Abtak Media Google News

શહેરના વેસ્ટ ઝોનમાં 53 મીમી, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 46 મીમી અને ઇસ્ટ ઝોનમાં 28 મીમી વરસાદ: નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા: વાતાવરણ હજુ મેઘાવી

સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ચારેક દિવસથી અનરાધાર વરસી રહેલા મેઘરાજા રાજકોટ પર હેત વરસાવવામાં થોડીક કચાશ રાખતા હતા. છેલ્લા બે દિવસથી માત્ર ઝરમર-ઝરમર વરસાદના કારણે લોકોમાં થોડી નિરાશા વ્યાપી જવા પામી હતી. દરમિયાન આજે બપોરે મેઘાના બરાબર મંડાણ થયા હતા. એક કલાકમાં સુપડાધારે બે ઇંચથી વધુ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે મેઘરાજાએ વિરામ લઇ લીધો છે. પરંતુ વાતાવરણ એકરસ હોય મેઘો ગમે ત્યારે મન મૂકીને ફરી વરસે તેવા સુખદ એંધાણ વર્તાઇ રહ્યા છે.

આજે સવારથી શહેરમાં મેઘાવી માહોલ રહ્યો હતો. બપોરે 1:00 વાગ્યે વરૂણ દેવે હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. માત્ર એક કલાકના સમયગાળામાં શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં 53 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 46 મીમી અને ઇસ્ટ ઝોનમાં 28 મીમી પાણી પડ્યું હતું. આજ સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 572 મીમી એટલે કે 23 ઇંચ, વેસ્ટ ઝોનમાં 526 મીમી એટલે કે 21 ઇંચ અને ઇસ્ટ ઝોનમાં સૌથી ઓછો 423 મીમી એટલે કે 21 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

એક કલાકમાં બે ઇંચ વરસાદના કારણે શહેરના તમામ રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. 150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બંને બાજુની સોસાયટીઓમાં જાણે નદી વહેતી હોય તે રીતે વરસાદના પાણી વહેતા હતા. એક કલાકમાં અનરાધાર બે ઇંચ વરસાદ પડી ગયા બાદ મેઘરાજાએ વિરામ લઇ લેતા તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે, વાતાવરણ એકરસ છે. મેઘો ગમે ત્યારે મનમૂકીને ફરી વરસે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

Screenshot 5 26

આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. સોરઠને ફરી વરૂણ દેવે ધમરોળી નાંખ્યા છે. કેશોદમાં 6॥ ઇંચ, માંગરોળમાં 5 ઇંચ, મહુવા, પોરબંદર, માણાવદરમાં 4 ઇંચ, વંથલી, માળીયા હાટીના, કોડીનારમાં ત્રણ ઇંચ, અમરેલી, તાલાલા, ગીર ગઢડા, મેંદરડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવારથી 86 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સવારથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધીંગીધારે વરસાદ પડી રહ્યો છે.

આજે સવારે  પુરા થતા  છેલ્લા  24 કલાક દરમિયાન રાજયના 201  તાલુકાઓમાં  હળવા  ઝાપટાથી  લઈ 14 ઈંચ સુધી વરસાદ પડયો હતો.  બુધવારે મધરાતથી બપોર સુધી મેઘરાજાએ સોરઠ પંથકને  રીતસર ધમરોળી નાંખ્યું હતુ. માંગરોળમાં  36 કલાકમાં 22 ઈંચ વરસાદ પડયો  હતો.  છેલ્લા 24 કલાકમાં   14 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. આ  ઉપરાંત  વલસાડના ઉમરગામમાં 12 ઈંચ,  વાપીમાં 11 ઈંચ, માળીયા હાટીનામાં  9 ઈંચ, જામજોધપુરમાં આઠ ઈંચ,  પારડીમાં આઠ ઈંચ, કુતિયાણા અને કેશોદમાં સાત ઈંચ, જૂનાગઢમાં સવા છ ઈંચ, સોજીત્રા, વલ્લભીપુરમાં છ ઈચ, કાલાવાડમાં પોણા છ ઈંચ, માણાવદર, વલસાડ,  સનખેડામાં   સાડા પાંચ ઈંચ, ધોરાજી, ઉપલેટા, હનસોડા, તારાપુરમાં પાંચ ઈંચ, વેરાવળ, લાલપુર, ચોવાર્શીમાં સાડા ચાર ઈંચ, જામનગર, માતર, વંથલી, જેતપૂર, ુમરેઠ,   ભાવનગર અને અંકલેશ્ર્વરમાં ચાર ઈચ  વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લાના જામજોધપુર- લાલપુર અને કાલાવડ પંથકમાં બપોરે બે વાગ્યા પછી ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જામજોધપુરમાં માત્ર 6 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી ચોમેર પાણી ફરી વળ્યા છે. અનેક નદી નાળામાં ઘોડાપૂર આવ્યા છે. ઉમિયાં ધામ મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા છે. ઉપરાંત જામજોધપુર તથા અનેક ગામોમાં પાણી ભરાયા છે.

જામજોધપુર પંથકમાં બપોરે બે વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, અને માત્ર ચાર કલાકમાં 8 ઇંચ (189 મી.મી.) થી વધુ વરસાદ ખાબકી ગયો હતો, જેના કારણે અનેક નદી નાળામાં ઘોડાપુર આવ્યા હતા.અને નદી ગાંડીતુર બની હતી.

ઉમિયાધામ તરફના પુલ પર પાણી ફરી વળ્યા હોવાથી માર્ગ બંધ થયો હતો. ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પણ પહેલી વખત પાણી ફરી વળ્યા હતા. જામજોધપુર ટાઉનમાં ભારે વરસાદના લઈને સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયું છે, સાથો સાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જલ ભરાવ જેવી સ્થિતી થઈ છે, અને અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. હજુ પણ મેઘવૃષ્ટિ ચાલુ હોવાથી જળબંબાકાર જેવી સ્થિતિ છે.

જામજોધપુરની સાથે સાથે લાલપુર માં પણ બપોરે બે વાગ્યા બાદ ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો, અને લાલપુર ની ઢાંઢર નદી ગાંડીતુર બની છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન  રાજયના   201 તાલુકાઓમાં વરસાદ વરસ્યા બાદ સવારથી  46 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સોરઠમાં સવારથી   મેઘાનું રોદ્ર સ્વરૂ જોવા મળી રહ્યું છે. સવારે બે કલાકમાં માણાવદરમા  સાડાત્રણ ઈંચ, વંથલીમાં ત્રણ ઈંચ, માંગરોળમાં અઢી ઈંચ,  મેંદરડામાં દોઢ ઈંચ,  ઉપલેટામાં સવા ઈંચ વરસાદ પડયો હતો. હજી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોરઠ પંથકમાં  અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની સ્થળ વિઝીટ  કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.