Abtak Media Google News

સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગનું અને નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશનના કામનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થશે

જુનાગઢ બિલખા રોડને ડાયવર્ટ કરાશે

વલસાડ અને જૂનાગઢના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના પઘ્વીદાન સમારોહમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જુનાગઢ પધારી રહ્યા છે તેઓના હસ્તે સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ઉપરાંત નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનની આ મુલાકાતના પગલે જુનાગઢ શહેર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે. ઉપરાંત કાલે જુનાગઢ બિલખા રોડને ડાયવર્ટ પણ કરવામાં આવનાર છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૮:૩૦ કલાકે દિલ્હી એરપોર્ટથી ગુજરાત આવવા રવાના થશે. ૧૦:૧૫ વાગ્યે તેઓ સુરત એરપોર્ટ ખાતે પહોંચશે ત્યારબાદ ૧૦:૨૦ વાગ્યે હેલીકોપ્ટર દ્વારા વલસાડ જવા માટે રવાના થશે. ૧૦:૩૦ કલાકે વલસાડ હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે. ૧૧:૦૦ થી ૧૨:૧૫ કલાક સુધી વલસાડના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ ૧૨:૩૦ કલાકે હેલીકોપ્ટર મારફતે વલસાડથી જુનાગઢ આવવા માટે રવાના થશે. ૨:૦૫ કલાકે જુનાગઢ ખાતે તેઓ ઉતરાણ કરશે બાદમાં ૨:૧૫ વાગ્યે એગ્રીકલ્ચર યુનિવર્સિટી પહોંચશે. ૩:૧૫ વાગ્યા સુધી તેઓ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે.

આ તકે તેઓ ત્યાંથી સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું, સાબલપુર નજીકના નવા બ્રીજનું, કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત ખીસરીઝ કોલેજ ભવન અને સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલ ભવન તેમજ કૃષિ યુનિવર્સિટીમાં નવનિર્મિત પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. આ સાથે મહાપાલિકાના રીનોવેશન થયેલા ટાઉન હોલનું પણ લોકાર્પણ કરશે ત્યારબાદ તેઓ ગાંધીનગર રવાના થશે. ૫:૧૦ કલાકે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચશે. ૫:૧૫ કલાકે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી પહોંચીને ત્યાં પઘ્વીદાન સમારોહમાં હાજરી આપશે. બાદમાં રાજભવન ખાતેની મીટીંગમાં ૬:૪૦ થી ૭:૪૦ દરમિયાન હાજરી આપશે. ૭:૪૫ કલાકે અમદાવાદ એરપોર્ટથી તેઓ દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાનના કાર્યક્રમના કારણે આવતીકાલે જુનાગઢ-બિલખા રોડને ડાયવર્ટ કરવામાં આવનાર છે. જુનાગઢથી બિલખા જતા વાહનોને રામનિવાસ સર્કલથી શીશુમંગલ ફાટક, સિંધી સોસાયટી રોડ થઈ રાજીવનગરમાં થઈને બિલખા રોડ પર ડાયવર્ટ કરવામાં આવશે. જયારે ભારે વાહનોને ભુતનાથ ફાટકથી ઈવનગર, મેંદરડા અને ખડીયા થઈ બિલખા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. વડાપ્રધાનની જુનાગઢ મુલાકાતને પગલે સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સુરક્ષાને ધ્યાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અનેક સ્થળોએ આજથી પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત વડાપ્રધાનની આ મુલાકાતને લઈને રાજયના પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થા અંગે બેઠક યોજી અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આનંદીબેન પટેલ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ જુનાગઢના નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા તળાવનું કોઈ કામ હાથ ધરવામાં આવ્યું ન હતું. હવે આવતીકાલે ફરીવાર નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશનના કામનું બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.