Abtak Media Google News
  • અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ અપાઈ: બન્ને બેઠકો ઉપર કોંગી ઉમેદવારો એ ફોર્મ ભર્યા

કોંગ્રેસે  ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના ઉમેદવારો અંગેનું સસ્પેન્સને પૂર્ણ કર્યું છે. રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. જ્યારે અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ આપવામાં આવી છે. જોકે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને કોઈ બેઠક પરથી હજુ સુધી ઉમેદવાર તરીકે જાહેર કરાયા નથી.

Advertisement

દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. આખા દેશની નજર કોંગ્રેસની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પર હતી. બંને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવા આજે શુક્રવારે અંતિમ દિવસ હતો ત્યારે અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો પણ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે. આજે ઉમેદવારી નોંધાવતા પહેલાં ભવ્ય રોડ શો યોજવાની કોંગ્રેસે તૈયારીઓ પણ કરી લીધી છે.

બીજી તરફ અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને સોનિયા ગાંધીના નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ પંજાબના લુધિયાણાના કે.એલ. શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.

બીજી તરફ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે અમેઠી બેઠક કોંગ્રેસ માટે જોખમી છે. ઉત્તર પ્રદેશની ગઈ 4 વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો અમેઠી વિધાનસભા સીટો પર કોંગ્રેસનો સરેરાશ વોટ શેર ઘટ્યા છે. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે 34.2% વોટ શેર મેળવ્યા હતા, જે 2022ની ચૂંટણી સુધી સતત ઘટીને 14.2% થઈ ગયા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અમેઠીની 5માંથી 4 વિધાનસભા બેઠકો જીતી હતી. જ્યારે સપાને એક સીટ મળી છે. આ પછી, 2022 વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે અમેઠી લોકસભાની પાંચમાંથી બે બેઠકો જીતી હતી. તેમજ દરેક સીટ પર જીતનું માર્જીન અંદાજે 22 હજારથી 77 હજાર સુધી હતું. સપાએ ગૌરીગંજ અને અમેઠીની બેઠકો જીતી. કોંગ્રેસ અહીંથી એકપણ વિધાનસભા સીટ જીતી શકી નથી. 4 વિધાનસભામાં ત્રીજા ક્રમે જ્યારે જગદીશપુર સીટ પર બીજા ક્રમે રહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.