Abtak Media Google News

ભારત દેશ સહિત વિશ્વના દેશોમાં કેળની ખેતી કરવામાં આવે છે. વિશ્વમાં ૪૬ લાખ હેકટરમાં કેળની ખેતી થાય છે. જ્યારે ભારતમાં ૯ લાખ હેકટરમાં ખેતી થાય છે. ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ખેતી થાય છે. આશરે ૬૬૩૦૯ હેકટરમાં કેળની ખેતી થાય છે.

7Img 6630આપણે તો માત્ર બજારમાં લારીમાં મળતા પૌષ્ટિક કેળાનો ખાવામાં ઉપયોગ કરીએ છીએ. કેળાની ચીપ્સ બજારમાં મળે છે પરંતુ કેળાના (ઝાડ) છોડના ઉપયોગ જાણતા નથી. કેળા કરતાં પણ કેળના છોડના થડ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે.

7Img 6640કેળની ખેતીમાં કેળની લૂમ કાઢી લીધા બાદ કેળના છોડના નિકાલનો મોટો પ્રશ્ન હતો. એક છોડના થડને ખેતરમાંથી બહાર કાઢવા ખેડૂતોએ છોડ દીઠ ચાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આમ એક એકરમાં ૩૦૦૦ થી ૪૦૦૦ કેળના છોડનું વાવેતર થાય છે. કેળની લણણી બાદ કેળના થડ કાઢવાનો ખર્ચ એકરે ૧૨ થી ૧૬ હજારનો કરવો પડે છે અને ખેતરના શેઢાની જમીન પણ આ થડના લીધે રોકાતી હતી.

કેળના રેસાના દોરડા દરિયાના પાણીમાં પણ વર્ષો સુધી બગડતા નથી

 પરંતુ હવે ખેડૂતોના ખેતરમાંથી હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન અને મણીનાગેશ્વર આશ્રમ-વાડીયા  દ્વારા કેળના થડ દીઠ ખેડૂતોને રૂા. ૧૦ (દસ રૂપિયા) ચૂકવવામાં આવે છે, તેમ નસવાડીના ડૉ. રાહુલ પટેલ અને શ્રી મણીનાગેશ્વર આશ્રમના પ્રણેતા સ્વામી ધર્મદાસ સાહેબજી જણાવે છે.

7Img 6653આમ ખેડૂતોને કેળના (થડ) કચરામાંથી એકરે ૩૦ થી ૪૦ હજાર રૂપિયાની આવક થાય છે અને થડ કાઢવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને થડના કચરાના નિકાલની ચિંતાથી મુક્ત થાય છે.

કેળના રેસા કાઢ્યા બાદના કચરામાંથી કાગળ અને કાપડ બને છે અને પાણીમાંથી સેન્દ્રિય પ્રવાહી ખાતર બને છે

7Img 6642 કેળના થડ પર્યાવરણ બચાવવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે કેળના થડમાંથી કાગળ-કાપડ(યાર્ન) ઉપરાંત રેસામાંથી દોરી, દોરડા બને છે અને ખેડૂતોને સૌથી ઉપયોગી એવું સેન્દ્રિય પ્રવાહી ખાતર (ઓર્ગેનિક ફર્ટિલાઇઝર) મળે છે. જેથી ભયંકર રોગોથી માનવ સહિત પશુ પંખી બચે છે. આમ પર્યારવણ મિત્ર છે અને ખેડૂતોને કળ થડમાંથી બનેલા સેન્દ્રિય પ્રવાહી ખાતરથી બમણું ઉત્પાદન મળે છે અને જંતુનાશક દવાઓ છાંટવામાંથી છૂટકારો મળે છે.

કેળના થડમાંથી રેસા અને સેન્દ્રિય પ્રવાહી ખાતર (ઓર્ગેનિક ફર્ટીલાઇઝર) બનાવવાના એક પ્લાન્ટથી ૭૦૦ થી ૮૦૦ લોકોને રોજગારી મળે છે

 7Img 6674જંતુનાશક દવાઓ એક લીટરના ૩ થી ૫ હજાર સુધીનો ભાવ છે. જ્યારે કેળના થડમાંથી બનાવેલ સેન્દ્રિય પ્રવાહી ખાતર માત્ર ૧૫૦/- રૂપિયામાં લીટર મળે છે. તેમાં ૧૦૦ લીટર પાણી ઉમેરીને છંટકાવ કરવાનો હોય છે. જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન બમણું થાય છે અને ઓર્ગેનિક ઉત્પાદન હોવાથી ભાવો વધુ મળવાથી આવક બમણી થાય છે.

હેપ્પી ફેસીસના રીટાબેન પરિન્દુ ભગત અને મણીનાગેશ્વર આશ્રમના સ્વામીશ્રી ધર્મદાસ સાહેબજી ગામડામાં રોજગારી સર્જન અને ખેડૂતોને કેળના થડના કચરામાંથી કમાણી કરાવે છે

7Img 6709 આ કેળના થડમાંથી રેસા કાઢવા અને થડમાં રહેલું પાણી કાઢવા માટેનો એક પ્લાન્ટ (યુનિટ)  નાખવાથી ૭૦૦ થી ૮૦૦ લોકોને રોજગારી મળી રહે છે, તેમ સ્વામી શ્રી ધર્મદાસ સાહેબજી જણાવે છે. તેઓ ગત વર્ષે મે-૨૦૧૭માં કેળના થડમાંથી રેસા કાઢવાનું અને અમૃતમ સેન્દ્રિય પ્રવાહી ખાતર બનાવવાનો પ્લાન્ટ યુનિટ શરૂ કરેલ છે. આ યુનિટમાં ચાર મશીન લગાવાયા છે.

સિનેમા ઘરો-ટાઉનહોલમાં સાઉન્ડમાં પડઘા ના પડે તે માટે હાર્ડબોર્ડ, કાર-ગાડીના બોનેટની પટ્ટી વગેરે કેળના થડના રેસામાંથી બને છે

 7Img 6742આ યુનિટમાં ૧૦ થી ૧૨ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે અને આ યુનિટથી ખેડૂતોને-ટ્રેકટરવાળા મજૂરોને રોજગારી મળે છે. તે ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ, નિશાના-આમટા જેવા અંતરિયાળના આદિવાસીઓને ઘરે બેઠા રોજગારી પૂરી પાડે છે. આદિવાસી સમાજની મહિલાઓ અને પુરૂષો દોરી-દોરડા બનાવવાની કામગીરી કરે છે.

ખેડૂતો આનંદો, કેળમાંથી બનેલા ઓર્ગેનિક ફર્ટીલાઇઝરના છંટકાવથી ખેતરમાં ભૂંડ આવતા નથી. ભૂંડના ત્રાસમાંથી મુક્તિ … ખેતી ખર્ચમાં બચત..

7Img 6813 મણીનાગેશ્વર આશ્રમ તરફથી હાલમાં ૫૦ જેટલી બહેનોને દોરી બનાવવાની કામગીરી સોંપી છે. જેમાં એક મીટર દોરી (વણવા) બનાવવાની મજૂરી સવા રૂપિયો આપવામાં આવે છે. એક મહિલા એક દિવસમાં ૨૦૦ થી ૨૫૦ મીટર દોરી બનાવે છે. આમ રોજના રૂા. ૨૦૦ થી ૨૫૦ની કમાણી કરે છે. આમ મહિને રૂા. ૬ થી ૭ હજારની ઘરે બેઠા કમાણી કરે છે.

7Img 6803જહાજો-સ્ટીમરોમાં વપરાતા દોરડા કેળના થડના રેસામાંથી બને છે. જે વર્ષો સુધી પાણીમાં રહેવા છતાં દોરડા પચ્ચીસ વર્ષ સુધી પાણીમાં રહેવા છતાં મજબુતાઇ જળવાઇ રહે છે. કેળના રેસા ૩૦૦ વર્ષ સુધી ટકી શકે છે તેમ કહેવાય છે.

આ ઉપરાંત કેળના રેસામાંથી શૉ પીસ, વોલ પીસ, પંખીના માળા, ચંપલ, હીંચકા, ખાટલા તેમજ હેન્ડીક્રાફ્ટની જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.

7Img 6849કેળના રેસા કાઢ્યા બાદ જે વેસ્ટેજ કચરો નિકળે છે તેમાંથી કાગળ અને કાપડ બનાવવામાં આવે છે. કેળના થડના માવામાંથી બનાવેલ કાગળ કે કાપડ ખૂબ જ મજબુત હોય છે. શ્રી મણીનાગેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજી અને શ્રી ગણપતિ દાદાને કેળના રેસામાંથી બનાવેલ કપડાથી શણગાર કરવામાં આવ્યો છે. કપડા કે કાગળ બનાવવા માટેના માવા પછી પણ વેસ્ટેજ બચે છે તેમાંથી વર્મીકંપોસ્ટ બનાવવામાં આવે છે. આ વર્મીકંપોસ્ટ ખેડૂતો ઉપયોગ કરે છે.

7Img 6853શ્રી મણીનાગેશ્વર આશ્રમના પ્રણેતા સ્વામી શ્રી ધર્મદાસ સાહેબજી શાળા-કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ અને મહિલાઓ માટે સેનેટરી પેડ બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છે. હાલ બજારમાં રૂા. ૨૦ થી ૪૦ ના ભાવે સેનેટરી પેડ વેચાઇ રહ્યા છે. જો કેળના થડના કચરામાંથી સેનેટરી પેડ બનાવવામાં આવે તો માત્ર રૂા. ૨ થી ૩માં જ બની શકે તેવી સંભાવના છે તેમ જણાવે છે.

7Img 6856નસવાડીના ડૉ. રાહુલ પટેલ જણાવે છે કે કેળના થડમાંથી જે સેન્દ્રિય પ્રવાહી ખાતર બનાવવામાં આવ્યું છે તેના છંટકાવથી પાકનો બમણો ઉતારો આવે છે સાથે હાલ ખેડૂતોને ભૂંડનો ત્રાસ છે તેમાંથી પણ છૂટકારો મળે છે. આ સેન્દ્રિય પ્રવાહી ખાતરની ગંધથી ભૂંડ ખેતરમાં આવતા નથી અને પાકનો બગાડ કરતા નથી. જે ખેડૂતોને સૌથી મોટો ફાયદો છે.

7Img 6898સ્વામી શ્રી ધર્મદાસ સાહેબજીએ સેન્દ્રિય પ્રવાહી ખાતર અમૃતમ ખરેખર ધરતીનું અમૃત છે. આ ખાતરમાં ૩૨ પ્રકારની જંગલી જડીબુટ્ટી અને ગૌમૂત્ર ઉમેરવામાં આવે છે. જે સંપૂર્ણ આર્યુવેદિક છે અને કેમીકલ મુક્ત છે. કેળના થડના પાણીનો માત્ર એક મહિના સુધી ફર્મેન્ટેશન કરવામાં આવે છે. આ અમૃતમ ખાતરથી પેસ્ટીસાઇડ મુક્ત ભારત-સમૃધ્ધ ભારત અને નિરોગી ભારતના સૂત્રો સાકાર કરી શકાશે તેમ જણાવે છે. આ અમૃતમ સેન્દ્રિય પ્રવાહી ખાતર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ સંશોધન કરીને વિકસાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.