Abtak Media Google News

શહેરમાં ક્યાંક ધીંગીધારે તો ક્યાંક ધીમીધારે મેઘરાજા વરસાવી રહ્યા છે હેત: ગમે ત્યારે અનરાધાર તૂટી પડે તેવું વાતાવરણ

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં મેઘાડંબર વચ્ચે ક્યાંક ધીંગીધારે તો ક્યાંક ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. વાતાવરણ એકરસ છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જામ્યો છે. શહેરમાં ગમે ત્યારે અનરાધાર વરસાદ તૂટી પડે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ભારે ઠંડક વ્યાપી જવા પામી છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઇકાલે બપોર બાદ શહેરમાં જોરદાર મેઘાવી માહોલ છવાયો હતો પરંતુ મેઘરાજા વરસ્યા ન હતા. આજે સવારના સમયે રાજકોટમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય છાંપટા પડ્યા હતા. દરમિયાન 9:30 કલાકથી શહેરભરમાં મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. વાતાવરણ એકરસ બની ગયું છે. ગમે ત્યારે અનરાધાર વરસાદ પડવાનું શરૂ થઇ જાય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 4 મીમી,  વેસ્ટ ઝોન વિસ્તારમાં 11 મીમી અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. સિઝનનો કુલ અનુક્રમે સેન્ટ્રલ ઝોનમાં 514 મીમી, વેસ્ટ ઝોનમાં 464 મીમી અને ઇસ્ટ ઝોનમાં 391 મીમી વરસાદ વરસી ગયો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે શહેરમાં વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સૌરાષ્ટ્રભરમાં મનમૂકીને વરસતા મેઘરાજા રાજકોટ પર હેત વરસાવતા નથી. તેવું શહેરીજનોનું મ્હેણું ભાંગી નાંખે તેવા અણસાર મળી રહ્યા છે. સામાન્ય વરસાદમાં પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.