Abtak Media Google News

આગામી બોર્ડમાં રાજકોટને નવા ડે.મેયર મળી જશે ?

રાજકોટ વિધાનસભા પશ્ર્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ભાજપ હાઇકમાન્ડના આદેશના પગલે ડો.દર્શિતાબેન શાહે ગત 20મી ફેબ્રુઆરીના રોજ ડેપ્યૂટી મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. મહાપાલિકામાં છેલ્લા એક પખવાડીયાથી ડે.મેયરની જગ્યા ખાલી પડી છે. દરમિયાન આગામી 20મી માર્ચ પહેલા નવા ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

Advertisement

આવતા સપ્તાહે કોર્પોરેશનમાં જનરલ બોર્ડમાં બેઠક મળશે. જેમાં ડે.મેયરની ચૂંટણી માટેની દરખાસ્ત પણ મૂકવામાં આવે તેવી શક્યતા હાલ સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. સામાન્ય રીતે ડે.મેયર કે અન્ય કોઇ પદાધિકારીની ખાલી પડેલી જગ્યા શક્ય તેટલી ઝડપથી ભરી દેવાની જોગવાઇ છે. ધારાસભ્ય બનેલા બે મહાપાલિકાના પદાધિકારીઓ પાસેથી ભાજપ હાઇકમાન્ડે રાજીનામા લઇ લીધા છે. જેમાં વડોદરાના મેયર પદેથી કેયુરભાઇ રોકડીયા અને રાજકોટના ડેપ્યૂટી મેયર પદેથી ડો.દર્શિતાબેન શાહનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. આ બંને મહાપાલિકામાં પદાધિકારીની વરણી આગામી 20મી માર્ચ પહેલા કરી દેવામાં આવશે.

નવી નિયુક્તી માટે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ પૂર્વે સ્થાનિક સંગઠનના હોદ્ેદારો અને સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં સંભવિત નામોની પેનલ બનાવવામાં આવશે. જે હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. પદાધિકારીઓની વરણી માટે જે તારીખ નક્કી કરવામાં આવશે તે દિવસે બોર્ડને થોડીક વાર પહેલા એક બંધ કવરમાં નામ મોકલવામાં આવશે. કોર્પોરેશનમાં આગામી સપ્તાહે જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં નવા ડે.મેયરના નામની ઘોષણા થઇ જાય તેવી સંભાવના હાલ દેખાઇ રહી છે.

વર્તમાન બોડીની અઢી વર્ષની ટર્મ આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે નવ ડે.મેયરની વરણી છ માસ માટે જ કરવામાં આવે છે કે ત્રણ વર્ષ માટે તે જોવાનું રહ્યું હવે પછીની અઢી વર્ષની મેયરની ટર્મ મહિલા માટે અનામત હોય નવા ડે.મેયર તરીકે પુરૂષ કોર્પોરેટરની વરણી કરવામાં આવે તેવી સંભાવના વધુ જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.