Abtak Media Google News

‘મકરન્દ-મુદ્રા’ ગ્રંથના સંપાદક સુરેશ દલાલે આમુખ લખેલ છે, ‘વન ઉપવન અને તપોવનના યાત્રિક’ એમાં લખે છે. ‘ઘણાં વર્ષો પહેલા એટલે કે ઇ.સ. 1955-56 માં મેં એકાદ પત્રમાં એવું પૂછાવેલું કે તમે કવિતા લખો છો એ જાણું છું, પણ બીજું શું કરો છો? ’ ત્યારે એમણે બે પંકિતમાં જવાબ વાળેલો તે મને યાદ છે:

‘ઇર્ષા કાજ ઘણી નીચી:, ઊંચી કયાંય ધૃણા થકી,

મામૂલી ફલથી મહોરી, મારી જીવન ડાળખી’

પરંતુ આજે જયારે એમના જન્મની શતાબ્દિનો આરંભ થાય છે ત્યારે મામૂલી ફલથી મહોરી, મારી જીવન ડાળખીને સ્થાને આ યુગ-પુરૂષનાં જીવન, કવન, સર્જન, અઘ્યાત્મના શત શત કમલદલ પરિણામોનો આપણો ઉત્સવ ઉજવીશું. એમનું પ્રિય શબ્દ-દ્રય તશળાહય ફક્ષમ તીબહશળય એમના જ એક ભજમાં ધબકે છે.

‘સાવ રે સાદામાં ગેબી ગુેંજતો….

પવને પડેલા ટેટા દડબડે,

કરતા બીની બિછાત

એક રે બીમાં બોઇ અણગણી

વનવન વડલાની ભાત – સાવ રે….’

વિશ્ર્વચૈતન્વને જયારે વિભૂતિ, નિર્માણની સ્ફૂરણા થાય છે. ત્યારે બે પ્રકારે આવિર્ભાવ થાય છે. એક સમકાલીન  અને એમના જીવનકાળમાં જ પ્રભાવી સમર્થ અને પ્રશસ્ત વ્યકિત- વિશેષ હોય છે. બીજું કાલાતીત એને જીવન-મૃત્યુથી પર એવું સરલ, સાર્થક, અને પ્રચ્છન્ન વિભૂતિમત્વ હોય છે. આ વિભૂતિના પ્રેરણા અને પ્રાણદીક્ષાથી તો બીજા અનેકને આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. જે આત્મજાગૃતિ વિવિધ અને પારગામી સર્જનને અવકાશ આપે છે. સાંઇની શતાબ્દિ વર્ષે આપણે આ દ્વિતીય આવિષ્કારના વિધવિધ પાસાઓને આવરી લેતા કાર્યક્રમો તથતા નિહાળીશું.

મકરન્દભાઇને દંભી ‘ગુરૂવાદ’ ના વ્યાપક અનિષ્ટ સામે આક્રોશ હતો. પરંતુ ‘ગોરખ’ જાગતા નર સેવિયે, તુને મિલે નિરંજન દેવ…. આ પંકિતનું માહાત્મ્ય તો સ્વીકૃત હતું. આ વાત અનુસાર, જીવન-ઉપાસનામાં, આઘ્યાત્મિક માર્ગદર્શન આવશ્યક હોય છે. તેથી જ તો એમણે ભાઇ નિરંજન રાજયગુરુને આ સાખી શોધવા લખેલ.

‘ગુરૂ કુંભાર શિષ કુંભ હૈ, ઘડી ઘડી કાઠે ખોટ

અંતર હાથ સમ્હાર દે, બાહર મારે ચોટ’

શતાબ્દિ- વર્ષ દરમિયાન આપણે આ પંકિતનાં અંતર હાથ સમ્હારદે બાહર મારે ચોટનાં નકકર ઉદાહરણો (આપણાં જીવનમાં સાંઇનું કુંભારકર્મ) સાહિત્ય, સંગીત, કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજસેવા ઇ. વિવિધ ક્ષેત્રોમાં રજુ થાય તેમ પ્રાર્થના છે. એટલું જ માત્ર નહીં.

પરંતુ સુંદર કુંભ-રચના અને ચિર-સ્મરણીય શિલ્પકલાની વાત પણ વ્યકિત, વિચાર કે કર્મો ના સર્જનના સંદર્ભમાં મળતી રહેશે.

મકરન્દભાઇની અલૌકિક આત્મસમૃઘ્ધિ, લોકાલોક પાર કરતી સૂક્ષ્મદ્રષ્ટિ એને વિજ્ઞાન અત્યારે ન સમજી શકે તેવા ચમત્કારો પર વધુ વિવેચન થાય કે લખાય છે એમને રુચતું નહીં પરંતુ એમની જ કૃષ્ણબન્ધુ બળરામ પર લખાયેલ, નવલકથા ‘માટીનો મહેકતો સાદ’ ના આમુખમાં તેઓ લખે છે, ‘પૃથ્વી અને પારલૌકિકતાના આ તંતુ પાછળ લેખકની કલ્પના કરતાં એક સુક્ષ્મ જગતની અનુભૂતિનો સહારો છે એટલું કહી દેવાની અહી છૂટ લઉ છું. ભૌતિક અને દૈવિક તાણાવાણાના મિલન વિના જીવનનું દર્શન કાયમને ખાતે અધુરું, છિન્નવિચ્છિન્ન અને અર્થહીન અને અર્થહીન રહી જવાનું એમ લાગ્યા કરે છે. આ વાત નિબંધો દ્વારા કહેવાનું મન થઇ જાય પણ મેં તો નવલકથા દ્વારા એ કહી નાખી…’

આ જન્મશતાબ્દી વર્ષમાં સાંઇ મકરન્દના આ વિધાનને ભૌતિક અને દૈવિક તાણાવાણાનું મિલન- આપણે સૌએ લક્ષ્યમાં લઇ, નિર્ભીકતા અને પારદર્શકતા સાથે, નિજી જીવનમાં અને સાંઇની સન્નિધિમાં થયેલ સૂક્ષ્મ જગતની અનુભૂતિઓ નમ્રતાથી અભિવ્યકત કરવી જોઇએ, ભાવિક ચેતના વિજ્ઞાન માટે અનુસંધાનનું એક અદભુત ક્ષેત્ર ખોલી આપશે. સાંઇના પરમ શ્રઘ્ધેય પુજય નાથાભાઇ જોશી નું વચન છે. તમારી ચેતનામાંથી સંઘર્ષ અને દ્રન્દ્રો વિલીન થાય.. ભાગવતી શકિતની સુચિતા, સંવાદિતા અને જ્ઞાન સ્થિર થાય, તમે આંતર અને બાહ્મ પ્રકૃતિના શાસક થાઓ અને જગદંબાની દિવ્ય લીલાના મુકત પાત્ર બનો. આવી માનવોત્તર ચેતનાનું પ્રાગટય એ જ માનવજીવનની ચરિતાર્થતા હોઇ શકે.અંતમાં, એટલું જ કહીશ કે જે સાંઇને કોઇ પોતીકા પારકાનો ભેદ નહોતો એમના સ્મૃતિ ઉત્સવમાં પણ જયાં જયાં અને જેમના દ્વારા પણ સન્નિષ્ઠ પ્રયાસ થાય તેમાં સૌને સહાયક થવા વિનંતી છે. એમનું ચૈતન્ય પણ ચાર દિવાલ વચ્ચે સીમીત નહોતું અને નહીં રહે પરંતુ ‘નંદિગ્રામ’ માં આરંભેલ એમનો જીવન યજ્ઞ સર્વ ભેદની ભીતો ભાંગતો વિશ્ર્વવ્યાપી બને તે પ્રાર્થના !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.