એવરગ્રેન્ડની નાદારી ચીનના અર્થતંત્રને ડુબાડી દેશે?

કોરોના બાદ હવે ચીન વિશ્વના અર્થતંત્ર વધુ એક જખમ આપે તેવી શકયતા

અબતક, નવી દિલ્હી :  ચીન હવે આવનારા દિવસોમાં વિશ્વ સામે વધુ એક સંકટનું કેન્દ્ર બને એવી સંભાવનાઓનું સર્જન થયું છે. ચીનમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી એવરગ્રાન્ડ નામની જાયંટ કંપની નાદારીના આરે પહોંચી છે. જેથી તે ચીનના અર્થતંત્રને ડુબાડી શકે છે. જો ચીનના અર્થતંત્રને આ કંપનીના લીધે અસર પહોંચી તો બાદમાં વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ તેની અસર નોંધાવવાની ભીતિ સેવાઇ રહી છે.

એવરગ્રાન્ડએ આશરે 304 અબજ ડોલર, એટલે કે રૂપિયા 22.45 લાખ કરોડના જંગી દેવાં પર આશરે 11 કરોડ ડોલરની વ્યાજપેટે ચુકવણી કરવાની છે.ચીનમાં રિયલ એસ્ટેટક્ષેત્ર માગ ખૂબ ધીમી પડી ગઈ છે અને જંગી પ્રમાણમાં દેવાંની સ્થિતિમાં કંપની ચુકવણીમાં નિષ્ફળ જવાના સંજોગોમાં ડિફોલ્ટ જાહેર થઈ શકે છે, જેની ચીન ઉપરાંત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે.

વર્ષ 2008માં લેહમેન બ્રધર્સની નાદારીને લીધે વિશ્વ સામે જે સબ-પ્રાઈમ કટોકટીનું સર્જન થયેલું એનું એવરગ્રાન્ડ સ્વરૂપમાં ચિત્ર વિશ્વભરના રોકાણકારોના માનસ પટલ પર ઊપસી રહ્યું છે. એવરગ્રાન્ડ શું છે, ચીનમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન કેવી રીતે થયું તથા એનો વિશ્વ અર્થતંત્ર સાથે શું સંબંધ છે એ અંગે આજે આપણે વાત કરીશું.

એવરગ્રાન્ડ ચીનની બીજા ક્રમની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે, પણ વિશાળ દેવાંનો ડુંગર ધરાવતી કંપની તરીકે એ ચીનની જ નહીં પણ વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં સ્થાન ધરાવે છે. ચીનની આ કંપની 304 અબજ ડોલરનું જંગી દેવું ધરાવે છે. કંપની જે દેવું ધરાવે છે એ ચીનના બોન્ડબજારમાં અને ખાસ કરીને ચીનમાં અમેરિકન ડોલરના બોન્ડ માર્કેટના 16 ટકા હિસ્સો એવરગ્રાન્ડ પાસે છે. હવે આ કંપનીએ તેના જંગી દેવાં પર આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ 8 કરોડ 45 લાખ ડોલરના બાકી વ્યાજની ચુકવણી કરવાની છે, વ્યાજની આ ચુકવણી કરવામાં કંપની નિષ્ફળ જાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વ્યાજની ચુકવણી કંપનીએ વિદેશમાંથી જે ધિરાણ પ્રાપ્ત કર્યું છે એની પર કરવાની છે.

આ ઉપરાંત કંપનીએ દેશ અંદર એટલે કે ચીનની ફાઇનાન્શિયલ સેક્ટરની કંપનીઓ પાસે જે ધિરાણ એટલે કે દેવું પ્રાપ્ત કર્યું છે એની પર પણ 3 કરોડ 60 લાખ ડોલરનું વ્યાજ છે. ઘરેલુ વ્યાજની ચુકવણી યુઆન કરન્સીમાં કરવાની છે. આમ, કંપનીએ ગુરુવારે અથવા તો મોડામાં મોડા શુક્રવાર સુધીમાં 12 કરોડ ડોલર વ્યાજની ચુકવણી કરવાની છે. હવે જો આ ચુકવણી કરવામાં કંપની નિષ્ફળ જશે તો 30 દિવસના ગાળામાં કંપની ડિફોલ્ટર જાહેર થઈ જશે.