Abtak Media Google News

મુસ્લિમ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતો રમજાન માસ અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ચાંદના દીદાર સાથે રમજાન ઇદની ઉજવણી માટે બિરાદરોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં બુધવારે ચાંદના દીદાર ન થતાં હવે શુક્રવારે ઇદુલ ફિત્ર મનાવવાનો અનુરોધ ગુજરાત ચાંદ કમિટીએ કર્યો છે. ઇદ-ઉલ-ફિત્રને લઇને મુસ્લિમ બિરાદરોને મહત્ત્વનું એલાન કરાતા હવે બિરાદરો ગુરુવારે રોજો રાખશે અને શુક્રવારે ઇદ મનાવશે.

દાઉદી વહોરા સમાજે 30 રોજા પૂરા કરવાની સાથે જ બુધવારે રમજાન ઇદની ઉજવણી કરી હતી. કોરોનાને પગલે રમજાન માસ નિમિત્તે સમાજના જાહેર કાર્યક્રમો રદ્ રાખવાની સાથે બિરાદરોએ ઘર બેઠા જ દુઆ કરી હતી. બુધવારે ઇદ નિમિત્તે વહોરા સમાજના બિરાદરોએ વહેલી સવારે કુત્બાની નમાજ અદા કર્યા બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. બીજી બાજુ મુસ્લિમ બિરાદરોમાં ચાંદના દીદાર પર મીટ મંડાઇ હતી. બુધવારે સાંજે નમાજ બાદ ચાંદના દીદારને લઇને સળવળાટ જોવા મળ્યો હતો.

બુધવારે ચાંદના દિદાર ન થતા શુક્રવારે ઇદ મનાવવા ગુજરાત ચાંદ કમિટિએ કર્યો અનુરોધ

જોકે, ચાંદ દેખાયો ન હોવાનું એલાન ગુજરાત ચાંદ કમિટીએ કર્યુ હતું અને તે સાથે જ હવે શુક્રવારે ઇદુલ ફિત્ર મનાવવાનો અનુરોધ કર્યો હતો. ગુજરાત ચાંદ કમિટીએ એલાન કર્યુ હતુ કે, બુધવાર મુતાબીક 29 રમજાન બાદ માહે શવ્વાલનો ચાંદ દેખાયો નથી કે ચાંદ માટેનો કોઇ પણ જાતનો શરઇ સબૂત ગુજરાત ચાંદ કમિટીને મળ્યો નથી. જેને પગલે 13 મેના ગુરુવારે 30 રમજાન અને 14 મેના શુક્રવારે માહે શવ્વાલનો પહેલો ચાંદ (ઇદુલ ફિત્ર) મનાવામાં આવશે. બુધવારે હવે ચાંદના દીદાર ન થતા આવતીકાલે ઇદ મનાવવા ગુજરાત ચાંદ કમિટિએ અનુરોધ કર્યો છે. દેશભરમાં આવતીકાલે મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીપૂર્વક રીતે ઇદની ઉજવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.