Abtak Media Google News

Table of Contents

  • રાજકોટના મતદારો આતિથ્ય ભાવનાને હમેંશા કરે છે ઉજાગર: મુંબઇ, જામનગર, ભાવનગર, ધોરાજી, સુરેન્દ્રનગર, મોરબીના રહેવાસીઓને પણ સાંસદ તરીકે ચૂંટયા છે
  • રૂપાલા માટે રાજકોટ કે રાજકોટ માટે રૂપાલા નવા નથી બન્ને એકબીજાની લાક્ષણીકતાઓથી સારી પેઠે છે વાકેફ

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા લોકસભાની આગામી ચુંટણી માટે 10-રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કદાવર પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલા પર પસંદગીનું કળશ ઢોળવામાં આવ્યું છે. ભાજપની સ્થાપના કાળથી જ પક્ષમાં રાજકોટનું મહત્વ સવિશેષ રહ્યું છે. રાજકોટ તો ભાજપનો અડિખમ ગઢ છે. તેવું કહેવામાં આવે તો પણ જરા અમસ્થી અતિશિયોકિત નથી. રાજકોટના આંગણે આવતા મહેમાનોને ખભે બેસાડી લેવા તે આ શહેરની ખાસિયત રહી છે. પરષોતમભાઇ ભલે રાજકોટના રહેવાસી ન હોય તેવોએ ચિંતા કરવાની રતિભાર પણ આવશ્યકતા નથી. કારણ કે પોતાના આંગણે અનેક આશાઓ સાથે ચુંટણી લડવા આવેલા રાજનેતાઓને રાજકોટવાસીઓ સહર્ષ સ્વીકારે છે. અને રાજકીય કારર્કીદીને નવો જ શુકનવંતો વળાંક આપે છે.

નરેન્દ્રભાઇ મોદીની જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકિત કરવામાં આવી ત્યારે તેઓ ધારાસભ્ય પણ ન હતા. તેઓ પોતાના જીવનની પ્રથમ ચુંટણી રાજકોટ-ર વિધાનસભા બેઠક પરથી લડવા અને વિજેતા બન્યા આજે રર વર્ષમાં તેઓ એક વૈશ્ર્વિક નેતા બની ચૂકયા છે. રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો મતદારોએ આયતી અર્થાત રાજકોટમાં વસવાટ ન કરતા નેતાને પણ પોતાને સાંસદ તરીકે ચુંટી કાઢયા છે. સૌરાષ્ટ્રના ગામના ન હોય તેવા નેતાને પણ સાંસદ બનાવ્યા છે. 1957માં રાજકોટના સાંસદ તરીકે ચૂંટાયેલા મનુભાઇ શાહનું મુળ વતન જામનગર હતું. જયારે 1963માં લોકસભાની પેટા ચુંટણીમાં મિનુ મસાણી વિજેતા બન્યા હતા. જે પારસી ઉમેદવાર હતા અને તેઓનું મુળ વતન મુંબઇ હતું. છતાં રાજકોટમાં તેઓ 1963માં લોકસભાની પેટા ચુંટણી અને 1967 માં સામાન્ય ચુંટણીમાં વિજેતા બન્યા  મુંબઇના હોવા છતાં તેઓને રાજકોટવાસીઓએ સ્વીકારી લીધા હતા.

1971માં લોકસભાની ચુંટણીમાં રાજકોટના સાંસદ તરીકે ચુંટાયેલા ઘનશ્યામભાઇ ઓઝાનું મુળ વતન ભાવનગર અને સુરેન્દ્રનગર હતું. તેઓ ગુજરાતના સી.એમ. બન્યા ત્યારે રાજકોટ સાંસદ તરીકે ચાલુ હતા. જો કે તેઓએ સાંસદ તરીકે રાજીનામુ આપતા યોજાયેલી પેટા ચુંટણીમાં મુળ ધોરાજીના રહેવાસી અરવિંદભાઇ પટેલ રાજકોટના સાંસદ બન્યા 1977માં કેશુભાઇ પટેલને રાજકોટની જનતાએ સાંસદ બનાવ્યા જો કે તેઓએ માત્ર 14 દિવસમાં રાજીનામું આપી દેતા પેટા ચુંટણીમાં ચિમનભાઇ શુકલ વિજેતા બન્યા.

1980માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મુળ ધોરાજીના રામજીભાઇ માવાણી અને ત્યારબાદ 1984ની ચુંટણીમાં તેઓના ધર્મપત્ની રમાબેન માવાણી સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતા. 1989 અને 1991 ની ટર્મમાં શિવલાલભાઇ વેકરીયા અને 1996, 1998, 1999 અને 2004 માં ડો. વલ્લભભાઇ કથીરીયા રાજકોટ સાંસદ બન્યા હતા. બન્ને મુળ રાજકોટના રહેવાસી હતા.

2009માં કોંગ્રેસના પ્રતિક પર ચુંટણી લડેલા કુંવરજીભાઇ બાવળીયા રાજકોટના સાંસદ બન્યા તેઓનું મુળ વતન જસદણ- વીછીંયા હતું. 2014 અને 2019ની ચુંટણીમાંં મોહનભાઇ કુંડારીયા સાંસદ તરીકે ચુંટાયા તેમનું મુળ વતન ટંકારા-મોરબી હતું.

2024 લોકસભાની ચુંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલાને ટિકીટ આપી છે. તેઓનું મુળ વતન અમરેલી છે. રાજકોટ માટે તેઓ ઉમેદવાર તરીકે નવા છે. બાકી તેમના માટે રાજકોટ અથવા રાજકોટ માટે રૂપાલાજી નવા નથી. ભાજપના અડિખમ ગઢ  સમા રાજકોટમાં રૂપાલા એ પરાજયની કોઇ બીક રાખવાની જરૂરીયાત જ નથી કારણ કે અહી ભાજપનું સંગઠન માળખુ ખુબ જ મજબુત છે. રાજકોટ લોકસભામાં જે વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે તે તમામ સાતેય બેઠકો પર ભાજપના ધારાસભ્યો છે જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે. માત્ર ઉમેદવારી ફોર્મ ભરવા માટે એક વખત હાજરી આપે તો પણ રૂપાલાજી જીતી જશે તેવું હાલના સમીકરણો કહી રહ્યા છે.

ભાજપનું પાવર હાઉસ છે રાજકોટ, હું પણ તેનો લાભાર્થી રહ્યો છું: રૂપાલાની નિખાલસતા

Even If Padharya Rupalaji.... Rajkot Will Make You &Quot;Parshottam&Quot;.
Even if Padharya Rupalaji…. Rajkot will make you “Parshottam”.

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા બન્યા ‘અબતક’ના અણમોલ અતિથિ: મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે કરી અલગ-અલગ વિષયો પર ઉંડાણપૂર્વક ચર્ચા

કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલા આજે ‘અબતક’ મીડીયા હાઉસના અતિથિ બન્યા હતા. તેઓએ મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે અલગ-અલગ વિષયો પર ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. ‘અબતક’ સમાચાર શૈલીને બિરદાવી હતી. સાથોસાથ મંત્રી તરીકે પોતાના વિભાગ એવા કૃષિ અને પશુપાલન અંગે વિશેષ વાર્તાલાપ કરવાનું વચન આપ્યું હતું. રાજકોટ બેઠક પરથી તેઓએ તોતીંગ લીડ સાથે વિજેતા બનવાનો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટના આંગણે હોય ત્યારે મને ખુશી સાથે એવું કહેવાનું મન થાય છે કે જનસંઘથી ભાજપ માટે રાજકોટ પાવર હાઉસ રહ્યું છે અને આ પાવર હાઉસ કેવી રીતે કામ કરે છે. તે જોવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. હું પણ તેનો લાભાર્થી રહ્યો છું. એક કાર્યકર્તા તરીકે મને રાજકોટના નેતાઓ સાથે કામ કરવાનો તક મળી છે. જે ખરેખર મારા માટે ખૂબ મોટી વાત છે.

રાજકોટ સાથે પોતાના જૂના સંસ્મરણો વાગોળતા તેઓએ જણાવ્યું હતું કે અહિં એસ.ટી. બસ સ્ટેશને હું ઉતરૂં અને સામે જાપલીમાંથી નીકળી ચક્કુભાઇને ત્યાં જાઉં. હું કેળા લઇને આવું અને તેઓ ગાંઠીયા મંગાવે અને ત્યારબાદ અમારી મહેફીલ જામે. રાજકોટની જનતાએ જ ભાજપને મજબૂત બનાવ્યો છે. રાજકોટની ઇતિહાસ ખૂબ અલગ-અલગ છે. જ્યારે કોર્પોરેશનમાં 25-26 બેઠક હતી ત્યારે પણ એક બેઠકની બહુમતી હોવા છતાં કોઇપણ કાનૂની અડચણ વિના નેતાઓની સુઝબુઝના કારણે પાંચ વર્ષ સુધી શાસન ચલાવ્યું હતું. રાજકોટએ ભાજપના પ્રમુખ ગ્રોંથ સેન્ટર પૈકીનું એક છે. તેવું કહેવામાં આવે તો પણ જરાપણ અતિશિયોક્તી નથી.

ભારતનો રાજકીય ઇતિહાસ લખાશે તેમાં મોદી સાથે રાજકોટનો પણ ઉલ્લેખ થશે

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ એવું કહ્યું હતું કે જ્યારે રાજકીય પંડિતો દ્વારા ભારતનો રાજકીય ઇતિહાસ લખવામાં આવશે ત્યારે મોદી એરા તેમાં સમાવેશ ચોક્કસ કરવો પડશે. મોદીના નામ સાથે રાજકોટનો પણ ઉલ્લેખ થશે કારણ કે તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત અહિંથી કરી છે. એક રાજનેતા તરીકે સતત 24 વર્ષથી અવિરત લોકપ્રિયતા જાળવી રાખી હોય તેવા મોદી એક જ નેતા છે. જેઓ સતત લોકોની સેવા માટે કાર્યરત હોય છે.

વિકસિત ભારતના લક્ષ્યાંક સાથે ભાજપ લોકસભાની ચૂંટણી લડશે

Even If Padharya Rupalaji.... Rajkot Will Make You &Quot;Parshottam&Quot;.
Even if Padharya Rupalaji…. Rajkot will make you “Parshottam”.

છેલ્લી 10 કલાકની મેરેથોન બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓને 100 દિવસનો એક્શન પ્લાન આપવાનું હોમવર્ક જ નરેન્દ્રભાઇ મોદીનો જીત માટેનો આત્મવિશ્વાસ બતાવે છે: રૂપાલા

લોકસભાની આગામી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી વિકસિત ભારતના લક્ષ્યાંક સાથે લડશે. તેમ આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે મંત્રી અને અધિકારીઓ સાથેની વર્તમાન સરકારની છેલ્લી 10 કલાકની મેરેથોન મિટીંગમાં પીએમએ 100 દિવસનો એક્શન પ્લાન રજૂ કરવાનું જે હોમવર્ક આપ્યું છે તે મોદીનો આત્મવિશ્ર્વાસ બતાવે છે.

તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂર્ણ થતાં હાલ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીથી લઇ અત્યાર સુધી દેશ માટે કામ કરનાર અનેક વીરોને વડાપ્રધાને પોંખ્યા છે. આગામી-2047માં ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ થઇ જાય તે દિશામાં વર્તમાન સરકાર કામ કરી રહી છે. વિકસિત ભારતના લક્ષ્યાંક સાથે અમે ચૂંટણી લડશું. આગામી 25 વર્ષ મહેનત કરી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવીશું.

પ્રથમવાર નવી વ્યવસ્થા નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હશે ત્યારે અધિકારીઓ કામમાં મસ્ત હશે

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જ્યારે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય ત્યારે સરકારી કચેરીઓમાં શૂન્યાવકાશ સર્જાય જતો હોય છે. ઉમેદવારો નક્કી કરવા અને રિસાયેલાઓને મનાવવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ દેશમાં પ્રથમવાર એવી વ્યવસ્થા ઉભી થઇ રહી છે જેમાં લોકસભાની આગામી ચૂંટણીમાં જ્યારે નેતાઓ અને કાર્યકરો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હશે ત્યારે અધિકારીઓ પોતાના કામમાં મસ્ત હશે. કારણ કે વડાપ્રધાન દ્વારા તમામ અધિકારીઓને નવી સરકાર બન્યા બાદ 100 દિવસની કામગીરીનો રોડમેપ આપવા જણાવી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસ અમારા માટે નહિં એકપણ રાજકીય પાર્ટી માટે હવે પડકાર રહી નથી

કોંગ્રેસ અમારા માટે નહિં પરંતુ એકપણ રાજકીય પક્ષ માટે હવે પડકારરૂપ રહી નથી. કોંગ્રેસે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચૂંટણી લડવાની છે. જે રિતે કોંગ્રેસના મોટા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. તેના માટે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂરિયાત છે. કોંગ્રેસે 24 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી લીધા છે પરંતુ જેના નામ ખાનગી રાખવામાં આવ્યા છે. તેવા સવાલનો જવાબ આપતા પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં કશું જ ખાનગી રહેતું નથી. જે નેતાને તમારે પ્રજા વચ્ચે લઇ જવાના છે તેના નામ તમે કેટલા દિવસ ખાનગી રાખી શકો. તોડ-જોડ, લોભ-લાલચમાં આવી એક-બે નેતાઓ પક્ષ છોડી તે વાત સમજી શકાય પરંતુ કોંગ્રેસે હવે એવું સ્વિકારી લેવું જોઇએ કે હવે અમારા હાથમાં સ્થિતિ રહી નથી.

ચૂંટણી તારીખ પહેલા ઉમેદવારો જાહેર કરી દેવા ખૂબ મોટી વાત

સામાન્ય રીતે કોઇપણ રાજકીય પાર્ટી ચૂંટણીની તારીખનું એલાન થાય પછી જ ઉમેદવારોના નામની ઘોષણા કરતી હોય છે. જેના કારણે કોઇ વિવાદ ઉભો ન થાય પરંતુ લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ જીત માટે એટલું નિશ્ર્ચિત છે કે ચૂંટણીની તારીખ પણ જાહેર નથી થઇ તે પહેલા 195 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને તારીખ જાહેર થાય તે પહેલા મોટાભાગની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે. તેવું કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું.

અવિકસિત જિલ્લાઓનો વિકાસ કર્યો હવે તાલુકાઓનો વારો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હમેંશા વિકાસની રાજનીતીને મહત્વ આપ્યું છે. દેશના જે જિલ્લાઓ રાજ્ય અને રાષ્ટ્રના પેરામીટર આવતા ન હતા. તેઓને અલગ તારવી અહિં કોની સત્તા છે અને ક્યા પક્ષના ધારાસભ્ય કે સાંસદ છે. તેનો વિચાર કર્યા વિના તેને વિકસિત કરવાની કામગીરી કરી હતી. આવું વિચારનારા તેઓ પ્રથમ નેતા કહી શકાય. હાલ દેશમાં મોટાભાગના અવિકસિત જિલ્લાઓને વિકાસની હરોળમાં મૂકી દેવામાં આવ્યા છે. હવે પછી સરકારની કામગીરી અવિકસિત તાલુકાઓને વિકાસની હરોળમાં મૂકવાની રહેશે.

સિનિયર અને અનુભવીઓને ટિકિટ આપી છે

સૌરાષ્ટ્રની અલગ-અલગ બે બેઠકો પરથી ભાજપે કદાવર નેતા અને બે કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી છે આ અંગે આપનો શું પ્રતિભાવ છે? તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના શિર્ષ નેતૃત્વ દ્વારા માત્ર ગુજરાત જ નહિં દેશભરમાં આવા પ્રયોગો કરવામાં આવ્યા છે. જેમાં સિનિયરો અને અનુભવી નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ ટિકિટ આપવામાં આવી છે. ખરેખર જે નેતાઓ કામ કરી રહ્યા છે. તેઓની મોદી સરકાર દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

કૃષિ અને પશુપાલન વિષય પર ખાસ ચર્ચા માટે આવીશ: રૂપાલાનું વચન

‘અબતક’ સાંધ્ય દૈનિકની સમાચાર શૈલીને સરાહના કરતા કેબિનેટ મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાને ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા દ્વારા ‘અબતક’ ચેનલમાં કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ કામગીરી અંગે ચર્ચા કરવા માટે

પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેઓ તેઓએ સહર્ષ સ્વિકાર કર્યો હતો અને એવું વચન આપ્યું હતું કે હવે જ્યારે રાજકોટની મુલાકાતે આવીશ ત્યારે ચોક્કસ આ વિષય પર ચર્ચા કરીશું.

સ્ટાર પ્રચારક તરીકે મારી કાયમી ભૂમિકા

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાની સભા સાંભળવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. સ્ટાર પ્રચારક હોવાના કારણે તેઓએ માત્ર ગુજરાત જ નહિં દેશમાં અલગ-અલગ રાજ્યોમાં સભા સંબોધવાની હોય છે ત્યારે રાજકોટ પ્રચાર માટે ઓછા આવી શકશું તેવા સવાલનો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે સ્ટાર પ્રચારક તરીકેની મારી જવાબદારી લગભગ કાયમી જેવી બની જવા પામી છે. એક સિનિયર નેતા હોવાના કારણે મને પક્ષ દ્વારા વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.