Abtak Media Google News

જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે ૧૫ દિવસ લાંબા શોપીંગ ફેસ્ટીવલ માટે તૈયારીઓ કરતી સરકાર

આગામી જાન્યુઆરી માસમાં યોજાનારા વાઈબ્રન્ટ સમીટ-૨૦૧૯ની સાથોસાથ અમદાવાદ ખાતે ‘લા દુબઈ’ જેવો શોપીંગ ફેસ્ટીવલ યોજવા સરકાર દ્વારા તડામાર તૈયારી શરૂ‚ કરવામાં આવી છે અને આ માટે રીટેલર એસોસીએશન ઓફ ઈન્ડિયા સાથે સતાવાર મીટીંગ પણ યોજવામાં આવી હોવાનું રાજય સરકારના ઉધોગ વિભાગ દ્વારા જાહેર કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમીટ-૨૦૧૯નું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ ફેસ્ટીવલ દરમિયાન અમદાવાદ ખાતે ‘લા દુબઈ’ શોપીંગ ફેસ્ટીવલ જેવો માહોલ ઉભો કરી લોકોને ખરીદી કરવાની ઉતમ તક આપી પ્રવાસન ઉધોગને વેગવંતો બનાવવા પ્રયાસ કરવામાં આવશે. ૧૫ દિવસ સુધી ચાલનારા આ લાંબા શોપીંગ ફેસ્ટીવલમાં તમામ ચીજ-વસ્તુઓ એક જ સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ઉધોગ કમિશનર મમતા વર્માએ આ મામલે રીટેલર એસોસીએશન ઓફ ઈન્ડિયાના હોદેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજી હતી અને વાઈબ્રન્ટ સમીટ દરમિયાન સમગ્ર દેશ અને વિદેશમાંથી આવનારા મહેમાનો માટે યોજવામાં આવનાર આ શોપીંગ ફેસ્ટીવલમાં ગ્રાહકોને વિશાળ રેન્જ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા પર ભાર મુકયો હતો.

દરમિયાન રિટેલર એસોસીએશન ઓફ ઈન્ડિયાના સીઈઓ કુમાર રાજગોપાલને જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનારો આ શોપીંગ ફેસ્ટીવલ કદાચ ભારતનો પ્રથમ શોપીંગ ફેસ્ટીવલ બની રહેશે અને આ ફેસ્ટીવલમાં ભાગ લેનારા પ્રવાસીઓ માટે એક અનોખો અનુભવ બની રહેશે.

વધુમાં આ શોપીંગ ફેસ્ટીવલમાં દેશ-વિદેશમાંથી પધારનારા મહેમાનોને વિશ્વભરની ચીજ-વસ્તુઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ બનવાની સાથે-સાથે અહીં મનોરંજન માટે દરરોજ જુદી-જુદી કલ્ચરલ એકટીવીટી ઉપરાંત મેગા ફુડ ફેસ્ટીવલ પણ યોજવામાં આવનાર હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમીટ-૨૦૧૯ અંતર્ગત યોજાઈ રહેલા આ મેગા શોપીંગ ફેસ્ટીવલને અમદાવાદ ખાતે યોજવામાં આવનાર હોય આયોજનની જવાબદારી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે અને આ માટે અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું સતાવાર સુત્રોએ અંતમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.