Abtak Media Google News

ઇંગ્લેંડે બાંગ્લાદેશને 8 વિકેટે કચડ્યું

પ્રથમ વખત ક્વોલિફાઈ થયેલી નામીબિયાએ સ્કોટલેન્ડને 4 વિકેટે માત આપી

ઈંગ્લેન્ડે ટી-૨૦ વર્લ્ડ કપની સુપર-૧૨ મેચમાં બાંગ્લાદેશ સામે આઠ વિકેટથી આસાન વિજય હાંસલ કર્યો હતો. જીતવા માટે જરુરી ૧૨૫ રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે માત્ર ૧૪.૧ ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. જેસન રોયે વિસ્ફોટક રમત રમી ૬૧ રન ફટકાર્યા હતા અને તેને તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. બીજી તરફ બાંગ્લાદેશના બેટ્સમેનો ઇંગ્લેન્ડના બોલરોને સહેજ પણ સમજી શક્યા ન હતા અને તેઓ  લાંબી ભાગીદારીઓ કરી શક્યા નહતા.

ટાયમલ મિલ્સે ૨૭ રનમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોઈન અલીએ ૧૮ રનમાં અને લિવિંગસ્ટને ૧૫ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી. સામે બાંગ્લાદેશની ટીમના બોલરો પણ બેકફૂટ ઉપર જતા જે પ્રભાવ પાડવો જોઈએ તે પાડવામાં નિષ્ફળ નીવડ્યા હતા. માત્ર શોરીફુલ ઈસ્લામ તેમજ નાસુમ અહમદે ૧-૧ વિકેટ ઝડપી હતી.

વિશ્વકપમાં પ્રથમ વખત ક્વોલિફાઈ થનારી નામિબીયાની ટીમે પોતાનો જલવો બતાવ્યો હતો અને સ્કોટલેન્ડને પ્રથમ ઓવરમાં જ ત્રણ વિકેટ નું નુકસાન પહોંચાડ્યું હતું. નામીબિયા તરફથી  રૃબેન ટ્રમ્પેલ્મેને સ્કોટલેન્ડ સામેની સુપર-૧૨ની મેચની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અને  સ્કોટલેન્ડનો સ્કોર પ્રથમ ઓવારણાં અંતે બે રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો.જોકે માઈકલ લેસ્કના ૨૭ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથેના ૪૪ રન તેમજ ગ્રેવેસના ૨૫ રનની મદદથી સ્કોટલેન્ડે ૮ વિકેટે ૧૦૯ રન કર્યા હતા. ટ્રમ્પલ્મેને ૧૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

જવાબમાં નામિબીયાએ પણ વિકેટો ગુમાવી હતી. જોકે ઓપનર વિલિયમ્સના ૨૩ રન અને જેજે સ્મિતના ૨૩ બોલમાં અણનમ ૩૨ રનની મદદથી ૧૯.૧ ઓવરમાં છ વિકેટે ૧૧૫ રન કરીને મેચ જીતી લીધી હતી. સ્મિતે શારિફની આખરી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.