Abtak Media Google News

ઈ-કોમર્સ કંપનીઓ તેમજ નાના વેપારીઓ એકબીજાના પુરક બને તેવો પ્રયાસ કરાશે: પિયુષ ગોયલ

ઓનલાઇન વેચાણ માટે કંપનીઓ માટે અનેક નિયમો ઘડાશે, ઓફલાઇન વેચાણને ટેકો મળે તેવી જોગવાઈઓ પણ હશે

અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપતા ઇ-કોમર્સ પ્લેટફોર્મને લઈને સરકાર પોલિસી બનાવી રહી છે. જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમાં નાના વેપારીઓના હીતને પણ આવરી લેવાયું છે. વધુમાં પોલિસીમાં તમામ કંપનીઓને લાભ થાય અને ઈ-કોમર્સ કંપનીઓ તેમજ નાના વેપારીઓ એકબીજાના પુરક બને તેવો પ્રયાસ કરાશે તેવું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નિવેદનમાં જણાવ્યું છે કે  કોરોના કાળમાં નાના તેમજ ઓફલાઈન વેપારીઓ ગ્રાહકો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. તેઓની ઇ- કોમર્સ પોલિસીમાં અવગણના કરવામાં નહીં આવે. ગોયલે કહ્યું કે, સરકાર ટુંક સમયમાં ઈ-કોમર્સ પોલિસીની જાહેરાત કરશે. છૂટક વેપાર અને એમએસએમઇની સુરક્ષા કરવી સરકારની સ્પષ્ટ નીતિમાં સામેલ છે અને વેપારીઓ અમારી પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં જ્યારે ઈ-કોમર્સ કંપનીઓ લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવામાં ફેલ થઈ હતી, ત્યારે નાના વેપારીઓએ પોતાની જીવ જોખમમા નાખી અને પોતાનું સ્વાસ્થ્ય દાવ લગાવી ગ્રાહકો સુધી સામાન પહોંચાડવાનું કામ કર્યું હતું.

પિયુષ ગોયલે ઉમેર્યું કે, નાના તેમજ ઓફલાઈન છુટક વેપારીઓનું મોટું યોગદાન છે. અમે ઈ-કોમર્સ પોલિસીમાં આ વેપારીઓને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થવા દઈએ. ઓફલાઈન વેપાર કરનારા નાના વેપારીઓ માટે સરકાર ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ લઈને આવી છે. ગોયલે કહ્યું કે, જાહેર થનાર ઈ-કોમર્સ પોલિસીમાં તમામના હિતોની વાત છે અને તમામ લોકોના લાભનો ખ્યાલ રખાયો છે.

ઇ- કોમર્સ કંપનીઓને તળિયાની કિંમતે માલ વેચવાની મંજૂરી નહિ મળે ?

સૂત્રોના જણાવ્યા મુજબ નવી ઈ-કોમર્સ પોલિસીમાં ખર્ચથી ઓછી કિંમતે માલ વેચવાની મંજૂરી અપાશે નહીં. તમામ ઈ-કોમર્સ કંપનીઓએ સરકારમાં નોંધણી ફરજીયાત કરાવવી પડશે. ગ્રાહકો તેમની સામે ફરિયાદ કરી શકશે. ફરિયાદનો તુરંત ઉકેલ લવાશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તમામ વેચાણકર્તાઓની માહિતી હશે. ઈ-કોમર્સ કંપનીઓએ માર્કેટ પ્લેસ અને ઈન્વેન્ટ્રી મોડલ વચ્ચેનું સ્પષ્ટ અંતર બતાવવાનું રહેશે.

છેલ્લા 3 વર્ષથી પોલિસી બનાવવા ચાલી રહી છે મથામણ

ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રોડક્ટ વેચનારી તમામ કંપનીઓને ઈ-કોમર્સ પોલિસીના દાયરામાં લાવી શકાય છે. ગત મહિને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં ઈ-કોમર્સ પોલિસી સાથે સંબંધીત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી ઈ-કોમર્સ પોલીસ લાવવા પર કામ ચાલી રહ્યું છે, જોકે હજુ સુધી તેની જાહેરાત થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.