Abtak Media Google News

લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો; કહ્યું-‘આ તથ્યનો ભાઈ જ છે

સુરતમાં અમદાવાદમાં તથ્ય પટેલે કરેલ અકસ્માતની યાદ તાજી થઈ છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને અડફેટે લઇ ઉડાડ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ‘આ તથ્યનો ભાઈ જ છે’ કહી કડક સજાની માંગ કરી હતી.

Advertisement
અકસ્માત સર્જનારની ગાડી
અકસ્માત સર્જનારની ગાડી

ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી.

અકસ્માતના Cctv ફૂટેજ
અકસ્માતના cctv ફૂટેજ

કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપથી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઈકો અડફેટે લીધા હતા. બીઆરટીએસ રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇકસવાર લોકો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થવા છતાં કાર ઉભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.

અકસ્માત સર્જનાર સાજન પટેલ
અકસ્માત સર્જનાર સાજન પટેલ

લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. કારચાલકે બાઈકચાલકોને અંદાજે 20 ફૂટ જેટલા ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો.અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.