Abtak Media Google News
  • લોકસભાની 26 બેઠકો સાથે વિધાનસભાની પાંચ બેઠકો માટે નોટિફિકેશન પ્રસિધ્ધ થતા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ: સોમવારથી ફોર્મ ભરવા થશે ધસારો

ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે આગામી 7મી મેના રોજ યોજનારા મતદાન માટે આજે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામુ બહાર પાડવામાં આવતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે. આજે કેટલીક બેઠકો માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા. દરમિયાન આગામી સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો જોવા મળશે. રાજકીય ગરમાવો પણ જામશે.

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો માટે યોજનારી પેટા ચૂંટણી માટેનું પણ જાહેરનામુ આજે પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. 19મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. સાથોસાથ વિધાનસભાની ખાલી પડેલી વિધાનસભાની છ બેઠકો પૈકી પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેનું જાહેરનામુ પણ આજે પ્રસિધ્ધ થઇ ગયું છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેમાં ત્રણ દિવસની રજા આવે છે. આવતીકાલે બીજા શનિવારની ત્યારબાદ રવિવારની રજા છે.

જ્યારે 17મી એપ્રિલના રોજ રામનવમીની જાહેર રજા છે. આજે કેટલીક બેઠકો પરથી ફોર્મ ઉપડ્યા હતા. પરંતુ એકપણ ફોર્મ ભરાયને પરત આવ્યા નથી. ભાજપ દ્વારા તમામ 26 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન ભાજપના ઉમેદવારો અલગ-અલગ ચાર તબક્કે ફોર્મ ભરશે. 15મીના રોજ 6 બેઠક માટે, 16મીના રોજ 16 બેઠકો પરથી, 18મીના રોજ 3 બેઠકો પરથી જ્યારે 19મીએ ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ દ્વારા 20 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે હજી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જે આગામી બે થી ત્રણ દિવસમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આગામી 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 20મી એપ્રિલના રોજ નામાંકન પત્રની ચકાસણી કરવામાં આવશે. 22મી એપ્રિલ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તમામ બેઠકો માટે 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. વિધાનસભાની પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. આવતા સોમવારથી રાજ્યભરમાં ચૂંટણીનો ગરમાવો જામશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ જોરશોરથી ચૂંટણી પ્રચારનો માહોલ જમાવટ લેશે.

ભાજપના 6 ઉમેદવારો  સોમવારે, 16 મંગળવારે ફોર્મ ભરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે  19મીએ દાખલ કરશે નામાંકન:  સી.આર. પાટીલ 18મીએ ઉમેદવારી નોંધાવશે

ગુજરાતની  લોકસભાની 26 બેઠકો માટે ત્રીજા તબકકામાં  આગામી  7મી એપ્રીલના રોજ મતદાન યોજાવાનું છે.  આજે ત્રીજા તબકકાના   મતદાન માટે ચૂંટણીનું જાહેરનામું  પ્રસિધ્ધ થતાની સાથે જ  ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. આગામી સોમવારે ભાજપના 6 ઉમેદવારો  જયારે મંગળવારે 16 બેઠકોનાં  ઉમેદવારો નામાંકન પત્ર દાખલ કરશે. 17મીએ  ત્રણ ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે જયારે ફોર્મ  ભરવાનાં અંતિમ દિવસે 19મી એપ્રીલના રોજ  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભશ, શાહ રોડ શો  અને શકિત પ્રદર્શન સાથે નામાંકન પત્ર ભરશે.

આગામી 15મી એપ્રિલ અર્થાંત સોમવારના રોજ  પોરબંદર બેઠકનાં ભાજપના ઉમેદવાર  અને કેન્દ્રીય  આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા ઉપરાંત સુરેન્દ્રનગર બેઠકનાં ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખભાઈ પટેલ, વલસાડ બેઠકના  ઉમેદવાર  ધવલ પટેલ,  ભરૂચ બેઠકના  ઉમેદવાર મનસુખ વસાવા,   અનેપંચમહાલ  બેઠકના ઉમેદવાર રાજપાલસિંંહ જાદવ ફોર્મ ભરશે.

જયારે 16મી એપ્રિલ અર્થાંત મંગળવારના રોજ રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠકના ઉમેદવાર  રેખાબેન ચૌધરી, પાટણ બેઠકના  ઉમેદવાર ભરતસિંંહ ડાભી, સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા,  મહેસાણા બેઠકના ઉમેદવાર હરિભાઈ  પટેલ,  અમદાવાદ  પશ્ર્ચિમ  બેઠકના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા,  જૂનાગઢ બેઠકના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા,  ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણીયા, આણંદ બેઠકના  ઉમેદવાર મિતેષભાઈ પટેલ, ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ,   દાહોદ બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, વડોદરા બેઠકના ઉમેદવાર હેમાંગભાઈ જોશી,  છોટાઉદેપુર બેઠકના  ઉમેદવાર જશુભાઈ  રાઠવા,  બારડોલી બેઠકના ઉમેદવાર  પ્રભુભાઈ વસાવા અને સુરત બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દલાલ ફોર્મ ભરશે.18મી એપ્રિલના રોજ નવસારી બેઠકના  ઉમેદવાર સી.આર. પાટીલ, અમરેલી બેઠકના  ઉમેદવાર ભરતભાઈ સુતરિયા અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ ફોર્મ ભરશે.ફોર્મ ભરવાના અંતિમ દિવસે   કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ  ફોર્મ ભરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.