Abtak Media Google News

કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી, વિમલનગર, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનાવેલા આવાસો તૈયાર ડિસેમ્બરમાં લાભાર્થીઓને કબ્જો સોંપી દેવાશે: વોર્ડ નં.૧૧ અને ૧૨માં નવા ૩૩૨૪ આવાસો બનાવાશે

મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે ભાજપના શાસકો શકય તેટલા વિકાસ કામોનું ખુબજ ઝડપી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાની તૈયારીમાં લાગી ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ૧,૨ અને ૩ બેડના ૩૦૭૮ આવાસનું ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.૧૧ અને ૧૨માં બનાવવામાં આવનાર ૩૩૨૪ આવાસોનું પણ ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.૧માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર દ્વારીકા હાઈટ્સમાં શ્રીકૃષ્ણ હવેલી પાસે એલઆઈજી કેટેગરીના ૧૮૦, વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર રાણીટાવરની પાછળ આર.કે.નગરની બાજુમાં ૨૨૪ આવાસ અને વોર્ડ નં.૧૧માં મવડીથી પાળ ગામ તરફ પેલેનીયમ હાઈટ્સની સામે ૮૬૪ આવાસ સહિત કુલ ૮૭૮ આવાસ બનાવવામાં આવ્યા છે. ૩-બીએચકેના આ ફલેટનો ભાવ રૂા.૨૪ લાખ નિયત કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.૧માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઓસ્કાર ગ્રીન સિટીની બાજુમાં એમઆઈજી કેટેગરીના ૪૪૮, વોર્ડ નં.૧૦માં વિમલનગર મેઈન રોડ પર ૨૮૮ અને વોર્ડ નં.૧૧માં નાના મવા રોડ પર ૨૬૦ અને સેલેનીયમ હાઈટ્સ સામે ૨૭૨ આવાસ સહિત કુલ ૧૨૬૮ ૨-બીએચકેના આવાસ બનાવવામાં આવ્યો છે. જેનો ભાવ રૂા.૧૨ લાખ રાખવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.૧૧માં સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે ૪૪૪, અંબીકા ટાઉનશીપ પાસે ૧૮૮ અને શિલ્પન સ્કાયલાઈનની સામે ૨૧૦ સહિત કુલ ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૫૪૨ આવાસ બનાવવામાં આવ્યા છે. કુલ અલગ અલગ ૩ કેટેગરીના ૩૦૭૮ આવાસનું મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૧માં સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કણકોટ રોડ તરફ કોસ્મોપ્લેક્ષ કોમ્પલેક્ષની બાજુમાં ૪૦૦ આવાસ અને વોર્ડ નં.૧૨માં તપન હાઈટ્સ રોડ આરએમસી ડ્રેનેજ સ્ટેશનની બાજુમાં ૧૨૪૮ સહિત ઈડબલ્યુએસ-૧ પ્રકારના ૧૬૪૮ જ્યારે વોર્ડ નં.૧૧માં મવડીથી માળ ગામ રોડ તરફ ૪૩૨, મવડી મુક્તિધામ સામે ૮૦ ફૂટ રોડ પર ૬૨૦ અને વોર્ડ નં.૧૨માં તપન હાઈટ્સ રોડ પર ૬૨૪ સહિત કુલ ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૧૬૭૬ આવાસ બનાવવામાં આવશે. આ બન્ને કેટેગરીના મળીને કુલ ૩૩૨૪ આવાસનું આગામી દિવસોમાં મુખ્યમંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વોર્ડ નં.૭માં રામનાથપરા મેઈન રોડ પર અંદાજે ૧૦૦ વર્ષ જૂની શ્રીસંત તુલસીદાસ પ્રા.શાળા નં.૧૬નું જર્જરીત બિલ્ડીંગના સ્થાને નવું બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. આ કામનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાશે. આગામી દિવસોમાં મહાપાલિકામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણની મૌસમ ખીલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.