Abtak Media Google News

ભારતની પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ દ્વારકા નજીક સ્થપાશે

રાજયના સોળસો કીમી લાંબા અને સંવેદનશીલ ગણાતા દરિયા કિનારા તેમજ દેશના લાબા સમુદ્ર કિનારાના રક્ષણાર્થે અને હાલના સમયની માંગ એવા મરીન કમાન્ડો તૈયાર કરતી સંસ્થા ખોલવા અંગે ગતવર્ષે  દેશના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની દ્વારકા મુલાકાત દરમ્યાન દ્વારકા નજીક મોજપ ગામના દરિયા કિનારે દેશનું સર્વપ્રથમ મરીન કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર ખોલવાની જાહેરાત કરી હતી. દ્વારકાથી ૧૪ કી.મી. દુર આવેલા ઓખા-દ્વારકા હાઇવે પર મોજપ ગામની ૧૦૦ હેકટર એટલે કે રપ૦ એકર જેટલી જમીન ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ફોમ અફેર્સને કબ્જા સાથે વિનામૂલ્યે સોંપવામાં આવી છે.

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સના સીધા માર્ગદર્શન હેઠળ નિર્માણ પામનાર આ મરીન કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર દેશની સુરક્ષામાં કેન્દ્રબિંદુ સમાન બની પ્રમુખ સંસ્થા બની રહે તેવું કેન્દ્ર સરકારનું લાંબા ગાળાનું આયોજન છે. આ બનનારા મરીન કમાન્ડો સેન્ટરમાં એક સાથે પાંચ હજાર જેટલાં જવાનો ટ્રેનીંગ લઇ શકે તેટલી ક્ષમતા ધરાવતું વિશાળ આયોજન કરવામાં આવનાર છે.

દેશનો સૌથી લાંબો અને સંવેદનશીલ દરીયા કિનારો ધરાવતા ગુજરાત રાજય તેમજ ભારતના વિશાળ સમૃઘ્ધ કિનારાની દેશના દુશ્મનો સામે રક્ષણ પુરુ પાડવા અને સરહદી વિસ્તાર ગણાતો હોય  આ ટ્રેનીંગ સેન્ટર પૂર્ણત: કાર્યરત થયે દેશની મરીન ક્ષેત્રે સુરક્ષામાં ખુબ જ વધારો થશે.

આ સાથે જ સરહદી વિસ્તારમાં મધદરીયે તેમજ દેવભૂમિ દ્વારકા તેમજ આસપાસના જીલ્લામાં અનેક નાના મોટા માનવવસ્તી વિહોણા ટાપુઓ આવેલ હોય જેમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ ન થઇ શકે અને દુશ્મન દેશો તેનો ફાયદો ન ઉઠાવી શકે તેના માટે પણ આ મરીન ટ્રેનીંગ સેન્ટર કાર્યરત થયે દરીયાઇ ક્ષેત્રે  સુરક્ષામાં જબરદસ્ત વધારો થતાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ભારતના દરીયાઇ ક્ષેત્રે કરવી લગભગ અશકય બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.