Abtak Media Google News

કબાટને જાદુઈ બનાવનાર જાદુગર કોણ ? તે તપાસમાં ખુલે તો તંત્રની પીઠ થાબડવી પડે

આ એ જ જાદુઈ કબાટ છે. જ્યાં અનેક જમીનના વિવાદોને ડામવાના પુરાવા પડ્યા હતા. પણ તંત્ર અજાણ હતું કે આ કબાટ તો જાદુઇ છે. પરિણામે થયું એવું કે કબાટમાં મુકાયેલો સરકારી રેકોર્ડ ગાયબ જ થઈ ગયો. હવે કબાટને જાદુઈ બનાવનાર જાદુગર કોણ ? તે તપાસમાં ખુલે તો તંત્રની પીઠ તો થાબડવી જ પડે ને.

વાવડી વિસ્તાર મહાનગરમાં ફેરવાઈ ગયો ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરીને વોર્ડ ઓફિસમાં તબદીલ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ ભેદી રીતે રેવન્યુ રેકોર્ડ ગુમ થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. વાવડીમાં અગાઉ અનેક જમીન કૌભાંડો થયા છે. ત્યારે તેના પુરાવા રૂપી આ હક્ક પત્રકના સાધનિક કાગળો સહિતના અગત્યના દસ્તાવેજો અહીંથી ગુમ થતા મહાકૌભાંડની ગંધ સામાન્ય માણસો સુધી પણ પહોંચી ગઈ છે. આ પુરાવા ભેદી રીતે ગાયબ થઈ ગયા બાદ હવે વાવડીના કૌભાંડો ઢાંકીએ જશે એવી પણ પૂરેપૂરી શક્યતા કાયદા નિષ્ણાંતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. જેને પગલે કાયદાકીય ગૂંચ વધી જશે.

Screenshot 3 34

બીજી તરફ રાજકોટ વિકાસની હરણફળ ભરી રહ્યું છે મવડી, વાવડી, માધાપર સહિતના અનેક વિસ્તારો રાજકોટમાં ભળ્યા છે. આ વિસ્તારોમાં જમીનના ભાવ પણ આભને આંબી રહ્યા છે. તેવામાં તેના રેકોર્ડની જાળવણીમાં આવી બેદરકારી શક્ય ન હોય તેવુ સૂત્રો જણાવી રહ્યા છે. એટલે આમાં તો કોઈ  જાણભેદુ જ કળા કરી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આખું સરકારી દફ્તર જ ગુમ થઈ ગયું છે. સામાન્ય લોકો માટે આકરી કાર્યવાહી કરતું તંત્ર આ પ્રકરણમાં કેટલું આકરું બને છે.

સરકાર તારા ઉડતા કાગળ… ક્યાંક નાલામાં તો ક્યાંક ભંગારમાં!!!

વાવડીમાં રેવન્યુ રેકોર્ડ ગુમ થવાની જે ઘટના બની છે ત્યારબાદ સરકારી કાગળો ક્યાંક નાલામાં તો ક્યાંક ભંગારમાં જોવા મળી રહ્યા છે. જો કે આ કાગળ નથી રઝળતા સરકારની અને તંત્રની આબરૂ રઝળી રહી હોય તેવું સામાન્ય લોકો જણાવી રહ્યા છે. જો કે મળી આવેલા આ કાગળો રેવન્યુના પણ છે. પરંતુ હજુ સુધી કોઈ અધિકારીએ આ કાગળ લેવાની કે વાવડીના જ કાગળો છે કે કેમ? તે અંગેનું સત્તાવાર નિવેદન આપવાની હિંમત નથી કરી.

ના રહેગા બાસ, ના બજેગી બાંસુરી વાવડીના કૌભાંડિયાઓને તો મોજ પડી ગઈ?

વાવડીમાં અગાઉ અનેક જમીન પ્રકરણોએ જિલ્લાભરમાં સનસનાટી મચાવી હતી. અનેક લોકોએ જમીનમાં ગોટાળા કર્યા હોય તેના વિવાદો હજુ અલગ અલગ તબક્કે ચાલી રહ્યા છે. તેવામાં વર્ષ 1955થી 2004 સુધીના હક્ક પત્રકના સાધનિક કાગળો ગુમ થઈ જવા એટલે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સરકાર પક્ષે કે ફરિયાદી પક્ષે પુરાવાનો જ નાશ થઈ જવો. આ ઘટનાને લીધે વાવડીના કૌભાંડિયાઓને તો મોજ પડી ગઈ છે. ના રહેગા બાસ ના બજેગી બાંસુરી આ કહેવત પ્રમાણે જમીન કૌભાંડિયાઓ સામે હવે ન તો પુરાવા રહેશે ન તો કોઈ કાર્યવાહી થશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

જવાબદાર સામે કડક કાર્યવાહી થશે : કલેકટર

જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે આ ઘટના અંગે મામલતદારે તેઓને જાણ કરી હતી. આ મામલે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ પ્રાંત અધિકારીને પણ તપાસ સોંપાઈ છે. તપાસમાં જે પણ કસૂરવાર ખુલશે તેની સામે કડક કાર્યવાહી થશે.

રેકોર્ડના કસ્ટડીયલ એવા રેવન્યુ તલાટી સામે પગલા લેવાશે ?

સામાન્ય રીતે મહેસુલ તંત્રમાં ફાઇલ સહિતના રેકોર્ડના જે કસ્ટોડિયલ કર્મચારી હોય છે તેની જ જવાબદારી હોય છે કે રેકોર્ડને મેન્ટેઇન કરે અને તેની જાળવણી કરે. તો વાવડીની આ ઘટનામાં જે રેવન્યુ તલાટીની જવાબદારી બનતી હતી કે જુના રેકોર્ડને મેઇન્ટેઇન કરે તેની સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

વિસ્તાર મહાપાલિકામાં ભળી ગયા બાદ મામલતદાર તંત્રએ વાવડીનું રેવન્યુ રેકોર્ડ કેમ ન સંભાળ્યું ?

મહાપાલિકાના સૂત્રોમાંથી ચોંકાવનારી માહિતી પણ મળી છે કે વર્ષ 2015માં વાવડી ગ્રામ પંચાયત હસ્તકના વિસ્તારને રાજકોટ મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે ગ્રામ પંચાયતમાં વાવડી સર્વેમાં આવતી જમીનો અને રેવન્યુ રેકર્ડનો મોટો જથ્થો સંભાળી લેવા કલેકટર તંત્રના સંલગ્ન વિભાગને ચારથી વધુ વખત પત્ર લખીને જાણ કરાઇ હતી. તેમ છતાં ત્યારે કોઈએ કાન દીધો ન હતો.

પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલે આપ્યા તપાસના આદેશ

રાજકોટની વાવડી રેકોર્ડ ગુમની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આ મામલે તેઓએ તપાસના આદેશ આપ્યા છે. તેઓ કલેક્ટર પાસેથી જીણવટભરી તમામ વિગતો જાણીને કસૂરવારો સામે આકરા પગલા ભરવાનો આદેશ પણ આપશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સરકારી રેકોર્ડ ગુમ થવું એ ગંભીર ઘટના ગણાય માટે સરકાર આ માટે કડક પગલા લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.