Abtak Media Google News
  • મતદારોને પોતાનો મનપસંદ ઉમેદવાર શોધવા એક લિથો ફિંદવો પડે, મતદાનની ટકાવારીમાં પણ ઘટાડો થઈ જાય

ચૂંટણીએ લોકશાહીનું મહાપર્વ છે. મતદાન કરવું એ મતદારોની ફરજ છે. પણ જો પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની ફરજ પડશે તો મતદારો અકળાઈ ઉઠશે. કારણકે આવું થશે તો મતદાન મથકોની બહાર લાઈનો થશે, મતદાનની ટકાવારી પણ ઓછી થઈ જશે.

રાજકોટની લોકસભા બેઠકનો જંગ કઈક વિચિત્રતા લાવે તેવા અણસાર મળી રહ્યા છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. આને લઈને ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કર્યું. અનેક રીતે વિરોધ નોંધાવ્યો છતાં પણ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સંતોષાય નહિ.

અંતે ક્ષત્રિય સમાજે બ્રહ્માસ્ત્ર ઉગામ્યુ અને જાહેરાત કરી કે ક્ષત્રિય સમાજ 400 ઉમેદવારો ઉભા રાખશે. આનો શંખનાદ ક્ષત્રિય સમાજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાના પ્રથમ દિવસે જ 180 ફોર્મ ઉપાડીને ફૂંકી દીધો હતો. આમ ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક ઉપર 400 ઉમેદવારો ઉભા રાખવાના તેના નિર્ણય ઉપર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે.

ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જો બેઠક ઉપર ઉમેદવારોની સંખ્યા 384થી વધે તો તમામ બુથ ઉપર પોસ્ટલ વેલેટથી મતદાન કરવું પડે. માની લઈએ કે અનેક ઉમેદવારોના ફોર્મ રદ થઈ જાય અને ઉમેદવારોની સંખ્યા 384 થી ઓછી રહે તો પણ એક મતદાન મથક ઉપર ઇવીએમ મશીનની રીતસરની લાઈન કરવી પડે. તેમાં પણ મતદારો મુંઝાઈ જાય. હવે જો ઉમેદવારોની સંખ્યા 384 થી વધી જાય અને પોસ્ટલ બેલેટથી મતદાન કરવું પડે તો તો ચૂંટણી જ ગોટે ચડી જાય.

કારણકે મતદારોએ પોતાના મનપસંદ ઉમેદવારને નક્કી કરવા માટે એક લિથો ફંફોળવો પડે. આવું કરવામાં દરેક મતદારોને સમય લાગે. જેને કારણે મતદાન મથકો બહાર કતારો લાગી જાય. આમ મત આપવું થોડું આકરું બની જાય એટલે મતદાનની ટકાવારી પણ અડધા જેટલી થઈ જાય. ઉલ્લેખનીય છે કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે રાજકોટ બેઠકની ચૂંટણીમાં નવાજુની જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.