Abtak Media Google News

એક તરફ આ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટમાં સીઝનલ રોગચાળાએ જાણે અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે.ગત સપ્તાહે શહેરમાં 1603 કેસ નોંધાયા હોવાની સત્તાવાર જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. મચ્છરોની ઉત્પત્તિ 236 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.

શરદી-ઉધરસના 1233, ઝાડા-ઉલ્ટીના 237, સામાન્ય તાવના 177,ચિકનગુનિયાના ત્રણ, ડેન્ગ્યુના બે અને મેલેરિયાનો એક કેસ નોંધાયો

કોર્પોરેશન આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ગત સપ્તાહે શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી ઉધરસના 1233 ઝાડા ઉલટીના 237 સામાન્ય તાવના 177 ચિકન ગુનિયાના ત્રણ, ડેન્ગ્યુના બે અને મેલેરિયાનો એક કેસ નોંધાયો હોવાની ઘોષણા કરવામાં આવી છે.રોગચાળાને નાથવા માટે 63126 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 1169 ધરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. રહેણાંક હેતુના બિલ્ડીંગોમાં મચ્છરોના લારવા મળી આવતા 220 લોકોને જ્યારે કોમર્શિયલ હેતુની મિલકતમાં મચ્છરોની ઉત્પત્તિ જણાતા 16 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.

ગુંદાસરા ગામે ઝાડા-ઉલ્ટીથી યુવકનું મોત

જેતપુરના પ્રૌઢને તાવ ભરખી ગયો

શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે અને દિન પ્રતિદિન તાવ,શરદી,ઉધરસ,ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે ત્યારે રીબડા નજીક આવેલા ગુંદાસરા ગામે ઝાડા ઉલ્ટીના કારણે યુવકનું મોત નિપજ્યું છે જ્યારે જેતપુરના પ્રૌઢ રાજકોટમાં પોતાના બહેનને ત્યાં આવ્યા હતા તે દરમિયાન બે દિવસના તાવ બાદ રાજકોટમાં દમ તોડી દેતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,મૂળ એમ.પી.ના અને ગુંદાસરા ગામે મજૂરી કરી પેટિયું  રડતા ઇનુસભાઈ કમલશીભાઈ માછેલિયા નામના 35 વર્ષીય યુવકે ઝાડા ઉલ્ટીના જીવ ગુમાવ્યો છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કરી પ્રાથમિક તપાસ હાથ ધરી છે

જેમાં મૃતક ઈનુસભાઈ પાંચ વર્ષથી પરિવાર સાથે રહી ગુંદાસરા ગામે કામ કરે છે અને મૃતકને ગત દિવસે ઝાડા ઉલ્ટી થતાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં પરંતુ યુવકનું મોત નિપજ્યું છે.

બીજા બનાવમાં જેતપુરમાં રહેતા વિપુલભાઈ વસુભાઈ ચૌહાણ નામના 45 વર્ષીય પ્રૌઢ બે દિવસ પેહલા સિદ્ધિ વિનાયક પાર્કમાં પોતાની બહેનના ઘરે  આવ્યા હતા ત્યારે બે દિવસથી વિપુલભાઇ ને તાવ આવતા નજીકના દવાખાનેથી દવા લીધી હતી પરંતુ સારવાર કારગત ન નીવડતા પ્રૌઢે દમ તોડી દેતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.