Abtak Media Google News
  • જળ સંચય બાબતે “મેઇકિંગ એ વોટર સિક્યોર એન્ડ હેલ્ધી સિટી” વિષય પર સેમિનાર યોજાયો
  • ડી.પી.આર. મેપિંગ સહારે યોગ્ય સ્થળોએ બોર રિચાર્જ કરી મહત્તમ ફાયદો મેળવવા માટે આગળ ધપતું આયોજન

રાજકોટ મહાનગરપાલિકા, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સ એરિડ કોમ્યુનિટીઝ ટેકનોલોજીસ અને ટ્રીવોક્સ, એસોચેમના સંયુક્ત ઉપક્રમે સંચય બાબતે મેઇકિંગ એ વોટર સિક્યોર એન્ડ હેલ્ધી સિટી વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત એરિડ કોમ્યુનિટીઝ ટેકનોલોજીસના યોગેશભાઈ જાડેજા, એનઆઇયુએના ઉદયભાઈ ભોંડે અને ટ્રીવોક્સ, એસોચેમના  લોકેન્દ્રભાઈ બાલાસરિયા અને નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે એમ કહ્યું હતું કે, ગુજરાતમાં વોટર વર્કસ ક્ષેત્રે ખુબ જ સારૂ કામ થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે. નર્મદાનાં નીર ઉપલબ્ધ બન્યા બાદ સ્વાભાવિક રીતે લોકો થોડા નિશ્ર્ચિત બન્યા છે, પરિણામે જળ સંચયકની કામગીરીમાં થોડી ઉદાસીનતા પણ દેખાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવાનાં ઉદ્દેશ સાથે વર્ષ : 2024-25 નાં બજેટમાં 90:10 ની સ્કીમ રજુ કરી જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.

કમિશનરે વિશેષમાં એવી ટકોર પણ કરી હતી કે, છેલ્લા એક હજાર વર્ષમાં દુનિયા ના બદલી હોય તેટલી છેલ્લા 50 વર્ષમાં બદલી ચુકી છે, અને છેલ્લા એક હજાર વર્ષમાં ના વપરાયું હોય તેટલું ભૂગર્ભીય પાણી છેલ્લા 50 વર્ષમાં વપરાયું છે. છેલ્લા પાંચેક વર્ષથી તો એવું પણ અનુભવાયું છે કે, ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. અગાઉ સરેરાશ 500 થી 850 મી.મી. જેવો વરસાદ પૂરી સિઝનમાં નોંધાતો હતો જે હવે સરેરાશ 1100 થી 1500 મી.મી. જેવો વરસાદ નોધાય છે. જોકે અહીં એ પણ નોંધવું રહ્યું કે, સમગ્ર ચોમાસાના ચાર માસ દરમ્યાન સારા વરસાદના દિવસો માત્ર આશરે 8 થી 100 જેટલા જ હોય છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. દિવસે ને દિવસે બોરનો ઉપયોગ વધી રહ્યો છે અને જમીનમાં જળસ્તર વધુ ને વધુ નીચું ઉતારી રહ્યું છે ત્યારે ચોમાસા પૂર્વે જ તમામ લોકોએ પોતાના મકાનના ધાબાનું પાણી બોરમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરી જાહેર સામાજિક હિતમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાના તમામ બિલ્ડીંગ, પમ્પિંગ સ્ટેશન, ફિલ્ટર પ્લાન્ટ, સ્વિમિંગ પૂલ કેમ્પસ, વગેરે સ્થળોએ બોર રિચાર્જના આયોજનને આગળ ધપાવી રહી છે. જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવા માટેના સમગ્ર આયોજનમાં ગીર ગાય સંસ્થા, સદભાવના ટ્રસ્ટ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ વગેરે જેવી જુદીજુદી સંસ્થાઓનો સહયોગ સાંપડી રહ્યો છે. જળ સંચય, પર્યાવરણ, સ્વચ્છતા વગેરે જેવી બાબતોમાં સમાજના સહયોગ વગર ઈચ્છિત પરિણામ મેળવી શકાય નહીં. માટે સૌ નાગરિકો જળ સંચયની પ્રવૃત્તિમાં વધુ ને વધુ જાગૃત બને તે વર્તમાન સમયની માંગ છે.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન અફેર્સના ઉદયભાઈએ એમ કહ્યું હતું કે, સમગ્ર વિશ્ર્વમાં ભારત સૌથી વધુ આશરે 25 ટકા જેટલા પ્રમાણમાં ભૂગર્ભ જળનો વપરાશ કરે છે. કેન્દ્ર સરકારે અમૃત 2.0 હેઠળ જળ સંચય પ્રવૃત્તિ માટે પાઈલોટ સિટી તરીકે દેશના જે 10 શહેરો પસંદ કર્યા છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.

એરિડ કોમ્યુનિટીઝ ટેકનોલોજીસના યોગેશભાઈ જાડેજાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે પોતાની વાત કરતા એમ કહ્યું હતું કે, રાજકોટ માટે સાયન્ટીફિક પધ્ધતિએ ભૂસ્તરીય અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવેલ ડી.પી.આર. મેપિંગ સહારે યોગ્ય સ્થળોએ બોર રિચાર્જ કરી મહત્તમ ફાયદો મેળવી શકાય છે. રાજકોટનાં ડીપીઆર મેપિંગ માટે શહેરને જુનું રાજકોટ, ત્યાંથી રિંગ રોડ સુધીનું રાજકોટ અને ત્યાંથી પશ્ર્ચિમ તરફનું રાજકોટ એમ ત્રણ હિસ્સામાં વહેંચવામાં આવ્યું હતું હતું. રાજકોટમાં અલગઅલગ કુલ 75 સ્થળોએ બોર બનાવી ભૂસ્તરીય રચના અંગે જાણકારી પ્રાપ્ત કરવામાં આવી હતી. રાજકોટની જમીનમાં કાળમીંઢ પથ્થરો અને જળકૃત ખડકો મળી આવે છે.

ટ્રીવોક્સ, એસોચેમના લોકેન્દ્રભાઈ બાલાસરિયાએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આજથી 40 થી 50 વર્ષ પૂર્વે આપણને જમીનમાં 20 ફૂટની ઊંડાઈએ પાણી મળી જતું હતું જે આજે 1000 થી 2000 ફૂટ ઊંડું જઈ ચુક્યું છે. અત્યારે ગુજરાતને નર્મદા નીર મળી રહ્યા છે ને લોકોને ખાસ કાંઈ ચિંતા નથી થતી પરંતુ ધારો કે, નર્મદાની જળ સપાટી અને જળ રાશી ઘટે તો શું થાયએ પ્રશ્ર્ન વિશે પણ વિચારવું ખુબ જ જરૂરી છે. બોરમાંથી જેટલું પાણી ખેંચીએ છીએ તેની સરખામણીએ આપણે બોર રિચાર્જ મારફત જમીનમાં જે પાણી ઉતારીએ છીએ તેનું પ્રમાણ ખુબ જ ઓછું છે. પરમ્પરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને જળ સંચયની પ્રવૃત્તિને પુરતો વેગ આપવાની આવશ્યકતા છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.