Abtak Media Google News

જનરલ બોર્ડમાં અધ્યક્ષ સ્થાનેથી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકાય:વોર્ડ નં. 16ના નગરસેવિકા અને લુહાર સમાજના અગ્રણી કંચનબેનના શીરે ડેપ્યુટી મેયરનો તાજ:શુભેચ્છા વર્ષા

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડો. દર્શિતાબેન શાહે ગત 20 મી ફેબ્રુઆરીએ ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપ્યાના એક મહિના બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાના 33 માં ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં. 16 ના કોર્પોરેટર કંચનબેન રાજેશભાઈ સિદ્ધપુરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ શુભેચ્છકો અને સમર્થકો શુભકામના પાઠવવા માટે ઉમટી પડ્યા હતા.

Advertisement

રાજકોટ પશ્ચિમ વિધાનસભાની બેઠક પરથી ગત ડિસેમ્બરમાં ડો.દર્શીતાબેન શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.પક્ષના આદેશ બાદ તેઓએ ગત 20 ફેબ્રુઆરીના રોજ ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું.દરમિયાન આજે રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક પૂર્વે મળેલી ભાજપના નગરસેવકોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના 33 માં ડેપ્યુટી મેયર તરીકે પ્રદેશ દ્વારા કંચનબેન સિદ્ધપુરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હોવાની વિધિવત ઘોષણા કરી હતી.

દરમિયાન જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા બાદ એજન્ડાની આઈટમ હાથ પર લેવામાં આવી હતી.જેમાં અલગ અલગ દરખાસ્તો અંગે નિર્ણય લેવાય ગયા બાદ અધ્યક્ષસ્થાનેથી મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા ડેપ્યુટી મેયરની વરણી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. નવા ડેપ્યુટી મેયર માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે વોર્ડ નંબર 16ના નગર સેવિકા કંચનબેન સિધ્ધપુરાના નામની દરખાસ્ત કરી હતી.જેને શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ ટેકો આપતા કંચન બેનની સર્વાનુંમતે ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. તમામ કોર્પોરેટરો તથા અધિકારીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી. જનરલ બોર્ડમાં નિમણૂક થયા બાદ તુરંત જ કંચનબેને ડેપ્યુટી મેયર તરીકે નો ચાર્જ સંભાળી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કંચનબેન છેલ્લા 25 વર્ષથી રાજકોટ શહેર ભાજપના સંગઠનમાં સક્રિય છે.તેઓ શહેર ભાજપના ઉપપ્રમુખ અને મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.આ ઉપરાંત મહિલા મોરચાના મહામંત્રી તરીકે પણ તેઓએ સુપેરે જવાબદારી નિભાવી હતી.લુહાર જ્ઞાતિ મહિલા મંડળના પ્રમુખ તરીકે હાલ તેવો કાર્યરત છે.અલગ અલગ ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં પણ તેઓએ સતત પક્ષને મજબૂત બનાવવા માટે જેહેમત ઉઠાવી છે.મહિલા સશક્તિકરણના પ્રશ્નો સામાજિક સેવાઓ મહિલા લક્ષી કામગીરી છેવાડાના માનવીના દરેક પ્રશ્નો અને રાજકોટના વિકાસલક્ષી કાર્ય માટે તેઓ ઘર હંમેશા જાગૃત અને પ્રયત્નશીલ રહ્યા છે.

વર્ષ 2021માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં તેઓ તો તોતિંગ લીડ સાથે વિજેતા બની પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.તેઓની ડે. મેયર તરીકે વરણી બાકી રહેતા છ મહિના માટે કરવામાં આવી છે. જો પક્ષ આદેશ આપશે તો બીજી ટર્મમાં અઢી વર્ષ માટે તેઓને રીપીટ કરવામાં આવશે.આજે ડેપ્યુટી મેયર તરીકે વરણી થતા ની સાથે જ કંચનબેન સિદ્ધપુરાને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં સમર્થકો કોર્પોરેશન કચેરીયે ઉમટી પડ્યા હતા.

ડે. મેયર બાયોડેટા

નામ :  શ્રીમતી કંચનબેન રાજેશભાઈ સિદ્ધપુરા

કોર્પોરેટર વોર્ડ નં.: 16

એડ્રેસ: જુના હુડકો ક્વાર્ટર નં.100(જુના), ન્યુ રામદેવ ડેરીની બાજુમાં,કોઠારીયા રોડ, રાજકોટ

જન્મ તારીખ: 01/01/1969

મોબાઈલ નંબર : 99248 44843

ઈ-મેઈલ : dymayorrajkotgmail.com

સંસ્થાઓમાં સહયોગીતા:- રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં 25 વર્ષથી કાર્યરત રાજકોટ શહેર ભાજપમાં ઉપપ્રમુખ, મંત્રી તથા મહામંત્રી તરીકે યોગદાન આપેલ રાજકોટ શહેર ભાજપમાં મહિલા મોરચામાં મહામંત્રી તરીકે યોગદાન આપેલ લુહાર જ્ઞાતિ મહિલા મંડળના પ્રમુખ તરીકે કાર્યરત જુદી જુદી ચુંટણીઓ તથા પેટા ચુંટણીઓલક્ષી કામગીરીમાં સતત કાર્યશીલ રહેલ મહિલા સશક્તિકરણ પ્રશ્નો સામાજીક સેવાઓ, મહિલાલક્ષી કામગીરી, છેવાડાના માનવીના દરેક પ્રશ્ર્નો તેમજ રાજકોટના વિકાસલક્ષી કાર્યો માટે હર હંમેશ સતત ગૃત અને પ્રયત્નશીલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.