ડ્રગ પેડલરો સાવધાન… હવે મોબાઈલ કીટ ડ્રગ્સને પકડી લેશે !!

હવે ડ્રગ્સના સેવનકર્તાઓ તરત જ ઝડપાઇ જશે !!

  • SOG પોલીસે ટ્રાયલ શરૂ કર્યું: રથયાત્રાના રૂટ પર પરીક્ષણ હાથ ધરાયું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ(એસઓજી)એ મલ્ટિ-ડ્રગ મલ્ટિ-લાઈન ટ્વિસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડિવાઇસ નામની ડિટેક્શન કીટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. એસઓજી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમને આવી 25 કિટ મેળવી છે, જે દરેક કિટની કિંમત 450 રૂપિયા છે.

આ કિટનો ઉપયોગ મંગળવારે શાહપુર, દરિયાપુર, જમાલપુર અને કાલુપુરમાં દસ શંકાસ્પદ લોકો પર કરવામાં આવ્યો હતો. તેમાંથી એક વ્યક્તિએ કોઈ ડ્રગ લીધાનું પણ જાણવા મળ્યું હતું. હાલમાં આ કિટ માત્ર એસઓજીને જ આપવામાં આવી છે. જો ટ્રાયલ સફળ થશે, તો પોલીસ ખાતા દ્વારા કિટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

એસઓજીના રક અધિકારીએ જણાવ્યું હતું કે, કીટ સાથે આવતા સ્પોન્જનો ઉપયોગ કરીને લાળ એકત્રિત કરવામાં આવે છે.  એક વ્યક્તિને લગભગ બે મિનિટ માટે તેમના મોંમાં સ્પોન્જ રખાવવામાં આવે છે. પછી સ્પોન્જને ઉપકરણના ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે. નવથી દસ મિનિટ પછી જો કીટના મીટરમાં લાલ રેખાઓ મર્યાદા સુધી પહોંચે છે તો વ્યક્તિએ કોઈ સાઇકોટ્રોપિક દ્રવ્ય નહીં લીધાનું માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિએ કોઈ આ પ્રકારના પદાર્થનું સેવન કર્યું હોય તો લાલ રેખાઓ ઓછી દેખાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, એસઓજી દ્વારા હાલમાં રથયાત્રાના રૂટ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.  તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા હાલ આ કવાયત હાથ ધરવામાં આવી છે. દરેક કીટ એક વખતના ઉપયોગ માટે છે અને પરીક્ષણ પછી તેને કાઢી નાખવી પડશે. કીટ દ્વારા વપરાશકર્તા તરીકે ચિહ્નિત થયેલ વ્યક્તિને વધુ તબીબી પરીક્ષણો માટે મોકલવામાં આવે છે. વર્ષ 2018 માં વડોદરા શહેર પોલીસે ડ્રગ ડિટેક્શન કીટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.