Abtak Media Google News

મહાદેવ બુક નામથી ઓનલાઇન ગેમલિંગના નામે સટ્ટા કૌભાંડ ચલાવી અને હવાલા મારફત નાણાંની લેતી દેતી કરવાના કૌભાંડમાં ઇડીએ હવે દુબઇ સુધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. દુબઇ ખાતેથી ઓપરેટ થતાં રેકેટમાં છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રૂ. 508 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું હતું તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં નવો ઘટસ્ફોટ થવા પામ્યો છે કે, મહાદેવ બુકના પ્રમોટર શુભમ સોનીએ દુબઇ ખાતેની ઇન્ડિયન કોન્સ્યુલેટમાં એક એફિડેવિટ રજૂ કરી ખુલાસો કર્યો હતો કે, છત્તીસગઢના મુખ્યમંત્રીને રૂ. 508 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું હતું. હવે ઇડીએ આ એફિડેવિટ હસ્તગત કરી રાયપુરની વિશેષ અદાલતમાં આ કાગળ રજૂ કરનારી છે. જેની સીધી અસરના ભાગરૂપે મુખ્યમંત્રી બઘેલ અને તેમના પુત્ર પર ગાળિયો કસાય તેવી સ્થિતિ ઉદભવી છે.

રૂ. 15 હજાર કરોડના સટ્ટા કૌભાંડમાં કુલ 32 શખ્સો સામે નોંધાઈ છે ફરિયાદ

મહાદેવ બુક એપના દુબઈ સ્થિત પ્રમોટરો સામેની તપાસમાં નવો વળાંક આવ્યો છે. ઇડીએ સુભમ સોની સામે તપાસ શરૂ કરી છે, જેણે પોતાની ઓળખ ઓનલાઈન સટ્ટાબાજી એપ મહાદેવ બુકના પ્રમોટર તરીકે આપી છે અને તાજેતરમાં જ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રૂ. 508 કરોડ ચૂકવ્યાનો ઘટસ્ફોટ કર્યો છે.

બઘેલ અને તેમના પુત્ર માટે નવી મુશ્કેલીની જો વાત કરવામાં આવે તો ઇડીએ સુભમ સોની દ્વારા દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં સબમિટ કરાયેલુ એફિડેવિટ રાયપુરની વિશેષ અદાલતમાં જેલમાં બંધ અસીમ દાસના રિમાન્ડ પેપર્સ સાથે સબમિટ કર્યું છે. ગયા અઠવાડિયે મહાદેવ બુક એપના માલિકો પાસેથી “બઘેલ” ને ચૂકવણી તરીકે કથિત રીતે રૂ. 5 કરોડ રોકડ સાથે અસીમ દાસની ધરપકડ કરવામાં આવી હતી.

ઇડી હવે શુભમ સોનીની પૂછપરછ કરે તેવી શક્યતા છે, જેણે બઘેલના સપોર્ટ સાથે કામ કરવાનો દાવો કર્યો હતો. છત્તીસગઢના સીએમ અને તેના પુત્ર સામેના એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવેલા આરોપો સામે સાંયોગિક પુરાવા સાથે ચકાસવામાં આવ્યા હતા તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

બુધવારે મુંબઈ પોલીસે સોની અને અન્ય 31 લોકો સામે એફઆઈઆર નોંધી આરોપ લગાવ્યો કે સટ્ટાબાજીની સિન્ડિકેટ રૂ. 15,000 કરોડની છેતરપિંડીમાં સામેલ છે. મુંબઈ પોલીસે આ કેસમાં સોની ઉપરાંત એપના અન્ય બે પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલને પણ આરોપી બનાવ્યા છે.

ઇડીએ શુક્રવારે દાવો કર્યો હતો કે દાસને દુબઇથી “બઘેલ” ને રોકડ કન્સાઇનમેન્ટ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હતો અને પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી અને તેના સહયોગીઓને રૂ. 508 કરોડ ચૂકવ્યા છે તેવું ઇડીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.