્કાલિક સારવાર થતી નથી. વિલંબથી થતી સારવારના કારણે સાજા થવાના ચાન્સીસ ઘટી જાય છે. સરખી રીતે બોલતાં હોવ પણ અચાનક બોલવામાં તકલીફ થવા લાગે, મોઢાનો ભાગ વાંકો થઈ જાય, શરીરનો કોઈ ભાગ જાણે બહેરાશ મારી જાય કે પેરાલિસિસ, અચાનક ધુંધળું દેખાવું, ચક્કર આવવા જેવા સ્ટ્રોકના લક્ષણો છે.

સ્ટ્રોકના કેસમાં લક્ષણોને ઓળખવા અને સમયસર ઝડપી સારવાર કરાવવી એ સૌથી મોટો પડકાર છે. કારણ કે સામાન્ય લોકોમાં સ્ટ્રોક વિશે જોઈએ તેટલી જાગૃતિ નથી. સ્ટ્રોકના કારણે દર્દીઓના પરિવારજનોને આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલના ઊંચા સ્તર જેવી સમસ્યા સામાન્ય થઈ રહી છે. જેના કારણે આગામી સમયમાં સ્ટ્રોકના કેસો હજુ વધે તેવી ભીતિ ન્યુરોલોજિસ્ટ વ્યક્ત કરી રહ્યા છે. તબીબોએ કહ્યું કે, તેઓ આ રોગની સારવારમાં એકરૂપતા ઈચ્છે છે, અદ્યતન સ્ટ્રોક કેરને આગામી સમયમાં વધુ માન્યતા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.